દેવલ જાદવ (મેરાન્યૂઝ.અમદાવાદ): અમદાવાદમાં કોરોના વાયરસનાં કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં લગભગ બધા બેડ ભરાવા લાગ્યા છે. અમદાવાદમાં વધી રહેલા કોરોનાના કેસને ધ્યાનમાં લઈને તંત્ર દ્વાર કોરોનાની સારવાર કરતી ખાનગી હોસ્પિટલોમાં વધારો કર્યો છે અને સરકારી હોસ્પિટલમાં પણ બેડની સંખ્યામાં વધારો કર્યો છે.

અમદાવાદની કોરોનાની સારવાર કરતી એક ખાનગી હોસ્પિટલમાં ઓક્સિજનની અછત સર્જાતા દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તેવો એક વીડિયો વાયરલ થયો છે. વાયરલ થયેલા વીડિયોમાં જણાવ્યા અનુસાર અમદાવાદમાં આવેલી શિફા મલ્ટી સ્પેસિયાલીટી હોસ્પિટલમાં હાલ ૨૮ કોરોના દર્દી દાખલ છે જેમાં ૨૨ દર્દી સિરિયસ હાલતમાં છે. વાયરલ વીડિયોમાં ડૉ. હિરલ ગોસાઈ જણાવે છે કે, અત્યારે દર્દીઓનું ઓક્સિજન લેવલ ઘટી રહ્યું છે પણ ઓક્સિજનની અછતના કારણે અમે કંઈ કરી શકતા નથી. અત્યારે હોસ્પિટલના ડોકટરો અને સંચાલકો બધા ઓક્સિજનની વ્યવસ્થા કરવામાં લાગ્યા છે. વીડિયો અહીં અહેવાલના અંતમાં દર્શાવ્યો છે. જેમાં ડોક્ટરની લાચારી તેમની વાતોમાં સમજી શકાય છે. સમજી શકાય છે કે તેમના સાથે રહેલા દર્દીઓ કેટલી તકલીફમાં છે.


 

 

 

 

 

ઓક્સિજન વગર દર્દીનો જીવ પણ જોખમમાં મુકાઇ શકે તેવી પરિસ્થિતિ છે. આવી પરિસ્થતિમાં કોઈ અન્ય માર્ગ ન મળતાં હોસ્પિટલના ડોકટર એ આવો વિડિયો બનાવીને વાયરલ કર્યો છે અને સરકારને વિનંતી કરી છે કે  શહેરની કરોનાની સારવાર કરતી દરેક હોસ્પિટલમાં ઓક્સિજન પૂરતા પ્રમાણમાં મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવે.