કિરણ કાપુરે (મેરાન્યૂઝ.અમદાવાદ): આજે યોગાનયોગ શમ્સુદ્દીન શેખને ગાંધી ખોલી સામે બેસવાનું થયું, ત્યાં બેસવાનું કારણ પણ ગાંધી જ હતા. નવજીવન ટ્રસ્ટ દ્વારા છેલ્લા ચાર વર્ષથી સાબરમતી જેલમાં 2 ઑક્ટોબર – ગાંધીજયંતી-ના દિને ગાંધીપરીક્ષાનું આયોજન કરાય છે અને અત્યાર સુધી થયેલી તમામ ગાંધી પરીક્ષામાં શમ્મુદ્દીન અવ્વલ આવતા રહ્યા છે. આ વર્ષે પણ તેઓ પ્રથમ નંબરે આવ્યા છે. આ પરીક્ષાનું પરીણામ આજે ગાંધીનિર્વાણ દિને જાહેર કરવામાં આવ્યું.

આ વર્ષે ગાંધીજીના વિચારોના અર્ક સમાન 'હિંદસ્વરાજ' પુસ્તકના આધારે ગાંધીપરીક્ષા લેવાઈ હતી. આ પુસ્તકને સમજવા માટે ગાંધીજીના લખાણોનો સારો અભ્યાસ જરૂરી છે. પ્રમાણમાં અઘરું કહેવાય તેવું પુસ્તક હોવા છતાં શમ્મસુદ્દીને 80 માર્ક્સમાંથી 80 માર્ક્સ મેળવ્યા છે. અગાઉની ત્રણેય ગાંધીપરીક્ષાનો રેકોર્ડ પણ એવો છે કે શમ્સુદ્ધીને પૂરેપૂરા માર્ક મેળવ્યા હોય.

શમ્સુદ્દીન 2008માં અમદાવાદમાં થયેલા બોમ્બ વિસ્ફોટનો આરોપી છે. પણ ગાંધીપરીક્ષામાં જે રીતે તે આગળ વધી રહ્યા છે તે પરથી એવું લાગે છે, તે ગાંધીજીના અહિંસાને પાઠને સમજ્યા હશે. ગાંધીજીના જીવનને સમજવા અર્થે અહિંસા સમજવી જરૂરી છે, જો તે ન સમજાય તો ગાંધીને કળવો મુશ્કેલ છે. શમ્સુદ્દીનનું ગાંધીપરીક્ષામાં પરીણામ જોતા એવું લાગે છે કે તે ગાંધીજીના મૂળ હાર્દને સમજી ચૂક્યો છે.

શમ્સુદ્દીન કેટલાં લગાવથી ગાંધીજીને વાંચે છે તેના પુરાવા તેણે લખેલાં જવાબો પરથી તો મળે જ છે, પણ સાથે સાથે જ્યારે પરીક્ષા પૂર્ણ થાય ત્યારે પરીક્ષા માટે આપવામાં આવેલા પુસ્તકોમાંથી પણ જોડણી-ભાષાકીય ભૂલોય દર્શાવે છે. શમ્સુદ્દીને હંમેશા અંગ્રેજી ભાષામાં પરીક્ષા આપવાનું પસંદ કર્યું છે. આ વર્ષે પરીક્ષામાં જે પુસ્તકના આધારે પરીક્ષા લેવાય તે પુસ્તક વિશે લખવાનો પણ પ્રશ્ન મૂકવામાં આવ્યો હતો. તેનો જવાબ જે રીતે શમ્સુદ્દીને આપ્યો છે તેમાં તેમની પાકટતા નજરે ચડે છે.

દુનિયાને વધુ સારી અને શાંત જગ્યા બનાવવા અર્થે આપણે સૌ કોઈ એવું ઇચ્છીએ કે ગાંધીજી સૌમાં જીવંત રહે, પણ એક શમ્સુદ્દીનમાં જ્યારે ગાંધી જાગે અને તેણે યોગાનુયોગ ગાંધી ખોલી સામે બેસવાનું થાય તો તેનાથી રૂડું શું હોઈ શકે.