મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ અમદાવાદનું એક પરિવાર ઉજ્જૈન ફરવા ગયું હતું જ્યાં અઘૌરી જ્યોતિષને હાથ જોવાનું કહેતા જ્યોતિષે 20 વર્ષ જુનું લફરું કાઢ્યું જે પછી પતિ પત્નીના સુખી જીવનમાં આગ ચંપાઈ ગઈ. જ્યોતિષની મુર્ખામીએ છ પરિવારોને વિખેરી નાખ્યો હતો. જ્યોતિષે આ પરિવારના મોભીને કહ્યું કે તારી સ્વરૂપવાન પત્નીના લગ્ન પહેલા એક યુવક સાથે આડા સંબંધ હતા. જે જાણ્યા પછી તેણે મિત્રો સાથે મળી 20 વર્ષ પહેલાના પ્રેમીની હત્યા કરી નાખી અને હવે ભાંડો ફૂટી જતાં જેલમાં પણ જશે. ઉલ્લેખનીય છે કે અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ આ કેસની ગુત્થી પણ ખુબ મહેનતથી ઉકેલી છે. એક અજાણી લાશ મળ્યાના ફોનથી માંડી હત્યારાઓ સુધી પહોંચી પોલીસે પોતાના લાંબા હાથનો પરચો આપ્યો છે.

આ જ વર્ષે 6 નવેમ્બરે અમદાવાદ ગ્રામ્ય પોલીસ કંટ્રોલરૂમને જાણ થઈ કે વિરમગામ-માલવણ હાઈવે પરની નર્મદા કેનાલમાંથી એક અજાણ્યા વ્યક્તિની ક્હોવાઈ ગયેલી લાશ મળી આવી છે. આ લાશ એક પુરુષની હતી. પોલીસે સ્થળ પર પહોંચી વિવિધ પાસાઓની તપાસ કરી અને લાશને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપી હતી. પોસ્ટમોર્ટમમાં સામે આવ્યું કે તેની હત્યા થઈ હતી. જોકે પોલીસ માટે તો હજુ મૃતક કોણ છે તે મોટો પ્રશ્ન હતો ત્યાં તેના હત્યારાઓ સુધી પહોંચવાનું પણ હતું.

તપાસ દરમિયાન પોલીસને જાણકારી મળી અને કન્ફર્મ થયું કે આ મૃતક વ્યક્તિનું નામ રાજુ હાડા છે અને તે ભાવનગરના કરદેજ ગામનો વતની છે. ત્યાં તેમણે તપાસ કરી તો ખબર પડી કે તે કરિયાણાની દુકાન ચલાવતો હતો, જોકે પોલીસને શંકા એ પણ થઈ કે તે રહે ભાવનગર અને તેની લાશ અહીં વિરમગામ બાજુ? એ કઈ રીતે. પોલીસે તેના પરિવારને પુછ્યું તો ખબર પડી કે પરિવારે અગાઉ જ તેના ગુમ થયાની જાણ કરી હતી. તે ગત 29 ઓક્ટોબરે પોતાના સસરાની પુછવા બાઈક લઈને આણંદના ભેટાસી ગામે ગયો હતો પરંતુ ત્યાંથી તે પરત પોતાના ઘરે જા 1 નવેમ્બરે નિકળ્યો હતો જે પછી તેનો કોઈ પત્તો જ ન્હોતો. આણંદ આંકલાવ પોલીસ મથકે તેમણે આ અંગેની ફરિયાદ પણ કરી હતી.

પોલીસે પરિવારની વધુ પુછ પરછ કરતાં ખબર પડી કે તેને તેના મોસાળ આણંદના આંલાવ ખાતે બાળપણથી લઈ યુવાની સુધી એક મીના ભરવાડ નામની યુવતી સાથે સંબંધ હતો. હવે પોલીસ પાસે હત્યા કરવાના કારણ સંદર્ભની શંકા હતી, પરંતુ તે વાતને તો વર્ષો થઈ ગયા હતા માટે પોલીસ અન્ય બાબતો પર પણ પુછપરછ કરી વધુ જાણકારી મેળવવાનો પ્રયાસ કરી રહી હતી. દરમિયાન પોલીસને મીનાના પતિ શેલા ભરવાડ, શેલાનો સાળો દોલા ભરવાડ અને અન્ય એક મિત્ર ભરત ભરવાડ સહિતનાઓ ઉપર શંકા સાથે કેટલીક મહત્વની કડીઓ મળતાં પોલીસે તેમની ધરપકડ કરી.

હવે પોલીસે તેમની પુછપરછ શરૂ કરી જેમાં શેલા ભરવાડ પોતે પણ એક ભુવો હોવાનું જાણવા મળ્યું. પોલીસ પુછપરછમાં તેમણે કબુલ્યું કે, ભુવાજી શેલા ભરવાડ પોતાના મિત્રો સાથે જન્માષ્ઠમી વખતે ઉજ્જૈન ફરવા ગયા હતા ત્યાં તેમને એક અઘોરી બાબા મળ્યો હતો જે જ્યોતિષ વિદ્યા જાણતો હોવાનું કહી તેને ભુવાજી શેલાએ પોતાનો હાથ બતાવ્યો હતો. શેલાનો હાથ જોઈ જ્યોતિષે કહ્યું કે તારી સ્વરૂપવાન પત્નીને લગ્ન પહેલા એક યુવક સાથે આડા સંબંધ હતા. જે સાંભળી શેલા ભરવાડ ચોંકી ગયો તે ગુસ્સામાં ઉકળી ગયો પણ પછી તેણે પત્ની સાથે તેની ખરાઈ કરવા ચાલાકી વાપરી અને કહ્યું આપણે બંનેએ માતાજીમય થવાનું છે તારો જે કાંઈ ભૂતકાળ હોય તે તું મને કહી દે, હું પણ મારો તમામ ભૂતકાળ તને કહી દઉં. પતિ પર વિશ્વાસ કરી મીના ભરવાડે તેને પોતાના ભૂતકાળના પ્રેમ અંગે વિગતો જણાવી અને કહ્યું કે તેને રાજુ હાડા સાથે પ્રેમ હતો. જે વર્ષો જુની બાબત છે.

પત્નીની કબૂલાત પછી તો ભુવાજી શેલા ભરવાડના માથે લોહી વધુ ઝડપે વહેવા લાગ્યું. તેણે આ અંગે સાળા દોલા ભરવાડને વાત કરી અને કહ્યું કે આવી બાબત બની છે હવે મારે તારી બહેન સાથે સંબધ નથી રાખવા. બહેનનું ભાંગતુ ઘર જોઈ દોલા ભરવાડે કહ્યું, ચાર ચાર સંતાનો છે, જમાઈ આવું ના કરો તો સારું. જેના સામે શેલા ભરવાડે કહ્યું કે, તો પછી મારે રાજુ હાડાને પુરો કરી નાખવો છે અને તેમાં તારે મારી મદદ કરવી પડશે. બહેનનું ભાંગતુ ઘર બાવવા દોલા ભરવાડ પણ તેની આ ગુનાહીત પ્રવૃત્તિનો ભાગ બન્યો અને અન્ય બીજા મિત્રો પણ જોડાયા અને તેની હત્યા કરી નાખી.

પોલીસે મુખ્ય આરોપી ભુવાજી શેલા ભરવાડ, સાળા દોલા ભરવાડ, મિત્ર ભરત ભરવાડ, મિત્ર મહેશ ભરવાડ, મિત્ર રમેશ તુસાવડા અને મિત્ર પ્રતીક શેટ્ટીની ધરપકડ કરી હતી. જ્યોતિષની મુર્ખામી ભરી એક વાતે એવા ગુનાને અંજામ આપ્યો કે જેમાં છ પરિવારોના ભાવી અંધકારમય થઈ ગયા. પોલીસે વિવિધ પુરાવા એકત્ર કરી તમામની ધરપકડ કરી વધુ તપાસની તજવીજ હાથ ધરી છે.