મિલન ઠક્કર (મેરાન્યૂઝ અમદાવાદ): અત્યારના સમયમાં લગભગ દરેકને રોજ કોઈને કોઈના ફોન આવે છે કે, ભાઈ/બેન ઓક્સિજન, ઈન્જેકશન કે બેડની વ્યવસ્થા ક્યાંકથી કરી આપો. કેટલાક લોકો ગમે તેટલા પૈસા ખર્ચવા તૈયાર છે, પણ સારવાર મળી રહી નથી તેવા પણ કેટલાક બનાવો છે અને મીડિયામાં પણ એવા સમાચાર આવી રહ્યા છે કે, સારવાર ન મળવાને કારણે અનેક લોકોના મોત થયા છે.

આ એક દર્દનાક હકીકત છે, પણ આ વિષયની ચિંતા જેને કરવાની છે એ તો મંત્રાલયમાં અથવા A.C. વાળી સરકારી ચેમ્બરમાં કહેવાતી ઉચ્ચસ્તરીય મિટિંગોનું આયોજન કરીને, અણઘડ નિયમો ઘડીને છૂટી જાય છે. મેરાન્યૂઝે નાગરિકોની આ ગંભીર સમસ્યાને પગલે છેલ્લા કેટલાક દિવસથી અમદાવાદની સરકારી કોવિડ હોસ્પિટલમાં જાત તપાસ શરૂ કરી છે. જેમાં અમદાવાદના અસારવા વિસ્તારમાં આવેલી, એશિયાની સૌથી મોટી હોસ્પિટલમાં  જે 1200 બેડની 'કોવિડ સ્પેશિયલ' હોસ્પિટલ બનાવવામાં આવી છે, તેની ગ્રાઉન્ડ પરની હકીકત અમે આપની સમક્ષ રજૂ કરી રહ્યા છીએ.


 

 

 

 

 

1200 બેડની કોવિડ હોસ્પિટલ બહાર એમ્બ્યૂલન્સની લાઈનો લાગે છે. 4-5 કલાકનું વેઇટિંગ છે. એવા સમાચાર કાયમ સાંભળવા મળે છે. એ સમાચાર ખોટા નથી, પણ આ ત્યાંની સંપૂર્ણ હકીકત પણ નથી. અહીં હોસ્પિટલમાં દર્દીઓ 108, ખાનગી કે સરકારી એમ્બ્યૂલન્સ, પ્રાઇવેટ કાર, રિક્ષા અને ટેમ્પોમાં પણ આવી રહ્યા છે. ત્યાં મેઈન ગેટ પાસે ગાડીનંબર અને દર્દીનું નામ લખાવી લાઈનમાં ઊભું રહેવાનું હોય છે. જો દર્દી ખાનગી કે સરકારી એમ્બ્યૂલન્સમાં હોય તો તેમાં પ્રાથમિક સારવાર સહીત ઓક્સિજન અને પેરામેડિકલ સ્ટાફ વગેરે સુવિધા ઉપલબ્ધ હોય છે. પણ દર્દી ખાનગી વાહન જેવા કે, કાર, રિક્ષા, ટેમ્પો વગેરેમાં હોય તો પણ ચિંતા કરવાની જરૂર રહેતી નથી. 

સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં લગભગ 200 મીટર દૂર ડાબી બાજુએ ઇમર્જન્સી સેવાકેન્દ્ર આવેલું છે. દર્દીના સગાંએ ત્યાં જઈને માત્ર એટલું કહેવાનું કે, દર્દીને આટલી તકલીફ છે, તમે જરા ચકાસી લો. ત્યાં ફરજ પર રહેલા રેસિડેન્ટ ડોક્ટર તરત દર્દીને તપાસી વાહનમાં જ સારવાર શરૂ કરી દે છે. સામાન્ય પેરાસીટામોલથી માંડીને જરૂરી ઈન્જેકશન, બાટલા ચઢાવવા તથા જરૂર લાગે તો દર્દીને ઓક્સિજન આપવાની વ્યવસ્થા પણ ગણતરીની મિનિટોમાં થઈ જાય છે. ત્યાં ઓક્સિજનના બાટલા પણ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. ત્યાં દાખલ થવા માટે ચાર-પાંચ કલાક લાઈનમાં ઊભું રહેવું પડે છે. એ વાત બિલકુલ સાચી, પણ સારવાર મેળવવા માટે પાંચ મિનિટ પણ નથી લાગતી. સાથે જ અહીં દર્દીની તબીયતની ગંભીરતા પર પણ ધ્યાન આપવામાં આવે છે, જો તબીબને લાગે છે કે સ્થિતિ વધુ ગંભીર છે તો લાઈનમાં તે દર્દીને રાહ જોવડાવતા નથી તેને તુરંત સૌથી આગળ બેડની મુખ્ય પ્રાયોરિટીમાં લઈ જવાય છે. અહીં રિક્ષામાં પણ લોકો આવે છે, ઓડી કારાં પણ આવે છે અને એમ્બ્યૂલન્સમાં કે ચાલતા પણ આવે તોય તેને એક સમાનતાની સાથે દર્દની પીડાના આધારે સારવાર મળે છે. અહીં તેની કેટલીક તસવીરો પણ રજુ કરાઈ છે.

અને હા, આ વ્યવસ્થા ઊભી કરવામાં સિવિલ હોસ્પિટલના જુનિયર ડોક્ટર્સ એસોશિયને આ માટે પહેલ કરી છે. એસોશિએશને રોડ ઉપર દર્દીઓની કતાર જોઈને સિવિલના સુપરિન્ટેડેન્ટને વિનંતી કરી કે, અમને સિવિલની બહાર લાઈનમાં ઊભા રહેલા દર્દીની સિવિલની બહાર રસ્તા પર જ સારવાર કરવાની મંજૂરી આપો. અમારે કોઈ જ એક્સ્ટ્રા ભથ્થું નથી જોઈતું. તમે માત્ર જરૂરી દવાઓ અને એક નર્સની વ્યવસ્થા કરી આપો.” મેનેજમેન્ટે તેમની પહેલને સ્વીકારી અને કોરોનાના દર્દીઓની સારવાર સિવિલની બહાર પણ કરવાની મંજૂરી આપી અને અત્યારે 20 જેટલા જુનિયર અને રેસિડેન્ટ ડોક્ટર્સ દર્દીઓની સારવાર સિવિલની બહાર પણ કરી રહ્યા છે. ઘણા રેસિડેન્ટ ડોક્ટર ડ્યુટી પર ન હોવા છતાં પણ સિવિલના પ્રાંગણમાં દર્દીઓની સારવાર કરી રહ્યા છે. કેટલાક ડોક્ટર તો નાઈટડ્રેસ પહેરીને પણ સારવાર કરતા નજરે પડે છે. દર્દી પોતાના ખાનગી વાહનમાં આવ્યા હોય અને ચાર કલાકે તેમનો નંબર આવે એ પહેલા જ સારવાર લઈ, સાજા થઈને ઘરે પરત ફર્યા હોવાના દાખલા પણ છે. આ સેવાનો તેમને સરકાર કોઈ અલગથી પગાર આપતી નથી, આ તેમની સ્વયંભૂ માનવતા છે, તેમની ફરજ નિષ્ઠા છે, જેની ઉર્જાથી તેઓ આ કામ કરી શકે છે. 


 

 

 

 

 

આ તમામ કામગીરીનો શ્રેય માત્રને માત્ર ગ્રાઉન્ડ પર કામ કરતાં 'ફ્રન્ટ લાઈન કોરોના વૉરિયર્સ' અને ખાસ જુનિયર ડોક્ટર્સ એસોશિએશનને ફાળે જાય છે. સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટર અને તેમના સપોર્ટમાં રહેલા નર્સિંગ અને હાઉસ કીપિંગ સ્ટાફનો ફાળો પણ સરાહનીય છે. જોકે લોકોમાં એવી ચર્ચા પણ છે કે, જેમ ગોળ જોઈને મંકોડા ઉભરાય એ રીતે ચૂંટણી ટાણે નેતાઓ આનો જશ ખાટવા ઉભરાઈ આવશે. 

અત્રે ઉલ્લેખનીય છે કે, 2020માં જુલાઈ માસમાં આ જ જુનિયર્સ ડોક્ટર એસોશિએશનની ટીમ વોલેન્ટિયરી સેવા આપવા સુરત સિવિલ હોસ્પિટલ પહોંચી હતી અને સુરતમાં વણસી રહેલી કોરોના સંક્રમણની સ્થિતિને કાબૂમાં લાવવામાં મહદઅંશે સફળ પણ થઈ હતી.