પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): તા 26 જુલાઈ 2008 સાંજના સાડા છ વાગ્યાનો સમય હતો દેશની વિવિધ ટેલીવીઝન ચેનલની ઓફિસમાં એક 14 પાનાનો મેઈલ આવ્યો હતો, આમ તો સાંજના પીકઅવર્સમાં ચેનલની ઓફિસમાં હાજર સ્ટાફ પાસે આટલા લાંબા મેઈલ વાંચવાનો સમય ન્હોતો, પણ તેનું હેડીંગ વાંચતા મેઈલ ઓપન કરનારના ગાત્રો થીજી જાય તેવો સંદેશો હતો મેઈલનું હેડીંગ હતું રોક સકો તો રોક લો.. મેઈલ ઈન્ડીયાન મુઝાહીદન દ્વારા ચેનલોને મોકલવામાં આવ્યો હતો, ઈન્ડીયન મુઝાહીદનું નામ વાંચતા મામલાની ગંભીરાતા સમજાઈ ગઈ કેટલીક ચેનલો દ્વારા પોલીસને તરત જાણ કરવામાં આવી હતી દેશભરની પોલીસ અને એજન્સીઓ કામે લાગી ગઈ પણ સમય ખુબ ઓછો હતો.

ભારતની પોલીસના ધ્યાનમાં પહેલી વખત ઈન્ડીયન મુઝાહીદનનું નામ  તા 22 જાન્યુઆરી 2002માં કલકત્તા ખાતે આવેલી અમેરીકન કલ્ચર સેન્ટર ઉપર હુમલો થયો ત્યારે આવ્યુ હતું પણ ત્યાર પછી આઈએમના ટુંકા નામે ઓળખતી આ સંસ્થા દ્વારા દેશભરમાં આંતકનો માહોલ સર્જી દેવામાં આવ્યો હતો, 2005માં  વારાણસી, ત્યાર પછી તે જ વર્ષે ઉત્તર પ્રદેશ શ્રમજીવી એકસપ્રેસ બ્લાસ્ટ, નવી દિલ્હીમાં બ્લાસ્ટ, 2006માં અમદાવાદ સ્ટેશન ઉપર બ્લાસ્ટ ત્યાર બાદ ટ્રેન બ્લાસ્ટનો સીલસીલો શરૂ થયો અને વારાણસી, મુંબઈ અને ગોરખપુરમાં ટ્રેન બ્લાસ્ટ કર્યા હતા 25 ઓગષ્ટના રોજ હૈદરાબાદ ખાતે બ્લાસ્ટ કર્યો હતો, આમ દેશમાં સતત આંતક ફેલાવી રહેલા ઈન્ડીયન મુઝાહીદને પકડવા અને રોકવામાં દેશભરની પોલીસ અને એજન્સીઓ પાંગળી પુરવાર થઈ રહી હતી ત્યારે ફરી એક વખત રોક સકો તો રોક લો કહી તેમણે દેશભરની પોલીસને પડકારી હતી.

હજી પોલીસ કઈક સમજે તે પહેલા અમદાવાદના  રાયપુર, નારોલ, મણિનગર, સરખેજ, સારંગપુર, બાપુનગર,  રખિયાલ હાટકેશ્વર, એલજી હોસ્પિટલ અને સિવિલ હોસ્પિટલ સહિત અમદાવાદના કુલ 20 સ્થળે સાયકલ બોમ્બ ફુટવા લાગ્યા હતા, આખુ અમદાવાદ જાણે આંતકવાદીઓથી ઘેરાઈ ગયુુ હોય તેવો માહોલ હતો, ચારે તરફ એમ્બુલન્સ અને પોલીસના વાહનોની સાયરનો સંભળાઈ રહી હતી, હોસ્પિટલમાં ઈજાગ્રસ્તો અને લાશો આવી રહી હતી આ સ્થિતિમાં અમદાવાદ પોલીસ જાણે લાચાર બની ગઈ હોય તેવુ લાગી રહ્યુ હતું. બનાવ અત્યંત ગંભીર હતો, 2002માં ગુજરાતમાં થયેલી કોમી તોફાનનો બદલો લેવા માટે ઈન્ડીયન મુઝાહીદન દ્વારા આ હુમલો કરવામાં આવ્યો હતો, ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સ્થિતિની ગંભીરતા સમજી ગયા હતા, તેમણે અમદાવાદ અને રાજયના પોલીસ અધિકારીઓને ગાંધીનગર બોલાવવાને બદલે પોતે જ અમદાવાદ પોલીસ કમિશનર ઓફિસમાં આવી ગયા હતા.

નરેન્દ્ર મોદી અને અમદાવાદના સિનિયર પોલીસ અધિકારીઓના બંધ બારણે ચર્ચા થઈ, બેઠકના અંતે નરેન્દ્ર મોદીએ કોઈ પણ ભોગે ઘટનાના મુળ અને તેની પાછળ રહેલા આતંકીઓ સુધી પહોંચવા આદેશ આપ્યો હતો, આ ઓપરેશન માટે નૈતિક રીતે રાજય સરકાર પોલીસ સાથે છે અને જરૂરી તમામ મદદ આપવાની ખાતરી આપી હતી, પણ અમદાવાદ પોલીસ માટે આ બહુ કપરૂ કામ હતું, દિલ્હી અને મુંબઈ જેવી પ્રોફેશનલ પોલીસ તેમજ ભારતની વિવિધ એજન્સીઓ ઈન્ડીયન મુઝાહીદનની પાછળ હોવા છતાં તેઓ કાયમ તેમને થાપી પોતાનો મકસદ પુરો પાડતા હતા આ સ્થિતિમાં અમદાવાદના 20 બ્લાસ્ટ જેમાં 56 લોકો મૃત્યુ પામ્યા હતા અને 150 લોકોને ઈજા થઈ હતી, રાજય સરકારે આ ઘટનાની માહિતી આપનારને 50 લાખનું ઈનામ આપવાની જાહેરાંત કરી દીધી હતી.

કડક હિન્દુવાદી  સરકારની છાપ ધરાવતી ભાજપ સરકાર માટે આબરૂનો વિષય બની ગયો હતો, અમદાવાદના જે વિસ્તારમાં બોમ્બ ફુટયા તે વિસ્તારની પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી દીધી હતી, પોલીસની તપાસમાં ફોરેનસીક અધિકારીઓ પણ જોડાયા હતા, ફોરેનસીક રીપોર્ટ પ્રમાણે બોમ્બ બનાવવામાં અત્યંત ધાતક એમોનીયમ નાઈટ્રેડનો ઉપયોગ થયો હોવાનું બહાર આવ્યુ હતું. હવે સ્થાનિક પોલીસના ગજા બહારનું કામ તેમને સોંપી દેવામાં આવ્યુ હતું ત્યાં એક ટેકનીકલ પ્રશ્ન ઉભો થયો પોલીસે બોમ્બ બ્લાસ્ટ કરનાર આરોપીઓ સામે અન લો ફુલ એકટીવીનો ગુનો નોંધ્યો હતો પણ આ કાયદા અનુસાર જો ગુનો નોંધાય તો તપાસ કરવાનો અધિકારી ડેપ્યુુટી પોલીસ સુપ્રીટેન્ડન્ટ કક્ષાના અધિકારીને આપવામાં આવ્યો હતો જયારે અમદાવાદની તપાસ તો પોલીસ ઈન્સપેકટરો કરી રહ્યા હતા.

આ બાબત ધ્યાનમાં આવતા તરત આદેશ થયો કે તમામ કેસની તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને સોંપી દેવામાં આવે અને તપાસ ક્રાઈમ બ્રાન્ચ પાસે આવી ગઈ, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના વડા તરીકે આશીષ ભાટીયા હતા, જયારે ડેપ્યુટી પોલીસ કમિશનર તરીકે અભય ચુડાસમા અને આસીસ્ટન્ટ કમિશનર એચ આર મુલીયાણા હતા,માત્ર ગુજરાતમાં જ નહીં વિશ્વ આખામાં થઈ રહેલી આતંકી પ્રવૃ્તીઓ ટ્રેક કરનાર ગુજરાતના સિનિયર આઈપીએસ આશીષ ભાટીયાને ખ્યાલ આવી ગયો કે વર્તમાન સ્ટાફ અનેે તેમની કુનેહ સાથે સીરીયલ બ્લાસ્ટને ક્રેક કરવો શકય નથી આ ઓપરેશન માટે ખાસ પ્રકારના પોલીસ અધિકારીઓને જરૂર પડશે, આશીષ ભાટીયાએ આ બાબત ગૃહ વિભાગના ધ્યાન ઉપર મુકી અને તરત તેમને લીલી ઝંડી મળી ગઈ. આશીષ ભાટીયા દ્વારા તરત  પોતાને જરૂર હતા તેવા પોલીસ અધિકારીને ક્રાઈમ બ્રાન્ચમાં બોલાવી લીધા હતા.

આશીષ ભાટીયા દ્વારા જેમને પોતાની ટીમમાં સામેલ કરવામાં આવ્યા તેમાં ગાંધીનગર આઈબીના એસપી ગીરીશ સીંઘલ, હિમંતનગરના એએસપી હિમાંશુ શુકલ જયારે ડીવાયએસપીમાં વી આર ટોળીયા, મયુર ચાવડા, રાજેન્દ્ર અસારી અને ઉષા રાડાને સામેલ કરવામાં આવ્યા હતા, આ ઉપરાંત મહેસાણા પોલીસમાં ફરજ બજાવતો કોન્સટેબલ દિલીપ ઠાકોરને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યા હતા, આમ સાત પોલીસ અધિકારીઓ બહારથી આવ્યા હતા અને ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી ચુડાસમા અને એસીપી મુલીયાણા મળી કુલ નવ અધિકારીઓને એકત્રીત કરી આશીષ ભાટીયાએ ઓપરેશન બ્લાસ્ટને ક્રેક કરવાની કવાયત શરૂ કરી હતી.

ઘટના 1

સૌથી પહેલી શરૂઆત ટેલીવીઝન ચેનલને મળેલા મેઈલના આધારે તપાસ કરવાની હતી, ક્રાઈમ બ્રાન્ચને ખબર હતી કે મેઈલ જે એડ્રેસથી મોકલવામાં આવ્યો છે તે બનાવટી જ હશે કારણ આતંકી પણ કાચા ખેલાડી ન્હોતા તેઓ પોતાના મેઈલને કારણે પકડાઈ જાય તેવી ભુલ તો કરવાના ન્હોતા, આમ છતાં  તપાસ કરવી જરૂરી હતી, આશીષ ભાટીયા પાસે જે અધિકારીઓ આવી ગયા હતા તે તમામ પાસે અત્યારે તો એક જ ટાર્ગેટ ઉપર કામ કરવાનું હતું, જેમા સૌથી પહેલા બ્લાસ્ટમાં કોણ સંડોવાયેલુ છે, માણસો કયાંથી આવ્યા હતા, અમદાવાદ અને ગુજરાતમાં કોણે લોજેસ્ટીક સપોર્ટ આપ્યો હતો, વગેરે વગેરે બાબતને ધ્યાનમાં રાખી ટીમોને પોતાના ટાર્ગેટ ઉપર રવાના કરી દેવામાં આવી હતી,

ડીવાયએસપી વી આર ટોળીયા અને ઉષા રાડાને મેઈલના આધારે ટ્રેકીંગ કરવા માટે મુંબઈ મોકલી દેવામાં આવ્યા હતા. કારણ મેઈલ ટ્રેકીંગમાં ખબર પડી ગઈ હતી કે મેઈલ મુંબઈથી થયા છે ટોળીયા અને રાડાએ મુંબઈ પહોંચી પોતાનું કામ શરૂ કર્યુ, જેમાં આશીષ ભાટીયાની સુચના કારણે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ પણ મદદમાં આવી ગયા હતા મુંબઈ તપાસમાં બહાર આવ્યુ કે ટીવી ચેનલોને મળેલા મેઈલ ત્રણ અલગ અલગ જગ્યાથી થયા હતા  જેમાં એક મેઈલ માટે નવી મુંબઈના સનપાડા, ખાલસા કોલેજ માંટુગા અને ચેમ્બુરની એક ખાનગી કપની દ્વારા મેઈલ થયા હતા જો કે મેઈલ કરવા માટે એકાઉન્ટ હેક કરી મેઈલ થયા હતા જો કે મુંબઈ  પહોંટેલી ટીમને ખાસ સફળતા મળી ન્હોતી.

ઘટના 2

જોઈન્ટ પોલીસ કમિશનર આશીષ ભાટીયા દ્વારા મહેસાણા પોલીસમાં ફરજ બજાવતા કોન્સટેબલ દિલીપ ઠાકોરને પણ સામેલ કરવામાં આવ્યો હતો જો કે દિલીપ ઠાકોર કોણ છે અને કોન્સટેબલ કઈ રીતે આ તપાસમાં મદદ કરી શકે તેની ખાસ ખબર ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓને ન્હોતી પણ દિલીપના કામથી ડીસીપી અભય ચુડાસમા અને આશીષ ભાટીયા  વાકેફ હતા, દિલીપ પોલીસ કોન્સટેબલ જ હતો પણ મોબાઈલ ફોન ટ્રેકીંગમાં તેની માસ્ટરી હતી, તે મહેસાણામાં બેસીને રાજયના અનેક વણઉકેલાયેલા ગુનામાં મુળ સુધી જવાનું કામ કરતો હતો અગાઉ ભાટીયા મહેસાણા એસપી રહી ચુકયા હોવાને કારણે તેમણે દિલીપને બોલાવી લીધો હતો.

જો કે જયારે બ્લાસ્ટ થયા ત્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટેકનીકલ ક્ષમતા અને સ્ટાફ આ સ્થિતિ માટે તૈયાર ન્હોતો, પણ દિલીપ ઠાકોરે કામ શરૂ કરતા જ ખ્યાલ આવ્યો તે આ કામ કરવા માટે સારા કોમ્પયુટરથી લઈ અનેક આધુનિક સાધનોની જરૂર પડશે, દિલીપી ડીસીપી ચુડાસમા પાસે જઈ પોતાની સમસ્યા કહી અને તેમણે તરત અઢી લાખ રોકડા દિલીપીના હાથમાં મુકતા કહ્યુ જે કઈ જરૂરીયાત હોય તેની ખરીદી કરો અને કામ શરૂ કરો કારણ આપણે પાસે સમય ઓછો છે. ક્રાઈમ બ્રાન્ચને ખબર હતી કે આતંકીએ જરૂર મોબાઈલ ફોનનો ઉપયોગ કર્યો હશે પરંતુ તેમને ફોન દ્વારા શોધવા સહેલા ન્હોતા, દિલીપે રાત દિવસ જોયા વગર કરોડો ફોન યુજર્સમાંથી ચોક્કસ નંબર શોધવાની શરૂઆત કરી હતી.

આશીષ ભાટીયા દ્વારા ચોક્કસ કામ માટે ચોક્કસ અધિકારીઓને જવાબદારી સોંપી દીધી હતી, જેમાં ટેકનીકલ સર્વેલન્સ કરી રહેલી ટીમ સાથે એએસપી હિમાંશુ શુકલને જોડી દેવામાં આવ્યા હતા, ડીસીપી ચુડાસમા, , હિમાંશુ શુકલ તેમજ  પીએસઆઈ જીતેન્દ્ર યાદવ અને જુગલ પુરોહીત ટેકનીકલ કામ સંભાળી લીધુ હતું.

ઘટના 3

મોબાઈલના આગમન પછી દેશની એજન્સીઓ હ્યુમન સર્વેલન્સ લઘભગ બંધ કરી દીધુ હતું, મોબાઈલના આગમન પહેલા પોલીસ પોતાના ખબરીઓ દ્વારા કામ કરતી હતી પણ નવી પેઢીની પોલીસને ખબરીના નેટવર્કની ખબર જ ન્હોતી, અમદાવાદ બ્લાસ્ટ પછી પહેલી વખત ખુદ ક્રાઈમ બ્રાન્ચને પણ ખ્યાલ આવ્યો કે ટેકનીકલ સર્વેલન્સ કરવામાં ખબરીના નેટવર્ક તેમણે ધ્યાન કેન્દ્રીત કર્યુ ન્હોતુ જેના કારણે હાલની સ્થિતિમાં આતંકી સુધી લઈ જાય તેવો ખબરી તેમની પાસે ન્હોતો. એક તરફ દિવસો પસાર થઈ રહ્યા હતા અને કોઈ સારા સમાચાર મળી રહ્યા ન્હોતા જેના કારણે સરકારનું દબાણ પણ ક્રાઈમ બ્રાન્ચ ઉપર વધી રહ્યુ હતુું,

આ વખતે ડીસીપી અભય ચુડાસમાને એક મહત્વનો ફોન આવે છે, અભય ચુડાસમા ગુજરાત પોલીસમાં જોડાયા ત્યારે તેમનું સૌથી પહેલુ પોસ્ટીંગ ભરૂચ થયુ હતું, અભય ચુડાસમાને ફોન કરનાર તેમનો જુનો કોન્સટેબલ યાકુબઅલી પટેલ હતો . અમદાવાદની ઘટના સાથે ભરૂચ પોલીસના કોન્સટેબલ યાકુબને કોઈ નીસ્બત ન્હોતી, પણ તે અખબારમાં આ અંગેના સમાચાર વાંચી રહ્યો હતો તેમાં તેણે એક કારનો ફોટો જોયો હતો જે કાર બ્લાસ્ટ માટે ઉપયોગમાં લેવામાં આવી હતી, યાકુબને લાગ્યુ કે તેણે તો આ કાર અગાઉ ભરૂચના ગુલામભાઈના ઘર બહાર જોઈ હતી, બસ આટલી જ માહિતી યાકુબ પાસે હતી અને તેણે ડીસીપી ચુડાસમાના ધ્યાન ઉપર મુકી.

ડીસીપી ચુડાસમાએ યાકુબને કેટલીક સુચના આપી જેના આધારે યાકુબ લુગામભાઈના ઘરે પહોંચ્યો અને તેણે જયારે ગુલામભાઈને અખબારમાં છપાયેલો ફોટો બતાડયો ત્યારે તેઓ પણ ચમકી ગયા કારણ તેમનું ઘર ભાડે લેનાર યુવાનો આ કાર લઈ આવ્યા હતા અને ગુલામભાઈએ ભાડે ઘર રાખનારના ફોન નંબર આપ્યા આ માહિતી આગળ જઈ સ્ફોટક બનવાની હતી. આમ બ્લાસ્ટ કરનાર મુસ્લિમ હતા પણ તેમના સુધી લઈ જનાર યાકુબ પણ મુસ્લિમ હોવા છતાં એક પોલીસ તરીકે તેણે પોતાની પ્રમાણિક ફરજ બજાવી

ઘટના 4

અમદાવાદ બ્લાસ્ટની તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પાસે ભલી હતી પણ ખાનગી રાહે ગુજરાતના તમામ મોટા પોલીસ અધિકારીઓ આ તપાસમાં જોડાઈ ગયા હતા, બધા જ ઈચ્છતા હતા કે તેઓ આ કેસને ક્રેક કરે, અને તેની ક્રેડીટ પોતાને મળે, આમ ક્રેડીટ લેવાની હોડ શરૂ થઈ હતી, જેમાં વડોદરાના પોલીસ કમિશનર રાકેશ આસ્થાના પોતાની ટીમોને મોકલી શંકમદોને ઉપાડી રહ્યા હતા, કારણ  તેમની પાસે જે જાણકારી આવી તેમાં વડોદરા અને ભરૂચના યુવાનો સામેલ હોવાની હકિકત તેમને મળી હતી આમ વડોદરા પોલીસ પણ વગર એસાઈન્ટમેન્ટ કામ કરી રહી હતી, તેવી જ રીતે ભરૂચના એસપી સુભાષ ત્રિવેદ્દીને પણ શંકા હતી કે આતંકી ભરૂચની આસપાસના હોવા જોઈએ એટલે તેમણે પણ પોતાનું નેટવર્ક સામે લગાડયુ હતું.

આતંકીના મનસુબા પ્રમાણે અમદાવાદ અને સુરતમાં એક સાથે બ્લાસ્ટ કરવાના હતા પણ સુરતના બોમ્બ ફુટયા ન્હોતા પરંતુ આ મામલે સુરત પોલીસે ગુુનો નોંધી તપાસ શરૂ કરી હતી સરતના પોલીસ કમિશનર આર એમ એસ બ્રારને માહિતી મળી હતી કે બોમ્બમાં ઉપયોગમાં લેવામાં આવેલુુ એમોનીયમ નાઈટ્રેડ બેગ્લોંરથી આવ્યુ હતું, આ વખતે સુરતમાં ડીસીપી તરીકે કામ કરતા ચંદ્રશેખર દક્ષિણ ભારતીય હોવાને કારણે સુરત કમિશનર બ્રારે તેમને  બેગ્લોંર રવાના કર્યા હતા, આમ ગુજરાત પોલીસની જ વિવિધ એજન્સીઓ એક સાથે કામ કરવા લાગતા તેમના ઈન્ટ્રેસ્ટ કલેશ થવા લાગ્યા હતા અને દરેક એજન્સી એવુ માની રહી હતી કે બીજી એજન્સી તેમનું કામ બગાડી રહી છે.

આ મામલે આખરે ગૃહરાજય મંત્રી અમીત શાહ સુધી ફરિયાદ ગઈ અને તેમણે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ સિવાય અન્ય તમામ એજન્સીએ કામ બંધ કરી દેવા તેવો આદેશ આપ્યો કારણ ક્રાઈમ બ્રાન્ચને ડર હતો કે તેમની તપાસને નુકશાન થશે અને આરોપી ભાગી જશે, જો કે અમીત શાહના આદેશ બાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની જવાબદારી વધી હતી.

ઘટના 5

બ્લાસ્ટની તપાસ ક્રાઈમ બ્રાન્ચને મળ્યાને બે અઠવાડીયા થઈ ગયા હતા , ક્રાઈમ બ્રાન્ચની ખાસીયત એવી હતી કે કઈ ટીમ કઈ બાબત ઉપર કામ કરી રહી છે અને કોણ શુ કરી રહ્યુ છે તેની ભાગ્યે જ કોઈને ખબર પડતી હતી. ગુજરાત બહાર જે અધિકારીઓ તપાસ કરી રહ્યા હતા તેમને અચાનક તાકીદનો સંદેશો આશીષ ભાટીયા દ્વારા મળ્યો કે તાત્કાલીક અમદાવાદ પાછા ફરો, કોઈને કઈ જ સમજાયુ નહીં જે પહેલી ફલાઈટ મળી તે પકડી અધિકારીઓ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પહોંચ્યા આશીષ ભાટીયાએ કહ્યુ આપણે કેટલી વ્યકિતઓની અટકાય કરી છે તેમની પુછપરછ થઈ ચુકી છે તમે તેમની ધરપકડ કરી તપાસ શરૂ કરો, આમ આશીષ ભાટીયા અને અભય ચુડાસમા પોતાની સમાંતર તપાસ કરી રહ્યા હતા અને તેઓ મહત્લની હકિકત સુધી પહોંચ્યા હતા અને તેના આધારે બ્લાસ્ટમાં સામેલ આરોપીઓની ધરપકડનો દૌર શરૂ થયો હતો.

આ આરોપીઓનું કબુલાતમાં ક્રાઈમ બ્રાન્ચ પાસે એક મહત્વનું નામ આવ્યુ જેનું નામ હતું અબુ બશર તે ઉત્તર પ્રદેશના લખનઉની આસપાસ હતો, આ જાણકારી મળતા હિમાંશુ શુકલ અને મયુર ચાવડાને તરત લખનઉ રવાના કરી દેવામાં આવ્યા હતા, ઉત્તર પ્રદેશ પોલીસની મદદ લેવામાં આવી હતી, ક્રાઈમ બ્રાન્ચ એક એક મિનીટનો ઉપયોગ કરી રહી હતી, તેમને ખબર હતી કે તપાસમાં મોડુ કરવાનો અર્થ બાકીના આરોપીઓને ભાગી છુટવાનો સમય આપવો , અબુ બશરને પકડયા પછી મામલો બગડી શકે તેમ હતો આશીષ ભાટીયાએ ગુજરાત સરકાર સાથે ચર્ચા કરી અને મિનીટોમાં ગૃહ વિભાગે નક્કી કર્યુ કે અબુ બશરને લાવવા માટે ખાસ ચાર્ટડ ફલાઈટ લખનઉ મોકલવામાં આવે આમ હિમાંશુ શુકલ અને મયુુર ચાવડાએ ઉત્તર પ્રદેશ પોલીસ સાથે મળી અબુ બશર ઓપરેશન પાર પાડયુ અને ચાર્ટડ પ્લેન દ્વારા અબુને અમદાવાદ લાવવામાં આવ્યો હતો.

એક માહિતી પ્રમાણે ગુજરાત સરકારે તપાસમાં કોઈ કચાશ નહીં રાખવાનો આદેશ આપતા કોન્સટેબલને પણ પ્લેનમાં મુસાફરી કરવા માટે મંજુરીની આવશ્યકતા ન્હોતી, આખી તપાસ દરમિયાન પંદર લાખ રૂપિયા એર ટીકીટ પાછળ ખર્ચ થયો હતો.

ઘટના 6

એક પછી એક આરોપીઓ પકડવા લાગ્યા હતા, ગુજરાત સહિત મધ્યપ્રદેશ, કેરલ, ઉત્તર પ્રદેશ, કર્ણાટક અને મહારાષ્ટ્રના આતંકીઓ સામેલ હતા આમ ક્રાઈમ બ્રાન્ચને મળેલા નામ પ્રમાણે તેમની સંખ્યા એકસો પાર કરી રહી આશીષ ભાટીયા દ્વારા  હવે ટીમના ત્રણ ભાગ પાડી દીધા હતા, જેમા ડીવાયએસપી આર વી ટોળીયા, ઉષા રાડા, રાજેન્દ્ર અસારી અને મયુર ચાવડાને તપાસ સોંપી દીધી હતી, જયારે એસપી ગીરીશ સિંઘલ, અભય ચુડાસમા અને પીએસઆઈ ભરત પટેલને ઈન્ટ્રોગેશનની ખાસ જવાબદારી સંભાળવાની હતી અને ત્રીજી ટીમ હતી જે આરોપીઓના નામ જાહેર થાય તેમને ઉપાડી લેવાના હતા આ ટીમમાં ઈન્સપેકટર તરૂણ બારોટ, પીએસઆઈ યાદવ અને પુરોહીત હતા, જયારે ઈન્સપેકટર અજય ગખ્ખરને જેસીપી આશીષ ભાટીયા સાથે તેમના દ્વારા સોંપવામાં આવતી કામગીરી સંભાળવાની હતી.

આમ કામની શરૂઆત તો થઈ ગઈ દેશની એક પણ એજન્સી જેમને પકડી શકતી ન્હોતી તેવા 80 કરતા વધુ આરોપીઓ ક્રાઈમ બ્રાન્ચે પકડી લીધા હતા અને હજી 20 ટોપ મોસ્ટ વોન્ટેડ આરોપીઓ પકડવાના બાકી હતા આ આખી તપાસનો સીલસીલો નવ મહિના સુધી સતત ચાલ્યો હતો આ કામમાં રોકાયેલા નાના મોટા તમામ પોલીસ અધિકારીઓ નવ  મહિના સુધી સવારે નવ લાગે ક્રાઈમ બ્રાન્ચ આવી જતા વહેલી સવારે ત્રણ -ચાર વાગે ક્રાઈમ બ્રાન્ચથી ઘરે જવા નિકળતા હતા, આ નવ મહિના દરમિયાન સવાર અને રાતનું ભોજન બધા જ અધિકારીઓ સાથે ક્રાઈમ બ્રાન્ચમાં જ લેતા હતા.

ઘટના 7

2008માં થયેલા બ્લાસ્ટની ઘટનાને 11 વર્ષ થઈ ગયા, ગુજરાત સરકારે આ કેસને ઉકેલનાર રૂપિયા 50 લાખનું ઈનામ આપવાની જાહેરાંત કરી હતી, પરંતુ અગીયાર વર્ષ બાદ પણ ઈનામની ફાઈલ મુખ્યમંત્રી કાર્યાલયની બહાર નિકળી હતી, આટવા વર્ષ પછી ઈનામની રકમ નહીં મળવા પાછળનું કારણ એવુ છે કે ઈનામના દાવેદાર અનેક થઈ ગયા છે. અમદાવાદ પોલીસ દ્વારા બ્લાસ્ટ કેસ તેમણે ઉકેલ્યો હોવાનો દાવો કરી ઈનામની રકમ અમદાવાદ પોલીસને મળે તેવો દાવો કર્યો હતો આ જ  પ્રકારે વડોદરા પોલીસ કમિશનર રાકેશ આસ્થાના દ્વારા પણ સૌથી પહેલો આરોપી તેમણે પકડયો હોવાનો દાવો કરી તેમણે પણ ઈનામ ઉપર પોતાનો હક હોવાનું કહ્યુ હતું જયારે સુરત પોલીસ કમિશનર બ્રાર દ્વાર મૌખીક રીતે તેમણે કરેલી કામગીરી ગૃહ વિભાગ સામે રજુ કરી ઈનામની માગણી કરી હતી આમ ત્રણ એજન્સીઓ દ્વારા ઈનામની માગણી થતાં રાજય સરકારે તે ફાઈલને જ અભરાઈ ઉપર ચઢાવી દીધી છે.