દેવલ જાદવ (મેરાન્યૂઝ.અમદાવાદ): અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શહેરના શહેરકોટાડા વિસ્તારમાં ખૂનના અપરાધમાં ભાગતાં ફરતા એક આરોપીને ગઈ કાલે પકડી લેવામાં આવ્યો છે. શહેરકોટડામાં આ હત્યાની ઘટના બની હતી. અમદાવાદમાં નવરાત્રીના તહેવાર દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અગાઉના ગુનામાં ભાગતાં ફરતા આરોપીઓ, પેરોલ જમ્પ કરીને ભાગતાં આરોપીઓ અને હથિયાર રાખતા આરોપીઓને શોધવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

થોડા સમય પહેલા અમદાવાદના શહેરકોટડા વિસ્તારમાં વસીમ પઠાણ અને આસીફ પઠાણ નામના બે વ્યક્તિઓએ જાવેદ મન્સૂરી નામના વ્યક્તિ સાથે મારામારી કરીને તેની હત્યા કરી હતી. ત્યાર બાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આસીફ પઠાણની ધરપકડ કરવામાં આવી હતી પરંતુ વસીમ પઠાણ ત્યારથી ભાગતો ફરતો હતો. ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવતા એએસઆઈ અખ્તરહુસેનને બાતમી મળી હતી કે આ આરોપી નારોલ વિસ્તારમાં છે.

Advertisement


 

 

 

 

 

બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ પી.બી.દેસાઈ, પીએસઆઈ આઈ.એસ.રબારી અને પીએસઆઈ જે.વાય.પઠાણ અને તેમની ટિમ દ્વારા નારોલ સર્કલ પાસેથી વસીમ પઠાણની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી વસીમ પઠાણ વિરુદ્ધ અગાઉ ઘરફોડ ચોરી, હથિયાર રાખવા અને મારામારી જેવા 9 ગુના નોંધાયા છે.