ઉર્વીશ પટેલ (મેરાન્યૂઝ.અમદાવાદ):અમદાવાદના જીએમડીસી ખાતે 900 બેડની હોસ્પિટલની જાહેરાત થઈ ત્યારે લોકોમાં ઘણી આશાઓ બંધાઈ હતી, લોકોને જે તે વખતે મહાનુભાવોના ચરણ અહીં પડે અને ધરતી પાવન થઈ જાય પછી શુભારંભ થવાનો છે તેવી ખબર પડી છત્તાં તેઓ ચુપ હતા. કારણ તેમને એ વખતે પણ આશા હતી કે કરી લેવા દો જાહેરાત, પ્રસિદ્ધીઓ બાદમાં તો અમને સારવાર- સુખ જોવા મળશે ને. જોકે તે પછી જે શરૂ થયું તેનાથી લોકોના દીલ તૂટી ગયા. જ્યારે લોકો ત્યાં જતાં ત્યારે જવાબ મળવા લાગ્યો કે 108 એમ્બ્યૂલન્સ વગર નહીં અંદર પ્રવેશ મળે. હાઈકોર્ટે જ્યારે તંત્રના બાહુબલીઓને સમજ આપી અને લોકોના જીવ માટે શું જરૂરી છે તેવું કહ્યું તો તંત્રના IAS કક્ષાના ભણેલા, કોઠા સૂજના માસ્ટર્સ એક નવું તિકડમ લઈ આવ્યા. મુન્નાભાઈ એમબીબીએસ ફિલ્મના દ્રશ્યની જેમ ફોર્મ ભરવાનું તિકડમ, ટોકન લેવાનું તિકડમ. સવારે એક કલાક માટે મળતા ટોકન માટે વહેલી સવારે 5 વાગ્યાથી લોકો ફરી લાઈનમાં ઊભા રહેવાના શરૂ થયા. પરંતુ આજે તો હદ ત્યારે થઈ જયારે લોકો હારી થાકી ને સંયમ ગુમાવી બેઠા હતા. અને પોલીસની બેરીકેડ તોડીને હોસ્પિટલ તરફ જવા લાગ્યા હતા. તે જોઈને જાણે કોઈ સૈલાબ તૂટી ગયો હોય અને લોકોની આંતરડી કકળી ઉઠી હોય તેમ તેમનો પૂણ્ય પ્રકોપ જોવા મળ્યો હતો. જેને લઈને દિવસભર સોસીયલ મીડિયામાં પણ આની ગંભીર નોંધ લેવામાં હતી.

અમદાવાદના જીએમડીસી ખાતે બનેલી ધનવંતરી હોસ્પિટલ બનાવવાનો હેતુ સારો હતો. પરંતુ તેને યોગ્ય રીતે પ્લાન કરવામાં સત્તધીશો ફરી એક વખત અગાઉની જેમ થાપ ખાઈ ગયા. અહીં હજુ (આ લખાય છે ત્યારે) સંપૂર્ણ રીતે 900 બેડ કોરોનાના દર્દીઓ માટે તૈયાર થયા નથી. હાઈકોર્ટની લપડાક વાગી તો લોકોની સુખાકારી તરફ પગલું ભરવાનું થાય તે પહેલા ટોકન સિસ્ટમ શરૂ કરાઈ છે જેના કારણે લોકોને ફરી પીડાવાનો વારો આવ્યો છે. હોસ્પિટલના ગેટ પાસે લોકો દર્દ સાથે, દુઃખ સાથે, લાચારી સાથે, બિમાર કે ગંભીર સ્થિતિમાં આવી રહ્યા છે પરંતુ અહીં પણ લોકોની આશાઓ ફરી નઠારી નિવડે છે.


 

 

 

 

 

અહીં લોકો હસ્તી તસવીરો જુએ છે અને પોતાની નારાજગીને વાચા આપવા લાગે છે. તુરંત પોતે ગરમીના માહોલમાં કેવી પીડા ભોગવી રહ્યો છે તેને વ્યક્ત કરવા લાગે છે. અહીં એક વ્યક્તિ તુરંત તસવીરો સામે બોલી ઉઠ્યો હતો કે અમે ખોબલે ખોબલે મત આપ્યા, હવે ખોબલે ખોબલે રડવાનો વારો આવ્યો છે. એક વ્યક્તિ કહે છે, હું કિલોમીટરો દુરથી આવ્યો છું, મારા સ્વજનને એક વાર તબીબ જોઈને યોગ્ય સલાહ તો આપી શકે કે નહીં. સલાહ આપી દે તો એમને આગળ ક્યાંય વ્યવસ્થા કરું. પોલીસે કહ્યું લોકોને કે અમે તમારું દર્દ સમજીએ છીએ પણ અમે અમારી ફરજ નિભાવીએ છીએ.

જોકે અહીં એક સમયે એવો માહોલ થયો કે, પોલીસ અને લોકો વચ્ચે રીતસર ઘર્ષણ થયું. એક ઓટો ચાલકે તો બેરિકેટ પર પોતાની રિક્ષા ચઢાવી દીધી. પોલીસ પણ આખો દિવસ આ માહોલ જોઈને કંપી ઉઠી હતી અને બીજી બાજુ લોકો પણ આખો દિવસના રઝડપાટથી અકળાયા હતા. બંનેની પીડા સમજી શકાય પરંતુ અહીં રાખવામાં આવેલી તસવીરોના હોર્ડિંગ સાથેનો દરવાજો કોઈ ઓળંગી શક્યું નહીં જ્યાં સુધી તેમની પાસે ટોકન ન્હોતી..... (કોઈ ફોર્મ ભરો યાર....)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ MeraNews.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.