દેવલ જાદવ (મેરાન્યૂઝ.અમદાવાદ): લોકડાઉન અને રોગચાળાની સૌથી વધારે અસર શિક્ષણ ક્ષેત્રમાં જોવા મળી હતી. લોકડાઉનના કારણે શિક્ષણ ક્ષેત્ર ઉપર નભતા પરિવારોની આર્થિક સ્થિતી અત્યંત કફોળી બની હતી. હવે જ્યારે શાળાઓ ખુલી રહી છે ત્યારે અમદાવાદના મકરબા વિસ્તારમાં આવેલી ડીએવી (દયાનંદ એંગ્લો વેદીક) સ્કૂલ દ્વારા એવું જાહેર કરવામાં આવ્યું છે કે શાળામાં આવતા દરેક વિદ્યાર્થીએ હવેથી માત્ર સ્કૂલ બસ અથવા તો વાલી સાથે આવવાનું રહેશે. જેના કારણે સ્કૂલમાં સ્કૂલ વાન અને સ્કૂલ રિક્ષામાં વિદ્યાર્થીઓ લાવતાં 100 જેટલા ડ્રાઈવર્સ બેરોજગાર બન્યા છે.

Advertisement


 

 

 

 

 

આજે ડીએવી સ્કૂલના વાન ચાલકો અને રિક્ષા ચાલકો શાળા સંચાલકો સુધી પોતાનો અવાજ પહોંચાડવા માટે ડીએવી સ્કૂલની સામે મૌન ધરણા કરી રહ્યા છે. શાળાના આ નિર્ણયનો વિદ્યાર્થીના વાલીઓ પણ વિરોધ કરી રહ્યા છે. વાન ચાલકો અને રિક્ષા ચાલકો પોતાના પરિવાર સાથે ડીએવી સ્કૂલ આગળ ધરણા પર બેઠા છે. વાન ચાલકો અને રિક્ષા ચાલકોએ આજે અમદાવાદના જીલ્લા શિક્ષણ અધિકારીને આ અંગે આવેદન પત્ર આપ્યું હતું અને ત્યાર બાદ શાળા આગળ ધરણા પર બેઠા હતા.

ધરણા પર બેઠેલા વાન ચાલક ઈરફાન સૈયદે જણાવ્યુ હતું કે, “ અમે અમારા હકની લડાઈ લડવા માટે અહીંયા બેઠા છે. સ્કૂલ દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે તેનાથી અમારી સાથે સાથે વાલીઓ પણ નારાજ છે. વાલીઓને સ્કૂલ બસની ફી પોસાતી નથી એટલે તે પણ અમારો સાથ આપી રહ્યા છે. વાલીઓ તેમની રીતે લડત ચલાવી રહ્યા છે અને અમે અમારી રીતે લડત ચલાવી રહ્યા છે. આ અંગે અમે શિક્ષણ મંત્રીને અને શિક્ષણ અધિકારીને રજૂઆત કરી છે અને તામણે અમને સાંત્વના આપી છે કે તે અમારી મદદ કરશે.”