દેવલ જાદવ (મેરાન્યૂઝ.અમદાવાદ) : 2021 વર્ષની શરૂઆતમાં જ સારા સમાચારથી આરંભાયું છે. અમેરિકા અને બ્રિટન કોરોના વેક્સિનને મંજૂરી મળ્યા બાદ ભારતમાં તેની ઇંતેજારી હતી. તે ઇંતેજારીનો આખરે અંત આવ્યો છે. બ્રિટનની ઓક્સફોર્ડ યુનિવર્સિટી અને બ્રિટન-સ્વીડન ફાર્મા કંપની એસ્ટ્રોઝેનકા દ્વારા વિકસાવાયેલી કોવિશિલ્ડ વેક્સિનને કેન્દ્રિય મેડિકલ પેનલે ઇમર્જન્સી ઉપયોગ માટે યોગ્ય ગણાવી છે. વેક્સિનને મંજૂરી મળે તે અગાઉ જ અમદાવાદ શહેર અને રાજ્યમાં અન્ય જગ્યાએ સ્વૈચ્છિક રીતે તેની નોંધણી શરૂ થઈ ચૂકી હતી. અમદાવાદ કોર્પોરેશન દ્વારા હવે વેક્સિન ક્યાં અને કેવી રીતે અપાશે તે અંગેનું આયોજન હાથ ધર્યું છે અને વેક્સિન સેન્ટરનું પહેલું-વહેલું મોડલ અમદાવાદમાં પૂર્વમાં આવેલાં વિરાટનગરની એક સરકારી શાળામાં બન્યું છે.

અમદાવાદમાં આગામી સમયમાં ત્રણસો જેટલી સ્કૂલ્સને વેક્સિન સેન્ટર તરીકે નિર્માણ કરવામાં આવશે. વિરાટનગરમાં આવેલાં આ પ્રથમ વેક્સિન સેન્ટરમાં કેન્દ્ર સરકારની ગાઇડલાઇન મુજબ વ્યવસ્થા કરવામાં આવી છે. અહીંયા સૌપ્રથમ સો વ્યક્તિઓને રસી મૂકવામાં આવશે અને જો આ વ્યવસ્થા-ટ્રાયલ યોગ્ય જણાશે તો પછીથી રોજના સો વ્યક્તિને આ સેન્ટરમાં રસી મૂકાશે. હાલમાં આ વિસ્તારના જેટલાં લોકોએ સરવેમાં નોંધણી કરાવી હશે અથવા તો ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવ્યું હશે તેમને મેસેજ દ્વારા રસી લેવા અંગે જાણ કરવામાં આવશે.

જે-તે વ્યક્તિને મોબાઇલ પર મેસેજ આવશે તેણે ઠરાવેલા દિવસ અને સમયે સેન્ટર પર જવાનું થશે. વિરાટનગરના આ કેન્દ્રને વેક્સિન માટે ત્રણ ખંડ ફાળવવામાં આવ્યા છે. પ્રથમ ખંડમાં જેઓ આવશે તેમનાં ટેમ્પરેચરની તપાસ થશે અને પછી તેઓને વેક્સિન રૂમમાં મોકલવામાં આવશે. અહીંયા તેઓ સજ્જ મેડિકલ સ્ટાફ પાસેથી વેક્સિન લેશે. વેક્સિન લીધા બાદ વ્યક્તિએ ત્યાંના ઓબ્ઝર્વેશન રૂમમાં 30 મિનિટ સુધી બેસવાનું રહશે. જો વેક્સિનની કોઈ આડઅસર જોવા મળે તો તે વ્યક્તિને તત્કાલ મેડિકલ સુવિધા આપવામાં આવશે. આ ઉપરાંત, 108ને પણ સેવા માટે રાખવામાં આવશે. જોકે કેન્દ્રિય મેડિકલ પેનલે આ બધું જ સાવચેતીના પગલાં માટે વ્યવસ્થા ગોઠવી છે, બાકી વેક્સિનની આડઅસર નહિવત્ રહેવાની છે તે પુરવાર થઈ ચૂક્યું છે.

અમદાવાદમાં અત્યાર સુધી સાત લાખ લોકોએ વેક્સિન માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. આ રજિસ્ટ્રેશનમાં કોરોના વોરિયર્સ સિવાય મહદંશે 50 થી વધુ ઉંમર ધરાવતા લોકો છે. અમદાવાદમાં અપનારી વેક્સિનનો જથ્થો સિવિલ હોસ્પિટલમાં રાખવામાં આવશે અને જરૂરિયાત મુજબ આ જથ્થાને અન્ય સેન્ટર સુધી આઇસ બોક્સમાં પહોંચાડવામાં આવશે.