મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદ: અમદાવાદમાં પણ હવે સાયબર રિલેટેડ ક્રાઈમમાં વધારો થઈ રહ્યો છે. સાયબર ક્રાઈમનો મતલબ સાયબર ફ્રોડ જ માત્ર નથી. કોઈની અંગત માહિતી, ફોટા કે વીડિયોનો ખોટી રીતે ઉપયોગ કરવો તે પણ સાયબર ક્રાઈમ જ છે. અમદાવાદમાં થોડા સમય અગાઉ એક યુવતતીની ફરિયાદના અનુસંધાને અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. આ વ્યક્તિ યુવતીના ફોટા બીભત્સ રીતે સોશિયલ મીડિયામાં પ્રસારિત કરતો હતો. યુવતીઓના પ્રોફાઈલના સ્ક્રીનશોટ લઈ તે તસવીર સાથે ચેડા કરી તેને બીભત્સ બનાવતો હતો.

અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં એક મહિલાએ ફરિયાદ નોંધાવી હતી કે કોઈ વ્યક્તિ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં ફેક એકાઉન્ટ બનાવીને તેના ફોટો ખોટી રીતે પોસ્ટ કરીને ઉપયોગ કરી રહ્યું હતું. તેમજ ફોટોની નીચે બીભત્સ લખાણ પણ લખેલું હતું. જેના કારણે યુવતીએ સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એચ.પુવાર દ્વારા તાપસ શરૂ કરવામાં આવી હતી.

Advertisement


 

 

 

 

 

તપાસમાં ટેકનીકલ એનાલિસિસ દ્વારા ફોટોઝ જે એકાઉન્ટમાંથી અપલોડ કરવામાં આવ્યા હતા તેનું આઈ. ડી. પી. આર મંગાવતા 44 વર્ષના પંકજ પટેલના મોબાઈલ નંબરના આધારે સાયબર ક્રાઈમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે. આરોપી પંકજ પટેલ છેલ્લા એક વર્ષથી ગોઝારીયા ગામે ખેતી કરે છે પરંતુ તેની પહેલા 10 વર્ષ સુધી તે અમેરિકાના ન્યુ જર્સીમાં રહેતો હતો.

આરોપીને સોશિયલ મીડિયા દ્વારા આ યુવતી સાથે સંપર્ક થયો હતો. તે યુવતીને પસંદ કરતો હતો અને યુવતી સાથે સંબંધ રાખવા માંગતો હતો. આ વાતની જાણ યુવતીના સાસરીમાં થતા યુવતીના છૂટાછેડા થઈ ગયા હતા. ત્યાર બાદ પણ આરોપીએ યુવતીને સંબંધ રાખવા માંગતો હોવાને કારણે યુવતીએ તેની સાથે વાત કરવાનું બંધ કર્યું હતું. આરોપીએ આવેશમાં આવીને યુવતીને બદનામ કરવા આવું કર્યું હોવાનું પોલીસ તપાસમાં સ્વીકાર્યું હતું.