દેવલ જાદવ (મેરાન્યૂઝ.અમદાવાદ) :  સાચા માર્ગે અને સારી રીતે મહેનત કરી હોય ત્યારે તેનું પરિણામને સૌકોઈ વધાવે છે. અમદાવાદમાં બહેરામપુરા વિસ્તારમાં રહેતી વિદ્યાર્થીની મુસ્કાન શેખને અત્યારે એ જ રીતે સૌ કોઈ વધાવી રહ્યાં છે. મુસ્કાન ગરીબ પરિવારમાંથી આવે છે, તેના પિતા રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે. પરંતુ મુસ્કાને આ બધી મુશ્કેલીઓ વચ્ચે પોતાનો ઉદ્દેશ્ય ઊંચો રાખ્યો હતો અને તે માટે રાત-દિવસ મહેનત પણ કરી હતી. મુસ્કાને અઘરી કહેવાય તેવી કંપની સેક્રેટરીની પરીક્ષા આપી હતી અને હાલમાં તેનું પરિણામ આવ્યું છે. સમગ્ર દેશમાં તેણે 24મો ક્રમાંક મેળવ્યો છે અને અમદાવાદમાં તેનો ક્રમ પાંચમો આવ્યો છે. બહેરામપુરા વિસ્તારમાં આવેલા સત્યજીવન નામની સોસાયટીમાં તેનો પરિવાર માત્ર એક રૂમના ઘરમાં રહે છે.

મુસ્કાને આ પરીક્ષા બી.કોમની બીજા વર્ષની સાથે જ આપી છે. સામાન્ય રીતે બી.કોમ થયા પછી પણ વિદ્યાર્થીઓ કંપની સેક્રેટરીની પરીક્ષામાં ઉતીર્ણ થવાનો પડકાર ઝીલી શકતા નથી, જ્યારે મુસ્કાન સારાં માર્ક સાથે પરીક્ષામાં ઉતીર્ણ થઈ છે. હવે તેનું લક્ષ્ય કોર્પોરેટ સેક્ટરમાં પ્રવેશ કરીને પરિવારની આર્થિક સ્થિતિ સ્થિર કરવાની છે. આશ્ચર્ય થાય પણ મુસ્કાને આ પરીક્ષાની તૈયારી બે જ મહિનામાં કરી છે.

મુસ્કાનની મોટી બહેનની મદદ તેને મળી છે. મુસ્કાનની મોટી બહેન કંપની સેક્રટરીની પરીક્ષા ફાઉન્ડેશનમાં પાસ થઈ ચૂકી છે. બંને બહેનો આવી અઘરી પરીક્ષા આપે ત્યારે સ્વાભાવિક છે કે તેમનો શિક્ષણનો ખર્ચ થોડો વધુ આવે. આ માટે ક્લાસિસ કરવાના આવ્યા ત્યારે પણ કેટલાંક સખાવતકર્તાઓએ તેમને મદદ કરી હતી. પરીક્ષામાં પાસ થઈ બંને બહેનોએ પરિવારનું અને મદદ કરનારાઓનું ઋણ ચૂકવ્યું છે.

રિક્ષા ચલાવીને ગુજરાન ચલાવતાં પિતાએ ક્યારેય દીકરીઓના શિક્ષણને ભારરૂપી નથી ગણ્યું અને આજે પણ તેઓ દીકરીઓને આગળ ભણાવવા માટે ઉત્સુક છે. મુસ્કાન અને તેના જેવા અનેક કિસ્સા જે આ રીતે વિપરીત સ્થિતિમાં આગળ આવીને સમાજ સામે દાખલા મૂકે છે, તે વારંવાર એવું સાબિત કરે છે કે કઠોર પરિશ્રમનો કોઈ પર્યાય નથી.