મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદ/સુરત/કચ્છઃ હાલમાં વરસાદી માહોલ ચાલી રહ્યો છે. શોર્ટ સર્કિટ, વાહન સ્લપ થવા, ભૂવા પડવા, જેવી ઘણી ઘટનાઓ બનશે તે નક્કી જ માની લો, રોજ બરોજની તમારી જીંદગીમાં કેટલીક આવી ઘટનાઓનો ભોગ આપ ન બનો તેવી તમામ તકેદારીઓ રાખજો, આવી કોઈ ઘટનાના આપ શિકાર ન બનો તેવી હંમેશા પ્રાથના છે. આજે અમદાવાદ, સુરત અને કચ્છમાં આગની ત્રણ ઘટનાઓ બની છે.

અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં સીટીએમ એક્સપ્રેસ-વે ખાતે ઈન્ડિયન બેન્કના એટીએમમાં આગ લાગી ગઈ હતી. આગ એટલી ભયાનક હતી કે તેની જ્વાળાઓ એટીએમની બહાર આવી ગઈ હતી અને જાણે કે મોટો ભડકો હોય તેમ દુર દુર સુધી તેના ધૂમાડાના ગોટેગોટા જોઈ શકાયા હતા. જોકે એટીએમમાં આગ લાગી ત્યારે કોઈ સિક્યૂરિટી ગાર્ડ કે ગ્રાહકને ઈજાઓ થઈ હોય તેવી કોઈ માહિતી મળી નથી. ઘટનાને પગલે ફાયર બ્રિગેડએ આગ પર કાબૂ મેળવ્યો છે અને હાલ ત્યાં એટીએમને ભારે નુકસાન થયું છે. જોકે એટીએમમાં કેટલા રૂપિયા હતા તેની જાણકારી હાલ મળી રહી નથી, પણ નુકસાન ઘણું મોટું હોવાનો અંદાજ છે. અહીં તે આગનો વીડિયો પણ દર્શાવ્યો છે જેથી આપને આગ કેટલી વિકરાળ હતી તે આપ અંદાજી શકો.

સુરતમાં તો આગની વાત થાય ત્યાં જ લોકોના જીવ ચોંટી જાય છે કારણ કે સુરતે અગાઉ ક્લાસીસમાં લાગેલી આગને કારણે બાળકોને મરતા અને જીવના જોખમે બિલ્ડીંગમાંથી કુદી પડતા જોયા છે. સુરતમાં બીઆરટીએસના બસ સ્ટેનશનમાં આ વખતે આગ લાગી છે. આગ એટલી વિકરાળ હતી કે આખું બસ સ્ટેન્ડ જ ખાખ થઈ ગયું છે. સુરતના પાંડેસરા ખાતે આવેલા બીઆસટીએસના સ્ટેન્ડમાં આગ લાગી હતી. જોકે આ ઘટનામાં કોઈ જાનહાની ન થતાં લોકોએ હાંશકારો અનુભવ્યો હતો. ફાયર બ્રિગેડએ આ આગને કાબુમાં કરી લીધી છે.

કચ્છમાં પણ એક એવી ઘટના ઘટી છે જેમાં કચ્છના નખત્રાણા ખાતેની એક પવનચક્કીમાં આગ લાગી ગયાના અહેવાલ મળ્યા છે. લક્ષ્મીપર (નેત્રા) ગામ ખાતે આ ઘટના ઘટી છે. પવનચક્કીમાં આગ લાગવાનું કારણ વીજળી પડી હોવાનું મનાય છે જોકે તે અંગે કોઈ સત્તાવાર માહિતી નથી. આ આગ વહેલી સવારે 4થી 5 વાગ્યાના અરસામાં લાગી હતી.