મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ દીકરીઓ સાથે અછાજતું વર્તન ફક્ત ઘરની બહાર જ નહીં પણ ઘરમાં પણ થવા લાગે તો તેનાથી વધુ શરમજનક શું હોઈ શકે. ડગલે પગલે આવી ઘણી બાબતોમાં સહન કરતી, પીડાતી, લડતી દીકરીઓ માટે ઘરની હુંફ પણ દઝાડનારી બની જાય તો તેનાથી વધુ આઘાતજનક શું હોઈ શકે. અમદાવાદમાં શિક્ષિત પરિવારમાં જ આવી ઘટના ઘટી છે. અમદાવાદમાં બેન્કમાં મેનેજર તરીકે નોકરી કરતાં શિક્ષિત પિતાએ પોતાની જ પુત્રીને લજવી મુકી છે. તે દીકરીને બાથરુમમાં પોતે નગ્ન થઈ પોતાને નવડાવવા કહેતો. શરીર સાફ કરાવવાના બહાને પિતાની આવી હરકત દીકરી માટે કેટલી આઘાતજનક હશે તેનો અંદાજ લગાવી શકાય છે. અમદાવાદના સોલા પોલીસ મથકે આખરે આ દીકરીએ પોતાના પિતા સામે ફરિયાદ નોંધાવી છે.

દીકરીએ ફરિયાદમાં કહ્યું છે કે, હું જો પિતાની શરીર સાફ કરવાની માંગણી પુરી ન કરું તો તેની સજા મમ્મીને મળતી હતી. આ શખ્સ પત્નીને માર મારતો જો દીકરી તેની ઈચ્છા પુરી કરતી નહીં. અમદાવાદના ગોતા વિસ્તારમાં આવેલા એક ફ્લેટમાં રહેતી દીકરીની આ મનોવ્યથા જાણી પોલીસ પણ ચોંકી ગઈ હતી. 13 વર્ષની ઉંમરની દીકરી, જેને સારું ભણતર આપવા, સારી સમજ આપવાના સમયે પિતા આવા કૃત્યો કરતો હતો. દીકરીએ કહ્યું કે તેને આવું ઘણા સમયથી સહન કરવું પડ્યું હતું. તે તેની માતાને મારતો હતો. એટલું જ નહીં પોતે થુંકતો અને પછી ચટાવતો હતો. 

પિતા સવારે ન્હાવા જતો ત્યારે દીકરીને બાથરુમમાં બોલાવતો અને નગ્ન થઈ તેને પીઠના ભાગે, છાતી પર સાબુ ઘસી આપવા કહેતો. આ બધું સતત ઘણા સમયથી દીકરી સહન કરી રહી હતી, જોકે માતાને પડતા મારની બીક કહો કે પોતાના પરિવારની ચિંતા કહો તે ઘણા સમયથી આ બધું સહન કરતી હતી. જોકે આખરે તેણે હિંમત કરી અને પોલીસ ફરિયાદ કરવાનું નક્કી કર્યું. પોલીસે આ સંદર્ભમાં પોક્સો એક્ટ, ઘરેલુ હિંસા સહિતના ગુનાઓ દાખલ કરી પિતાની ધરપકડ કરી લીધી છે.