જયંત દાફડા (મેરાન્યૂઝ.અમદાવાદ): ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો-ઘટાડો થઈ રહ્યો છે. સાથે જ રાજ્ય સરકાર દ્વારા લગાવવામાં આવેલા નિયંત્રણોમાં પણ છૂટછાટ આપવામાં આવી રહી છે. વેપાર-ધંધા ફરીથી શરૂ થતાં લોકોને રોજગારી આશા જાગી રહી છે. તે સાથે સરકારના જાહેરનામાં એ વેપારીઓની ચિંતામાં વધારો કર્યો છે. 

બે દિવસ અગાઉ મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીમાં કેટલાક મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. આ નિર્ણયો અનુસાર, રાજ્યમાં 8 મહાનગરમાં હાલ જે રાત્રિ કર્ફ્યૂ અમલમાં છે તેની સમયમર્યાદા આગામી 31 જુલાઈથી 1 કલાક ઘટાડવામાં આવી છે, એટલે કે આ 8 મહાનગરમાં રાત્રિ કર્ફ્યૂનો અમલ હાલ રાત્રિના 10થી સવારે 6 વાગ્યા સુધીનો છે એ 31 જુલાઈથી રાત્રિના 11થી સવારે 6 વાગ્યા સુધીનો રહેશે. સાથે જ  8 મહાનગરમાં હોટલ અને રેસ્ટોરન્ટ રાત્રે 10 વાગ્યા સુધી ચાલુ રાખવાની પરવાનગી આપવામાં આવી છે. 31 જુલાઈ સુધીમાં તમામ વેપારી, ધંધાર્થીએ રસી લઈ લેવાની રહેશે તેવું જાહેરનામું પાડવામાં આવ્યું હતું. તેથી હવે વેપારીઓને  ધંધો રોજગાર પડતાં મુકીને વેકસીનની શોધમાં નીકળવું પડે છે. 

ગુજરાત કોંગ્રેસના પ્રવકતા મનીષ દોશીએ સરકારની નીતિઓ પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે રસીકરણ કાર્યક્રમએ રાષ્ટ્રીય કાર્યક્રમ છે પણ ભાજપાએ સતત રસીકરણને રાજકીય કાર્યક્રમ કરીને દેશની જનતાને અને ગુજરાતની જનતાની આરોગ્ય સાથે ચેડાં કરી રહી છે. અપૂરતો વેક્સિનનો જથ્થો, આયોજનનો અભાવ, સંકલનનો અભાવ વ્યવસ્થાનો અભાવ જોવા મળી રહ્યો છે. વેક્સિનના ડોઝ સરકારી વ્યવસ્થા સાથે લોકો સુધી પોહચે તે પ્રકારે આયોજન કરવું જોઈએ તેના બદલે ખાનગી હોસ્પિટલોમાં 25% જથ્થો બારોબાર જતો રહે છે. આજે ગુજરાતમાં નાના વેરપારીઓને વેક્સિન માટે ઠેર ઠેર ભટકવું પડે છે . સરકાર રોજ નવા નાટકો કરીને ભયનો માહોલ ઊભો કરે છે. 

મંદી, મોંધવારી અને મહામારીમાં સપડાયેલ ગુજરાતના નાના વેપારીઓને વેક્સિન લેવી છે. પરંતુ વેક્સિન ઉપલભ નથી. વારંવાર વેક્સિનેશન સેન્ટર પર ધક્કા ખાવા પડે છે. વેક્સિન માટેના પંચાવનસો કેન્દ્ર માંથી પચાસ ટકા કેન્દ્ર લાંબા સમયથી બંધ છે. આવા સંજોગોમાં 31 જુલાઇ સુધીમાં તમામ વેપારીઓને વેક્સિન લેવાનું નહિતર તેમના ધંધા રોજગાર બંધ કરવાનું સરકારી જાહેરનામાંનો કોંગ્રેસ પક્ષ વિરોધ કરે છે. સરકાર વેક્સિન માટે આયોજન ન કરી શકતી હોય તો તાત્કાલિક પણે સમયમર્યાદા વધારવી જોઈએ.