તુષાર બસિયા (મેરાન્યૂઝ.અમદાવાદ): રાજ્ય સરકારે લોકોને મનોરંજન પુરી પડવાની જવાબદારી ખૂબ ખંતપૂર્વક ઉઠાવી હોય તેમ રિવર ફ્રન્ટ પર મોંઘેરા ફ્લાવર શોનું આયોજન કર્યું છે. ટૂંક સમયમાં આવતા મકરસંક્રાંતિના પર્વના મનોરંજન માટે કાઇટ ફેસ્ટિવલની પણ તડામાર તૈયારીઓ ચાલુ છે. એવામાં ચાલું ફ્લાવર શોમાં જે ટિકિટના દર છે એ જોતાં તો ક્યાંય લાગતું નથી કે આ દરેક જનતા માટે પોસાય તેમ છે.

ફ્લાવર શોમાં જવા આંટાફેરા કરતા બે બાળકો જોવા મળ્યા જે ટિકિટ બારી શોધતા હતા. આ બાળકોને ફ્લાવર શો જોવો હતો. જે બાળકોને ટિકિટ ચેક કરતા ચોકીદારે રોક્યા અને કહ્યું ટિકિટ લેવી પડશે. આ બાળકોને ખબર ન્હોતી કે ટિકિટ ક્યાં મળશે અને મને (મેરાન્યૂઝના રિપોર્ટરને) પુછ્યું કે કાકા ટિકિટ ક્યાં મળે? મેં તરત કહ્યું સામે બારી છે જાઓ લાઈનમાં ઊભો રહી જાઓ.

બાળકોને જોઈ મને તરત જ પ્રશ્ન ઉદ્દભવ્યો કે આ બાળકોને ટિકિટ પોસાય કેમ ? કપડાં જોતા ખૂબ ગરીબ લાગે છે. માટે મેં સવાલ કર્યો તારી જોડે પૈસા છે ?

બાળક : હા છે ને. (બાળકો પાસે ૪૦ રૂપિયા હતા જે મને બતાવ્યાં)

હું : તને ખબર છે ટિકિટ કેટલા રૂપિયાની છે ?

બાળક : હા  ૫૦ રૂપિયા.

હું : તમે બન્ને ભાઈ ફ્લાવર શો જોવા માંગો છો?

બાળક : હા બન્ને ને જોવું છે.

હું : સારું ચાલ હું ટિકિટ લઇ આપું. (જીવ ના ચાલ્યો કહેતા કે ૪૦ રૂપિયામાં એક પણ ટિકિટ નહીં આવે.)

આ બંને ભાઈઓને ખુશીનો પાર નો રહ્યો. આ બાળકો  ફ્લાવર શો જોઈ બહાર આવ્યા ત્યારે પણ મને બહાર મળવા આવ્યા અને કહ્યું કે ખૂબ મજા આવી સાહેબ. પછી કહ્યું અમારે એક બહેન છે એને પણ જોવાનું છે તમે કાલે હશો ? ખૂબ દુઃખ થયું પણ મેં એમને સમજાવ્યું કે જુઓ આજે તો રવિવાર છે માટે ટિકિટના ભાવ ઊંચા હતા પણ જો તમે કાલે આવશો તો તમને મફત પ્રવેશ મળશે માટે મારી જરૂર નથી.

આ વાત બતાવે છે કે સંવેદનશીલ સરકાર ખરેખર જરા પણ સંવેદનશીલ નથી (જો હોય તો આવા તાયફમાં તો કમશેકમ બાળકોની ટિકિટ ના જ હોય). તાજેતરમાં જ આ સંવેદનશીલ સરકારે બાળકોને ફ્રુટ ખવડાવવા ૧ રૂપિયો આપ્યો હતો. સરકારમાં બેઠેલાં નેતાઓ કે નાશ થયેલા વિરોધ પક્ષના નેતાઓ ક્યાંકને ક્યાંક માનવતા અને સામાન્ય જ્ઞાન પણ ભૂલી ચુક્યા હોય તેવું જણાઈ છે.

વાત સરકાર પૂરતી સીમિત નથી સમાજની પણ ભૂમિકા પણ અસંવેદનશીલ હોય તેવું જણાયું કે જ્યારે

ટિકિટ લેવા લાઈનમાં ઊભેલા વ્યક્તિઓને જ્યારે મેં કહ્યું કે તમને ૧૦૦ રૂપિયા આપું છું તમે એક મદદ કરો તમે આ બાળકોને ટિકિટ અપાવી દેજો પણ લગભગ બધા કહેતા હતા કે, ના અમે પળોજણમાં નહીં પડવા માંગતા. આખરે એક ભડવીર સામેથી બોલ્યો લાવો ભાઈ હું લેવડાવી આપીશ. સરકાર તો ઠીક પણ લોકોની માનસિકતા ગરીબો માટે ખૂબ નીચે જતી રહી હોય તેવું જણાય છે. જાણે ગરીબો કોઈ એલીયન હોય તેવો વ્યવહાર હતો.