સુબ્હાન સૈયદ (મેરાન્યૂઝ.અમદાવાદ): અમદાવાદમાં 1980થી 1990ના દાયકામાં અબ્દુલ લતીફનું નામ ચારે તરફ ગુંજતું હતું. અસંખ્ય ગુનાઓમાં સંડોવાયેલા લતીફ પર એક વખત દાઉદ ઇબ્રાહિમ પણ ફાયરિંગ કરી ચૂક્યો હતો. હત્યા, ખંડણી, દારૂ અને હથિયારોની હેરાફેરી જેવા અનેક ગેરકાનૂની ધંધાઓમાં લતીફનું એકચક્રી શાસન રહ્યું હતું. જોકે આપણા ગુજરાતના કુનેહભર્યા પોલીસ અધિકારીઓએ આખરે તેનું પીક્ચર પુરુ કર્યું હતું.

અમદાવાદમાં રમખાણો થતાં તેમાં પણ લતીફની ભૂમિકા રહી હતી. દાઉદ સાથે પહેલાં દુશ્મની પછી તેની દોસ્તી થઈ હતી અને એટલે 1993ના મુંબઈ બ્લાસ્ટમાં પણ તેની ભૂમિકા બહાર આવી હતી. જોકે, લતીફના આ સામ્રાજ્યનો અંત 1997માં પોલીસ એન્કાઉન્ટરમાં આવ્યો. શાહરૂખ ખાનની 'રઇસ' ફિલ્મ લતીફના જીવન પર ફિલ્માવાયેલી છે એવું કહેવાય છે. લતીફના મૃત્યુ બાદ તેનો પરિવાર અમદાવાદમાં જ સ્થિત હતો, તેમાં સૌથી મોટો પુત્ર અબ્દુલ મુસ્તાક અબ્દુલ લતીફ હતો,  જેનું આજ રેજ હાર્ટએટેક આવવાથી અવસાન થયું છે. એક સમયે મુસ્તાક RSS સાથે જોડાયો હતો પરંતુ બાદમાં સમય ન આપી શકાતા RSS છોડ્યું હતું.