મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ હાલમાં ટિકટોક બંધ થયા પછી ઘણી બધી એપ્લીકેશન્સ છે જેમાં શોર્ટ વીડિયો બનાવી લોકોને એન્ટરટેઈન કરવા, લોકોની લાઈક્સ, કમેન્ટ્સ, વ્યૂઝ મેળવવાના ઘેલા લાગ્યા છે. યુવક યુવતીઓ આ માટે ન કરવાનું પણ કરતાં હોય છે. ઘણા વીડિયોમાં તો અન્યોને પણ જોખમ થાય તેવું પણ કરતાં હોય છે. અમદાવાદમાં આવી જ એક ઘટના બની છે જેમાં ગુડ્ઝ ટ્રેન પર જોખમી સ્ટંટ કરી ઈંસ્ટાગ્રામની રિલ્સ બનાવવામાં કિશોરે જીવ ગુમાવ્યો છે.

સાબરમતી સેન્ટ્રલ જેલ પાસે ગુડ્ઝ ટ્રેન પર ચઢી રિલ્સ બનાવવા જતાં 15 વર્ષીય સગીરને કરંટ લાગ્યો અને તે ત્યાં જ મોતને ભેટ્યો હતો. કરંટ લાગતા તે ઉપરથી નીચે પટકાયો હતો. તેની સાથે થયેલા અકસ્માતની જાણ કરતાં તેના દાદા પણ ત્યાં દોડી આવ્યા હતા અને તેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. જોકે ત્યાં તેને મૃત જાહેર કર્યો હતો.

અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલી ઘનશ્યામવાડી પાસેની પદ્માવતી સોસાયટી વિભાગ 2માં રહેતો 15 વર્ષિય પ્રેમ જયકુમાર પંચાલ ધોરણ 12માં અભ્યાસ કરતો હતો. છેલ્લા કેટલાક સમયથી ચાલેલા રિલ્સના ક્રેઝમાં તે પણ ખેંચાયો હતો. તેને ઈન્સ્ટાગ્રામ પર શોર્ટ વીડિયોના રિલ્સ બનાવવા પસંદ હતા અને તે બનાવતો પણ હતો. સોમવારે સાંજે તે પોતાના મિત્ર સાથે ઘરેથી રિલ્સ બનાવવા નીકળ્યો અને પહોંચ્યો સાબરમતી સેન્ટ્રલ જેલ પાસેના રેલવે ટ્રેક પર જ્યાં તેણે રિલ્સ બનાવવાની શરૂઆત કરી.

Advertisement


 

 

 

 

 

આ વખતે તે સલમાન ખાન જેમ કીક ફિલ્મમાં સાયલ લઈને આવે અને એક જોખમી સ્ટંટ તે ફિલ્મમાં દર્શાવાયો હતો, રંગીલામાં આમીર ખાને કરેલો સ્ટંટ, પ્યાર તો હોના હી થામાં અજય દેવગણે કરેલું સ્ટંટ દ્રશ્ય વગેરે જેવા ટ્રેન સાથેના સ્ટંટ્સ, જોકે તે એક પ્રકારની કરામત હતી, સત્યથી તેને ઘણું અંતર હતું. છત્તાં તેવું કશું સમજ્યા વગર તે આવી જ રીતે ટ્રેન સાથે એક જોખમી સ્ટંટ કરવા માગતો હતો. તેણે બે દિવસ પહેલા પણ રેલવે ટ્રેક પર ચાલતો વીડિયો બનાવી અપલોડ કર્યો હતો. આ વખતે તે ત્યાં ઉભેલી ગુડ્ઝ ડ્રેનના વેગન પર ચઢી ઈન્સ્ટાગ્રામ પર રિલ્સ બનાવવા જતો હતો ત્યાં જ તેને કરંટ લાગ્યો.

તેને અહીં હાઈ વોલ્ટેજ કરંટ લાગતા તે નીચે ફેંકાઈ ગયો. જ્યાં તેનું મોત નિપજ્યું હતું. આ અંગેની જાણ તે વખતે તેની સાથે ગયેલા મિત્રએ તેના દાદાને કરી અને દાદા દોડી પણ આવ્યા તથા હોસ્પિટલ લઈ ગયા પરંતુ તે બચી શક્યો નહીં. ઉલ્લેખનીય છે કે, સેલ્ફી, શોર્ટ વીડિયો, સ્ટંટ કરવામાં ઘણા લોકોએ જોખમો નોતર્યા છે. એક ત્રીસ સેકંડના વીડિયોમાં માત્ર એ વ્યક્તિની નહીં પરંતુ પુરા પરિવારની જીંદગીમાં અંધકાર ફેલાઈ શકે છે.