મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારમાં શાળા પાસે સોડાની લારી ચલાવતા એક આધેડ વયના વ્યક્તિ પર ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘટનામાં તેઓ ઈજાગ્રસ્ત થયા છે. તેમને તુરંત સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. તેમના વતનમાં રહેતો એક યુવક આ વ્યક્તિની પુત્રી સાથે લગ્ન કરવા માગે છે પરંતુ પરિવાર તેની સાથે લગ્ન કરાવવા રાજી ન હોવાથી તેણે પોતાનો કાંટો કાઢી નાખવા ફાયરિંગ કર્યું હોવાની વિગતો બહાર આવી છે. સોલા પોલીસ દ્વારા ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદના ન્યૂ રાણીપ વિસ્તારના ગણપતિનગરમાં રહેતા બદનસિંહ મૂળ ઉત્તરપ્રદેશના રહેવાસી છે. તેઓ ચાંદલોડિયા ખાતે શાળા પાસે સોડાની લારી ચલાવી પોતાનું ગુજરાન ચલાવતા હતા. તેમની મી પુત્રી સાથે તેમના વતનમાં રહેતો શિશુપાલ ભરતસિંહ પાલ લગ્ન કરવા માગે છે જોકે બદનસિંહને તે લગ્ન મંજુર નથી.

પોતાના લગ્નના આડે આવનારનો કાંટો કાઢી નાખવા શિશુપાલે તેની અદાવત રાખતાં ગત રાત્રે તેઓ 11.30 કલાકે ચાંદલોડિયાની દુર્ગા સ્કૂલ પાસેથી પસાર થતાં હતા તે સમયે શિશુપાલ અન્ય બે શખ્સો સાથે ત્યાં આવી ચઢ્યો હતો. શિશુપાલે બદનસિંહની પાસે જઈ પોતાની પાસેના દેશી તમંચામાંથી ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગ કર્યા બાદ તેઓ તમામ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. આ ઘટનામાં ઈજાગ્રસ્ત બદનસિંહને સારવાર માટે અસારવા ખાતેની સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. પોલીસે ત્રણેય સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.