દેવલ જાદવ (મેરાન્યૂઝ.અમદાવાદ): આવનારી ૨૪મી ફેબ્રુઆરીથી અમદાવાદના મોટેરા ખાતે આવેલા સરદાર પટેલ સ્ટેડિયમમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ મેચ રમાવાની છે. મોટેરા સ્ટેડિયમમાં રિનોવેશન પછી અહીંયા પ્રથમ મેચ રમવા જઈ રહી છે. જેના પગલે પોલીસ તંત્ર દ્વારા આગોતરી તૈયારીઓ કરી લેવામાં આવી છે. અમદાવાદ ખાતે વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ બન્યું છે જ્યાં પહેલી મેચ યોજાવાની છે તે વાત જ ક્રિકેટના ચાહકો માટે ઉત્સાહ વધારનારી બની ગઈ છે પરંતુ આ માટે તંત્ર કેટલી મહેનત કરી રહ્યું છે તે પણ જાણવું એટલું જ જરુરી છે. ખાસ કરીને અમદાવાદ પોલીસ દ્વારા અહીં ક્રિકેટર્સના બંદોબસ્ત દરમિયાન કેવી કામગીરી કરાય છે તેની જાત તપાસ દરમિયાન કેટલીક ચોંકાવનારી બાબતો સામે આવી છે.

આગામી સમયમાં ૨૪મી થી ૨૮મી ફેબ્રુઆરી અને ૪થી ૮મી માર્ચ વચ્ચે ૨ ટેસ્ટ મેચ અને ત્યાર બાદ ૧૨મી, ૧૪મી, ૧૬મી, ૧૮મી, અને ૨૦મી માર્ચના રોજ પાંચ ટ્વેન્ટી ટ્વેન્ટી મેચ અમદાવાદના મોટેરા સ્ટડિયમમાં રમાવાની છે. અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી હયાત હોટલમાં ભારત અને ઇંગ્લેન્ડની ટીમ રોકાઈ છે. આ હોટલથી મોટેરા સ્ટેડિયમ સુધી પોલીસ દ્વારા ભારે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સ્ટેડિયમ સુધી રસ્તા પર ટ્રાફિકની સમસ્યા નિવારવા અને ખેલાડીઓની સુરક્ષાના હેતુથી આ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ બંદોબસ્તમાં ૨ ડીસીપી, ૮ એસીપી, ૨૪ પીઆઇ, ૪૧ પીએસઆઈ ની સાથે કુલ ૧૨૦૦ પોલીસ જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે.


 

 

 

 

 

આધારભૂત સૂત્રોના જણવ્યા અનુસાર પોલીસકર્મીઓને ઘણી તકલીફો પડતી હોવા છતાં તેમણે બંદોબસ્તમાં પોતાની ફરજ પૂરી નિષ્ઠાથી નિભાવી રહ્યા છે. અહીંયા પોલીસને આવવા જવા માટે કોઈ સમય નક્કી નથી જ્યારે બંને ટીમ આવીને પ્રેક્ટિસ કરીને હોટલ પરત પહોંચે ત્યારે જ તે પોતાની જગ્યા છોડી શકે છે. રોડ પર બંદોબસ્ત હોવાના કારણે પીવાના પાણીની અને બાથરૂમની પણ કોઈ વ્યવસ્થા અહીંયા નથી. બંદોબસ્તમાં કેટલાક મહિલા પોલીસકર્મીઓ પણ છે.

ઉલ્લેખનીય છે કે પુરુષ પોલીસ કરતા મહિલા પોલીસને ઘણી વધારે તકલીફ પડતી હોય છે. બેસવા માટે પણ કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી જેથી પોલીસને પોતાના સાધનો રોડની બાજુ પર રાખીને તેના પર બેસવું પડે છે. પીવાના પાણી માટે જો આજુ બાજુ રહેણાંક વિસ્તાર હોય તો સ્થાનિકો પોલીસને મદદ કરે છે પરંતુ રોડ પર પોલીસને જાતે વ્યવસ્થા કરવી પડે છે. જમવાની વ્યવસ્થા પણ પોલીસ જાતે કરે છે પરંતુ એમાં પણ જમવાનો સમયનું કંઈ નક્કી નહીં. બધા પોલીસકર્મી અલગ અલગ જગ્યાએથી આવે છે તેથી તેમને આવવા જવામાં પણ તકલીફ પડતી હોય છે. રાત્રે ૧૦-૧૧ વાગ્યે ફરજ પૂરી કરીને તેઓ પોતાના ઘરે પરત ફરે છે.

આટલી- આટલી તકલીફો હોવા છતાં દરેક પોલીસકર્મી હસતા- હસતા પોતાની ફરજ પૂરી નિષ્ઠાથી નિભાવે છે. તેઓ જણાવે છે કે વર્દી પેહરી છે તકલીફો તો આવતી રહશે પણ વર્દીની ફરજ અમે અચૂક નીભાવિશું. જોકે આ તેમની ફરજનિષ્ઠા છે પરંતુ બીજી બાજુ તંત્રના ઉચ્ચ હોદ્દેદારોએ આ ખાસ જોવું જોઈએ કે જ્યારે તેમના જ પરિવારના આવા કેટલાક કર્મચારીઓને જમવા, શૌચાલય વગેરે જેવી તકલીફો હોય તો તેના નિરાકરણની પણ વ્યવસ્થા થાય તેવી ચિંતા પણ તેમને હોવી જરૂરી છે.