પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): ગાંધી આશ્રમને વર્લ્ડ કલાસ બનાવવાનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેકટ છે, જેને લઈ ગુજરાત સરકાર રાત દિવસ કામ કરી રહી છે, જો કે ખરેખર ગાંધી આશ્રમ વર્લ્ડ કલાસ કેવો હશે તે અંગે ઘણી અસ્પષ્ટતાઓ છે કારણે તે મુદ્દે સરકાર અને આશ્રમના ટ્રસ્ટીઓ મગનું નામ મરી પાડવા તૈયાર નથી, બીજી તરફ ગાંધી આશ્રમની પવિત્રતા અને સાદગીનો મુદ્દો ઉઠાવી દેશ અને ગુજરાતના અનેક લોકોએ પોતાની નારાજગી દર્શાવી આશ્રમને યથાવત સ્થિતિમાં જાળવી રાખવા માગણી કરી છે, પરંતુ એક ત્રીજો પક્ષ પણ જેઓ છેલ્લી એકસો વર્ષથી આશ્રમની બરાબર સામે આવેલી વસાહતમાં રહે છે, ગાંધીએ આશ્રમની શરૂઆતમાં દલિતોને સાથે રાખવા માટે આ વસાહત બનાવી દલિતોને વસાવ્યા હતા, જો કે ગાંધીના અંતેવાસી રહેલા પરિવારોના સંતાનો આ સમગ્ર મુદ્દે જુદો જ સુર વ્યકત કરી રહ્યા છે.

આશ્રમના નવીનીકરણનો મુદ્દો આવ્યો ત્યારે સરકાર સાથે સંમત્ત નથી તેવા લોકોએ આશ્રમના વસાહતીઓનો મુદ્દો આગળ ધરી સરકાર ઉપર પસ્તાળ પાડી હતી, પણ આજે સ્થિતિ કઈક જુદી છે, આશ્રમના વસાહતીઓ અને સરકાર સાથે થયેલી વાટાઘાટો પછી વસાહતીઓ પોતાના ઘર ખાલી કરવા તૈયાર થયા છે, સરકારે ઘરની સામે ઘર અને ઘરના બદલામાં 60 લાખનું વળતર આપવાની શરૂઆત કરી છે,. વસાહતીઓ સરકારની વાત સાથે સંમત્ત થતા હવે સ્થળાંતરણની કામગીરી શરૂ થઈ છે, જેને લઈ નવીનીકરણનો વિરોધ કરનાર વસાહતીઓની સમાધાકારી વલણથી નારાજ છે.

આ મુદ્દે વસાહતીઓનો મત જાણવા પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે વસાહતીઓના પ્રતિનિધિ શૈલેષ રાઠોડના ચહેરા અને શબ્દોમાં સખ્ત નારાજગી હતી, રાઠોડે જણાવ્યુ કે અમે સરકાર સાથે સમાધાન કેમ કર્યુ તેવો પ્રશ્ન પુછનારને મારે પ્રશ્ન પુછવો છે કે છેલ્લાં બે વર્ષથી અમે રાજમોહન ગાંધી અને તુષાર ગાંધી સહિત અનેક નેતાઓ અને ટ્રસ્ટીઓને મળી અમને મદદ કરો તેવી રજુઆત કરી હતી પરંતુ અમારો હાથ પકડવા અને અમને મદદ કરવા કોઈ આગળ આવ્યુ નહી, જયાં સુધી ટ્રસ્ટનો સવાલ છે ત્યાં સુધી મારે પુછવુ છે કે એક ટ્રસ્ટમાંથી આશ્રમના પાંચ ટ્રસ્ટ કેવી રીતે થઈ ગયા, ટ્રસ્ટને અલગ કરવામાં કોનો ફાયદો હતો.

રાઠોડનો આરોપ છે કે 1933માં ગાંધીજીએ તો તમામ મિલ્કતો દલિતોને સોંપી દેવાની વાત નોંધી હતી, ગાંધીજી તો દલિતોનો ઉધ્ધાર કરવા માગતા હતા, પણ આજે ટ્રસ્ટીઓની મિલ્કતો જુવો તો ખ્યાલ આવશે કે ઉધ્ધાર તો ટ્રસ્ટીઓનો થયો છે વસાહતીઓના બીજા પ્રતિનિધિ ધીમંત બઢીયા કહે છે,ગાંધીજી તો દલિતોને સાથે રાખવા માગતા હતા, પણ આટલા વર્ષોથી આશ્રમના એક પણ ટ્રસ્ટી દલિત કેમ નથી, એટલુ જ નહીં ગાંધીના મ્યુઝીયમમાં ગાંધીના અંતેવાસીની તસવીરમાં પણ દલિત સાથીઓના બાદબાકી કરવામાં આવી હતી, અમે  વર્ષોથી માગણી કરી રહ્યા હતા કે ગાંધીના અંતેવાસીની યાદીમાં દલિત સાથીઓનો સમાવેશ કરવો જોઈએ આખરે 2018માં અમારી વાત સ્વીકારી પાંચ દલિત સાથીઓનો સમાવેશ કર્યો આમ ટ્રસ્ટીઓના મનમાં પણ દલિત પ્રત્યે પ્રેમ અને લગાવ નથી.

ધીમંત બઢીયાને પુછવામાં આવેલા એક પ્રશ્નના ઉત્તરમાં બઢીયા કહે છે કે નવીનીકરણના મુદ્દે ઘણી ગેરસમજ છે,ખરેખર તો હ્રદયકુંજ જયાં આવેલુ છે, અને તેની આસપાસના જે મકાનો અને કુટીરો છે તેવી પાંચ એકર જમીનમાં સરકાર કઈ કરવાની જ નથી હ્રદયકુંજ સહિત તમામ સ્થાન યથાવત સ્થિતિમાં રહેશે આ ઉપરાંત વસાહતમાં પણ તે મકાન 1950 પહેલાના છે તેને પણ સરકાર જાળવી રાખવાની છે, તો પછી પ્રોજેકટ સામે વિરોધ કેમ છે તે તો વિરોધ કરનારે સ્પષ્ટ કરવુ પડશે

વસાહતી હેમંત ચૌહાણ કહે છે, જો ખરેખર ટ્રસ્ટીઓ ગાંધીઓના સિધ્ધાંતમાં માનતા હોત તો ટ્રસ્ટીશીપ પ્રમાણે અને દલિત ઉધ્ધાર માટે વસાહતીઓને તેમના ઘરના માલિક બનાવી દીધા હોત પણ તેવુ થયુ નહીં છેલ્લાં એકસો વર્ષથી વસાહતીઓ આશ્રમના ભાડુઆત જ છે, જયારે આજે સરકાર અમને ઘરના બદલે ઘર આપી રહી છે ત્યારે અમે હવે ઘરના માલિક બનીશુ હવે અમે સમાધન કેમ કર્યુ તેવુ પુછનારા ટ્રસ્ટને પુછે કે અમને આટલા વર્ષ ઘરના માલિક કેમ બનાવ્યા નહીં.