મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદ: અમદાવાદમાં ચાંદખેડા વિસ્તારમાં આવેલી એક જવેલર્સની દુકાનમાં મોડી રાતે ચોરીની ઘટના બની હતી. આ ઘટનામાં નવાઈની વાત એ છે કે દુકાનમાં બારી-બારણાં તોડ્યા વગર ચોર દુકાનમાં ઘુસ્યા અને ડિસ્પ્લેમાં મુકેલા 25 લાખના ઘરેણાં ચોરીને જતા રહ્યા. ચોરોએ બાજુની દુકાનમાં તાળું તોડીને અંદર ગયા અને ત્યાંથી દીવાલમાં બખોલું પાડીને જવેલર્સની દુકાનમાં ઘુસી ગયા.

ચાંદખેડા વિસ્તારમાં આવેલી રાજ જવેલર્સ નામની દુકાનમાં લોખંડની જાળી તોડવી અઘરી હતી. જેના કારણે ચોર બાજુમાં આવેલી પૂજાપની દુકાનનું તાળું તોડીને અંદર ઘુસી ગયા. ત્યાંથી દીવાલમાં બખોલ પાડીને બાજુમાં આવેલી જવેલર્સની દુકાનમાં જઈને 25 લાખના સોના ચાંદીના દાગીના ચોરી ગયા. ચોર એટલા હોશિયાર હતા કે દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરાનું ડીવીઆર પણ પોતાની સાથે લઈ ગયા. જેના કારણે હવે પોલીસને આ ચોર સુધી પહોંચવા માટે મોટી સંખ્યામાં આસપાસના અન્ય સીસીટીવી ફૂટેજ તપાસવા પડશે.

મળતી માહિતી મુજબ પોલીસ તપાસમાં હાલ પૂજાપાની દુકાન માંથી 20000 અને જવેલર્સની દુકાન માંથી 25 લાખની ચોરી થઈ છે તેવું સામે આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે દિવાળી બાદ અમદાવાદમાં ચોરી, લૂંટ, મારામારી અને હત્યા જેવી ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. પોલીસ અને તંત્ર માટે આ ચિંતાનો વિષય છે.