મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ એસ જી હાઈવે, આશ્રમ રોડ, નરોડા, સાબરમતી, લાલ દરવાજા, કાલુપુર, બાપુનગર, પાલડી વગેરે જેવા અમદાવાદના એ વિસ્તારો કે જે લોકોની અવરજવરથી ધમધમતા રહે છે તેવા વિસ્તારો આજે ફરી સૂમસામ બન્યા છે. અગાઉ લોકાડાઉનને સમયે આવો માહોલ જોવા મળ્યો હતો. જોકે તે પછી અમદાવાદમાં કોરોનાની સ્થિતિત કાબુમાં કરવા માટે લાદવામાં આવેલા કરફ્યૂને પગલે આજે આ સ્થિતિ જોવા મળી રહી છે. ગત રાત્રીના 9 વાગ્યાથી સોમવારે સવારના 6 વાગ્યા સુધી આ માહોલ જળવાય તે આપણી જવાબદારી છે અને સરકારનો હુકમ પણ છે.  

અમદાવાદમાં કોરોનાની સ્થિતિ વકરી છે જેને કારણે કરફ્યૂનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ કરફ્યૂની અમલવારીને પગલે ઠેરઠેર પોલીસ બંદોબસ્ત ગત રાત્રીથી જ ગોઠવી દેવાયો હતો. જોકે આ કરફ્યૂના સમયે પણ કામ વગર બહાર નિકળનારાઓ સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે પોતાની કામગીરી દરમિયાન જાહેરનામા ભંગ બદલ 116 ગુના નોંધ્યા છે, જ્યારે અન્ય 130 વ્યક્તિઓની અટકાયત કરી છે. ઉલ્લેખનીય છે કે કરફ્યૂની અમલવારી માટે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ, એસઓજી જેવી વિંગ્સ પણ જોડાઈ છે સાથે જ પોલીસ કર્મચારીઓથી માંડીને અધિકારીઓ પણ પેટ્રોલીંગ સહિતની કાર્યવાહીઓ કરી રહ્યા છે.

દિલ્હીની ટીમ અમદાવાદમાં

આ દરમિયાન દિલ્હીની આરોગ્ય ટીમ અમદાવાદમાં આવી પહોંચી હતી. તેમણે એસ વી પી હોસ્પિટલની મુલાકાત કરી હતી. સાથે જ તેઓ આ મામલે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર અને અન્યો સાથે વિચાર વિમર્સ કરશે.