પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): અમદાવાદના સોલા વિસ્તારમાં આવેલ ગોતા હાઉસિંગ કોલોનીમાંથી ગુમ થયેલી 7 વર્ષની ખુશી રાઠોડ નામની બાળકીની લાશ ઓગણજ ટોલનાકા પાસેથી મળી આવી છે. બાળકીની હત્યા ગળુ દબાવીને કરી હોવાના કારણે અપહરણ કરી હત્યા કરનારો કોઈ નજીકની પરિચિત વ્યક્તિ હોવાનું પોલીસ માની રહી છે. પોલીસને વિશ્વાસ છે કે 24 કલાકમાં આ ગુનાનો ભેદ ઉકેલી નાખશે. સોલા પોલીસ સ્ટેશને હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અમદાવાદના સોલા વિસ્તારમાં આવેલી ગોતા હાઉસિંગ ખાતેથી ખુશી રાઠોડ નામની 7 વર્ષની બાળકી ગત ત્રણેક દિવસથી ગુમ હતી. ખુશીના પિતા મજુરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ખુશી સાંજના સમયે ઘર પાસે રમતી હતી. ખુશી રમતા રમતા મોડી સાંજ સુધી ઘરે આવી નહીં.  અપહરણ સહિતની કલમોને આધારે ફરિયાદ નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી પરંતુ બાળકીને શોધવાના તમામ પ્રયત્નોમાં પોલીસને હાથે કાંઈ લાગ્યું ન્હોતું. એટલામાં આજે મંગળવારે ઓગણજ ટોલનાકા પાસેથી એક બાળકીની લાશ મળી આવી હતી. તેની ઉંમર સહિતની માહિતીઓ ગોતાથી ગુમ થયેલી ખુશી રાઠોડ સાથે મળતી હોવાથી સહુ કોઈ અચંબીત થઈ ગયા હતા. તેમણે તપાસ કરતાં લાશ ખુશીની હોવાનું માલુમ પડ્યું હતું.

પોલીસે આ ઘટનામાં લાશ પોસ્ટ મોર્ટમ માટે ખસેડી વધુ તપાસની તજવીજ હાથ ધરી છે. જોકે પોલીસને પ્રારંભીક ધોરણે લાગી રહ્યું છે કે હત્યા ગળુ દબાવીને કરાઈ હોવાને કારણે કોઈ નજીકનું વ્યક્તિ કે જે પરિચિતોમાં હોય તેણે આ હત્યાને અંજામ આપ્યો હોઈ શકે છે. જોકે પોલીસને એવો વિશ્વાસ પણ છે કે તેઓ લગભગ 24 કલાકમાં આ કૃત્યને અંજામ આપનાર સુધી પહોંચી જશે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2009માં પણ અમદાવાદના બાપુનગર વિસ્તારમાંથી એક 7 વર્ષની બાળકી ગુમ થઈ હતી જેની લાશ ઘર પાસેની મ્યૂનિસિપલ સ્કૂલના ટોઈલેટમાંથી મળી હતી. તેની દુષ્કર્મ બાદ હત્યા કરવામાં આવી હતી.  જોકે તે ઘટનાને 11 વર્ષ થઈ ગયા પરંતુ આરોપીનો પત્તો હજુ સુધી લાગ્યો નથી.