મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ આમ તો આપણે ત્યાં મિત્ર મિત્ર વચ્ચે પારિવારીક સંબંધો હોય છે જોકે ઘણા એવા પણ માનસ ધરાવતા લોકો પણ હોય છે જે મિત્ર કહ્યા પછી પીઠ પર ઘા કરી જતા હોય છે. જેમાં મિત્રની જ બહેન, માતા, મિલકત વગેરે પર તેમની નજર હોય છે જેને કારણે મિત્રતાનો સંબંધ ઘણીવાર બદનામ થાય છે. આવી જ રીતે મિત્રતાના સંબંધને બદનામ કરતી ઘટના સામે આવી છે. પોતાના પુત્રના મિત્ર પાસે એક મહિલા જરૂર સમયે રૂપિયા માગવા ગઈ અને તેણે ઉધાર રૂપિયા તો આપું પણ મને શું મળશે તેવું પુછ્યું તો મહિલાએ સામે વ્યાજ આપવાની તૈયારી બતાવી હતી. જોકે યુવકે મિત્રની માતા સામે શરીર સંબંધ બાંધવાની ઈચ્છા વ્યક્ત કરતાં મહિલાએ આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

અમદાવાદના વેજલપુર વિસ્તારમાં 39 વર્ષિય મહિલાના પતિ બીમાર છે જેને પગલે તેમની સારવારમાં ખર્ચ ઊંચો થવા જઈ રહ્યો હતો. મહિલાને આ કારણે રૂપિયાની જરૂર હતી. તેણે પોતાના દિકરાના મિત્ર કૌશલ સોલંકી (ઉં.વ.21, આંબાવાડી) પાસે રૂપિયાની મદદ મળી જશે તેવી આશાએ તેને રૂપિયા આપશો તેવું પુછ્યું હતું. ગત 17મી સપ્ટેમ્બરે રાત્રીના સમયે તેમણે કૌશલને રૂપિયાની જરૂરિયાત અંગે ફોન કર્યો હતો. 18મીએ કૌશલ તેના મિત્રની માતાને મળવા તેના ઘરે આવ્યો. તેની માતા બેડરૂમમાં હતી. ત્યાં કૌશલ આવી ચઢ્યો અને તે બેડરૂમમાં જ મિત્રની માતા પાસે બેસી ગયો અને રૂપિયા 300 આપ્યા અને કહ્યું આ રાખો, ચિંતા કરતાં નહીં. તમારે કેટલા રૂપિયાની જરૂર છે?

કૌશલે સવાલ કરતાં મિત્રની માતાએ જવાબ આપ્યો કે હાલ 15 હજાર રૂપિયાની જરૂર છે. કૌશલે મહિલાના શરૂર પર હાથ ફેરવી કહ્યું તમે ગભરાતા નહીં, હું તમારી સાથે છું. બાદમાં 19મી તારીખે કૌશલનો ફોન આવ્યો કે હું તમને પૈસા આપીશ તેના બદલામાં મને તમે શું આપશો? મિત્રની માતાએ કહ્યું કે, હું તમને તેના પર વ્યાજ આપીશ. કૌશલે કહ્યું, તમારે શારીરિક સંબંધ બાંધવો છે? મારે વ્યાજ નથી જોઈતું. આ સાંભળી મહિલા ચોંકી ઉઠી તેણે તુરંત કૌશલને ના પાડી દીધી. મિત્રની માતાએ શારીરિક સંબંધ બાંધવાની ના પાડી દેતા કૌશલે કહ્યું તમે આ વાત કોઈને કરતાં નહીં, જો કરી તો તમારો દિકરો રાત્રે બહાર ફરે જ છે હું તેને જોઈ લઈશ. જોકે મહિલાએ આ અંગે વેજલપુર પોલીસને જણાવતા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસની તજવીજ શરૂ કરી છે.