મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદ: શહેરમાથી વધુ એક વખત ડ્રગ્સના જથ્થા સાથે એક આરોપી ઝડપાયો છે. આ આરોપી 1 કિલો એમડી ડ્રગ્સ લઈને અમદાવાદ આવી રહ્યો હતો પરંતુ સપ્લાયર સુધી પહોંચે તે પહેલા આ પેડલરને ગુજરાત ATSએ ઝડપી લીધો છે. આરોપી પાસેથી 5 કરોડનું ડ્રગ્સ કબ્જે કરવામા આવ્યુ છે. આરોપીનું નામ મોહમદ સુલતાન શેખ હોવાનું અને તે મૂળ મુંબઈના જોગેશ્વરી વિસ્તારનો રહેવાસી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

આ અંગે જાણવા મળતી વિગતો મુજબ, ગત મોડીરાતે મોહમદ સુલતાન શેખ મુંબઈથી 1 કિલો ડ્રગ્સ સાથે ખાનગી ટ્રાવેલ્સની બસમાં અમદાવાદ આવી રહ્યો હતો. આ અંગેની બાતમી મળતા ગુજરાત ATS એ શહેરના શાહીબાગમાંથી તેને ઝડપી લીધો હતો. ડ્રગ્સ પેડલર સુલતાને જણાવ્યા મુજબ તેણે શાહીબાગ પાસે લાલ ટીશર્ટ પહેરેલા સપ્લાયરને ડ્રગ્સ સોંપવાનું હતુ. પરંતુ આ પહેલા જ પોતે ઝડપાઈ ગયો હોવાનું જણાવ્યું હતું.

વધુમાં તેણે કહ્યું હતું કે, અજમેર શરીફ દરગાહના ખાદિમ વસીમના કહેવાથી તે ડ્રગ્સ લઈને અમદાવાદ આવતો હતો. તેમજ મૂળા સુહાગ કબ્રસ્તાન પાસે જ ડિલિવરી કરવાની હતી. હાલ તો 5 કરોડ ની કિંમતના મેથામ્ફેટામાઈન કબ્જે કરી એટીએસે વધુ તપાસ શરૂ કરી છે. અને ઝડપાયેલા આરોપીના રિમાન્ડ મેળવવા તજવીજ શરૂ કરવામા આવી છે.

ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ અમદાવાદ જેવા મેટ્રો શહેરોમાંથી કરોડોની કિંમતનું ડ્રગ્સ કબ્જે થઈ ચૂક્યું છે. પરંતુ આ ડ્રગ્સ રેકેટના મૂળ સુધી પહોંચવામાં પોલીસ સફળ થઈ નથી. ત્યારે એમડી ડ્રગ્સ સાથે ઝડપાયેલ વધુ એક પેડલરની તપાસ બાદ સમગ્ર રેકેટનો પર્દાફાશ થાય છે કે નહીં તે જોવું રહ્યું.