પ્રશાંત દયાળ (મેરન્યુઝ અમદાવાદ): અમદાવાદના સીજી રોડ પર આવેલા નવરંગપુરા રબારીવાસમાં ધીરે ધીરે માણસ એકત્ર થવા લાગ્યું. આંખો નિસ્તેજ હતી પણ એકપણ આંખ એવી નહોતી કે જે સજળ ન હોય. મૂળ ઉત્તર ગુજરાતના મોઢેરાના વતની માલજીભાઈ દેસાઈ પાંચ દાયકા અગાઉ પશુપાલન અર્થે અમદાવાદ આવ્યા. હાલમાં જ્યાં નવરંગપુરા રબારીવાસ છે એ એક વેરાન વગડો હતો. 

અત્યંત સામાન્ય જિંદગી જીવતા માલજીભાઈનો મોટો દીકરો હરજી તેને ભણવું હતું અને પોતાના પરિવારને દારુણ સ્થિતિમાંથી બહાર લાવવો હતો.

અમદાવાદની સહજાનંદ કોલેજમાં અભ્યાસ કર્યો અને વિદ્યાર્થીનેતા તરીકે જિંદગીની શરૂઆત કરી. જોકે રાજકારણ તેને ક્યારેય રાશ આવ્યું નહીં. કડવું અને સાચું બોલવાની તેની આદતે તેનામાં રહેલા સારા માણસને જીવતો રાખ્યો. રાજકારણની સફર દરમ્યાન અનેક નેતાઓ અને અધિકારીઓના સંપર્કમાં આવ્યો, અનેક એવા મિત્રો તેની જિંદગીમાં આવ્યા તેના સ્વભાવ અને વ્યવહારમાં રહેલું બરછટપણું દૂર થયું. તેની સાથે વાત કરતાં તે કોઈ વ્યાપારી હોય તેવી છાંટ તેનામાં દેખાતી.

પોતાનો વ્યાપાર-ધંધો ઊભો કર્યો. અમદાવાદના એસ.જી. હાઇવે પર આલીશાન બંગલો બનાવ્યો પણ તેને ખબર હતી કે, તેનામાં રહેલું દેશીપણું તેને બંગલામાં સુખ આપશે નહીં. તેથી એ ક્યારેય બંગલામાં રહેવા ગયો જ નહીં. તેનું સુખ તેની જિંદગી તેના રબારીવાસમાં જ હતી.


 

 

 

 

 

તેને  મિત્રો  અને લોકો સાથે જ રહેવું ગમતું. કોઈપણ પરિચિત, અપરિચિત વ્યક્તિ મુશ્કેલીમાં છે એટલી ખબર પડવી જ તેના માટે જરૂરી હતી. બીજા માટે જીવ રેડી દેનારો માણસ. તેણે ક્યારેય પોતાના સ્વાર્થ અને પોતાને થનાર નુકસાનની પરવા કરી નહીં. મિત્રો માટે લડી લેવાની કાયમ તેની તૈયારી રહેતી.

એ જિંદાદિલ હરજીને હજુ જીવવું હતું. મિત્રો સાથે તોફાન-મસ્તી કરવાં હતા. પોતાના સંતાનોને ઠેકાણે પાડવાના બાકી હતા. રોજ પ્રમાણે તે સવારે પાંચ વાગે ઉઠ્યો. રોજની ટેવ પ્રમાણે મિત્રોને whatsappમાં ગુડમોર્નિંગના મેસેજ મોકલ્યા પણ ખુદ હરજી અને મિત્રોને ખબર નહોતી કે, હવે આવતીકાલથી તેમને હરજી ક્યારેય ગુડમોર્નિંગ કહેશે નહીં. સવારના સવા પાંચ વાગે અચાનક છાતીમાં દુઃખાવો ઉપડ્યો અને હરજી અંતિમ સફરે ચાલી નીકળ્યો.

હરજીની વિદાયે માત્ર તેના પરિવારને અનાથ નથી કર્યો. પણ કોઈના જવાથી મિત્રો પણ અનાથ થાય તેવી આ ઘટના છે. મિત્રોના મનમાં હવે એક જ ડર છે કે, હવે આપણે મુશ્કેલીમાં હોઈશું ત્યારે વગર કીધે આપણા માટે કોણ દોડશે? એક તરફ કોરોનાનો ડર હતો ત્યારે દોસ્ત હરજી જતો રહ્યો છે તેવી ખબર પડતાં અમદાવાદ અને ગુજરાતમાંથી મોટી સંખ્યામાં મિત્રો તેને છેલ્લી વખત મળવા દોડી આવ્યા. હરજી જીવ્યો ત્યાં સુધી ભલે સામાન્ય માણસ હતો પણ તેનુ મૃત્યુ કેટલું શાહી હતું! જુઓ આ વિડિયો...