મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ અમદાવાદના સોલા વિસ્તારમાં બપોરના સમયે એક એવી ઘટના બની છે કે જેના કારણે આપણે સહુએ ચેતવું પડે. એક મહિલા ગાયને બપોરે રોટલી ખવડાવવા ગઈ જે તેને ભારે પડી ગઈ. આ અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ મુજબ મહિલા જ્યારે સોલા વિસ્તારમાં પોતાના રહેઠાણથી નજીક ગાયને રોટલી ખવડાવવા બહાર ગઈ હતી.

દરમિયાન કેટલાક બાઈક પર આવેલા ચેઈન સ્નેચર્સ મહિલાના ગળામાંથી ચેઈન ખેંચી ગયા હતા. મહિલાને ગાયને રોટલી ખવડાવવા જવું ભારે પડ્યું હતું અને સોનાની ચેઈન ગુમાવવી પડી હતી. આ ચેઈનની કિંમત 70 હજાર અંદાજીત હતી. ઉલ્લેખનીય છે કે આવી રીતે કોઈ અજણ્યા શખ્સોની કરતૂતોને કારણે હવે મહિલા યા પુરુષ કે જેમણે સોનું પહેર્યું હોય તેમણે ખાસ આસપાસ પણ નજર રાખવી અને ચેતતું રહેવાની નોબત આવી ગઈ છે. હાલમાં જ લોકડાઉન અને કોરોના મહામારીને પગલે ભારતીય ઈકોનોમીને પડેલો આર્થિક ફટકાને પગલે આગામી સમયમાં ક્રાઈમ રેટ વધે તો નવાઈ નહીં.

પુરી વિગત કાંઈક એવી મળી રહી છે કે, અમદાવાદના સોલા વિસ્તારમાં આવેલા સ્કાયલાર્ક એપાર્ટમેન્ટમાં એક 40 વર્ષિય મહિલા રહે છે, તેમનું નામ વ્યાપ્તિબહેન પટેલ છે. મહિલા રોજની જેમ મંગળવારે પણ બપોરના સમયે પોતાના ફ્લેટની નીચે ગાયને રોટલી નાખવા માટે આવી હતી. વ્યાપ્તિ બહેન જેવું ગાયને રોટલી ખવડાવા જઈ રહ્યા હતા તે જ સમયે ભાગવત વિદ્યાપીઠ પાસે રહેલા બે ચેઈન સ્નેચર્સ બાઈક પર તેમની પાસે આવ્યા અને અચાનક એક જ ઝાટકે ચેઈન ખેંચી લીધી.

તે બે ઘડી તો વ્યાપ્તિબહેનને કોઈ અંદજ જ ન આવ્યો કે શું થવા જઈ રહ્યું છે. અંદાજે 70 હજારની કિંમતની પેન્ડન્ટ સાથેની સોનાની ચેઈન દસ સેકન્ટમાં તો ખેંચાઈ ગઈ અને ચેઈન સ્નેચર્સ તો થોડી જ વારમાં જાણે હવામાં ઓગળી ગયા હતા. તેમણે ઘણી બુમો પાડી પણ જ્યાં સુધી લોકોને વાત કરે ત્યાં સુધી તો તેઓ જાણે અદ્રશ્ય થઈ ગયા હોય તેમ છૂમંતર થઈ ગયા.

ઘટના મામલે વ્યાપ્તિબહેન તેમના પરિવારજનો સાથે પોલીસ મથકે પહોંચ્યા અને ત્યાં તેમણે આ શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. સોલા પોલીસે આ ઘટનામાં ફરિયાદ નોંધીને વધુ તપાસની તજવીજ હાથ ધરી છે.