પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): હજી તે યુવાન છે, 3 એપ્રિલ 1988માં તેમનો જન્મ છે, રાજસ્થાનના બિકાનેર જિલ્લાના અત્યંત પછાત ગામ રાસીસરમાં ઉછર્યા, ઘરમાં માતા પિતા અને તેમના ચાર સંતાનોમાં પ્રેમસુખ સૌથી નાનુ સંતાન ઘરની આર્થિક સ્થિતિ દારૂણ, માતા પિતા બંન્ને અશિક્ષીત પણ પિતાને શિક્ષણનું મુલ્ય ખબર હતી. ઘરનું ગુજરાન ચલાવવા અને સંતાનોને સારૂ શિક્ષણ મળે તે માટે પિતા ઉંટ લારી ચલાવતા હતા. પ્રેમસુખ પિતાને મદદ કરવા માટે ઘરના બકરા ચરાવવાનું પણ કરે પ્રેમસુખને ખબર હતી કે જીવનમાં પોતાની પાસે મહેનત સિવાય કોઈ વિકલ્પ નથી.

મોટા ભાઈઓના શિક્ષણ થતાં ગયા તેમ તેમ તેઓ કામ ધંધે લાગી ગયા પ્રેમસુખના મોટાભાઈ રાજસ્થાન પોલીસમાં કોન્સટેબલ તરીકે જોડાયા, પ્રેમસુખનું લક્ષ પણ સરકારી નોકરી તરફ જ હતું. કોલેજનું શિક્ષણ પુરૂ કરી રાજસ્થાન સરકારની વિવિધ સ્પર્ધાત્મક પરિક્ષા આપવાની શરૂઆત કરી અને પહેલી નોકરી પટવારીની મળી પણ આતો પહેલુ પગથીયું હતું. નોકરી સાથે પરિક્ષાની સફર ચાલતી રહી જેના કારણે લગભગ દર વર્ષે વધુ એક સારી સરકારી નોકરી મળતી રહી રાજ્સ્થાનમાં તેમને આસીસ્ટન્ટ જેલર તરીકે પણ નોકરી કરી પણ હજી લક્ષ ખુબ ઊંચુ હતું.

2015માં જ્યારે યુપીએસસીનું પરિણામ આવ્યું ત્યારે રાજસ્થાનના લોકો અચંબીત થઈ ગયા એક નાનકડા ગામમાં જ્ન્મેલો અને હિન્દી  મિડીયમમાં અભ્યાસ કરનાર પ્રેમસુખ ડેલુ ભારતમાં 170ના ક્રમે આવ્યા હતા. પ્રેમસુખ ડેલુને થવુ હતું તો આઈએએસ પણ તેમના ક્રમ પ્રમાણે તેમને આઈપીએસ થવાનો કુદરતે મોકો આપ્યો ભારતીય પોલીસ સેવાનો હિસ્સો બનેલા પ્રેમસુખ ડેલુને ગુજરાત કેડર ફાળવવામાં આવી અને તાલીમ પુરી કરી તેઓ ગુજરાત આવ્યા જ્યારે પ્રોબેશનનો ગાળો હોય છે ત્યારે સરકારી અધિકારી કોની પાસે પ્રારંભીક તાલીમ લે છે તે ખુબ મહત્વનું હોય છે કારણ આ તાલીમની જીવન અને નોકરી ઉપર અસર વર્ષો સુધી રહે છે.

પ્રેમસુખનો પ્રારંભીક તાલીમ ગાળો અમરેલીમાં પસાર થયો, અમરેલીના એસપી નિર્લિપ્ત રાય પાસેથી તેમણે પોલીસ અધિકારી તરીકે અને વધુ સારા માણસ થવાની તાલીમ લીધી છે. જેથી આપણે નિસંકોચ થઈ કહી શકીએ કે ગુજરાત પોલીસને વધુ એક નિર્લિપ્ત રાય મળે તો નવાઈ નહીં, પ્રેમસુખ ડેલુને એસપી તરીકે બઢતી મળતા હવે તેઓ અમદાવાદમાં ડેપ્યૂટી પોલીસ કમિશનર તરીકે ઝોન-7માં મુકયા છે. જોકે હજી તેમને થોડા જ દિવસ થયા છે પણ તેમના તાબામાં કામ કરતા પોલીસ અધિકારીઓનો જીવ તાળવે ચોટી ગયો છે. હવે તેમના તાબાના અધિકારીઓે ખરૂ પોલીસીંગ કેવી રીતે થાય તેની સમજ આવશે.

પ્રેમસુખ ડેલુને સમય પણ ઘણુ શીખડાવશે, પણ ગરીબીમાંથી આવેલો માણસ ગરીબની વેદના સારી રીત સમજી શકે છે નવી સફર શરૂ કરનાર પ્રેમસુખ ડેલુ પાસે એટલી જ અપેક્ષા આજે જેવા છો તેવા કાયમ રહેજો...