જયંત દાફડા (મેરાન્યૂઝ.અમદાવાદ): ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ઘાતક સાબિત થઈ રહી છે પરંતુ તંત્ર હજી નિંદ્રામાંથી ઊઠવાનું નામ નથી લઈ રહ્યું. ખબર નથી પડતી કે, મૃત્યુઆંક કેટલે પહોંચે પછી આ લોકો જાગશે? જ્યારથી રાજ્યમાં કોરોનાની બીજી લહેરની શરૂઆત થઈ છે ત્યારથી ઇમરજન્સી સેવા આપતી એમ્બ્યુલન્સ પર ભારે ઘસારો જોવા મળી રહ્યો છે. છેલ્લા એક બે દિવસથી કોરોનાના કેસમાં ઘટાડો થયો છે પરંતુ હજી પણ 108ની લોકો કાગડોળે રાહ જોઈએ રહ્યા છે. કલાકો સુધી રાહ જોવા છતાં 108 નથી આવતી અને કંટાળીને પોતાના અથવા ભાડાનાં વાહનોમાં દર્દીને લઈ જવા માટે મજબૂર બને છે. આંકડાની સ્થિતિ અંગે સહુ કોઈ જાણે છે.

108 નો આગ્રહ લોકો એટલા માટે રાખે છે કે, તેમાં ઓક્સિજન અને પ્રાથમિક સુવિધાઓ મળી રહે. કેમ કે હોસ્પિટલોમાં કલાકો સુધી રાહ જોવી પડે છે અને તેવામાં દર્દીની હાલત કફોડી થઈ જાય છે. સોમવારે રાત્રે લગભગ 11 વાગ્યાથી અમદાવાદ સિવિલ ખાતે કોવિડ સ્પેશિયલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં 20 જેટલી 108 એમ્બ્યૂલન્સ જાણે રજા હોય એવી રીતે પડી હતી. મોટા ભાગની એમ્બ્યૂલન્સમાં ડ્રાઇવર્સ ઊંઘતા જોવા મળ્યા હતા, તો અમુક ટોળા વળીને ગપ્પા મારતા જોવા મળ્યા હતા. જોકે વ્યક્તિ કેટલા કલાકની ડ્યૂટી કરે છે અથવા શિફ્ટ પ્રમાણે ડ્યૂટી કરે છે તે આ બાબત પર મોટી અસર કરે છે. લોકોના જીવનો સવાલ હોઈ આ બાબત ચિંતાજનક છે.


 

 

 

 

 

એક બાજુ લોકો એમ્બ્યૂલન્સ માટે અને ઓક્સિજન માટે તરફડિયાં મારી રહ્યા છે અને બીજી બાજુ લોકો સાથે રીતસર મજાક થાય છે. જ્યારે 1200 બેડ સિવિલ હોસ્પિટલની કતારમાં રિક્ષામાં લાઈનમાં ઉભેલા દર્દીને ઑક્સિજની જરૂર પડતાં 108 માં ફોન કરતા તેમને જાણવાંમાં આવ્યું હતું કે અત્યારે બધી જ એમ્બ્યુલન્સ વ્યસ્ત છે. આવવામાં કેટલો ટાઈમ લાગશે તે કહી શકાશે નહીં.

આ ઘટનાની જાણ થતાં, ત્યાં હાજર એક જાગૃત નાગરિક આરામ ફરમાવી રહેલા ૧૦૮ના ડ્રાઈવર પાસે જઈને આજીજી કરવા લાગ્યો અને છેલ્લે કંટાળીને ૧૦૮ માં ફોન લગાવી તેમની સાથે વાત કરાવતા તે આખરે દર્દીની મદદે આવવા તૈયાર થયો. જે જગ્યા એ દર્દી હતો ત્યાંથી આરામ ફરમાવી એમ્બ્યૂલન્સનું અંતર ૫૦૦ મીટર પણ નહીં હોય છતાં આટલું આકરું થવું પડે તે એક દુઃખની વાત કહેવાય.

આમ તો એમ્બ્યૂલન્સ દર્દીને હોસ્પિટલ પહોંચાડીને બીજા કોલ માટે જવાનું હોય છે પરંતુ અમુક એમ્બ્યૂલન્સ કોલ પર જવાના બદલે આરામની કતારમાં ગોઠવાઈ જાય છે અને બીજી બાજુ ૧૦૮ માં ફોન કરીએ તો વેટિંગ બતાવવામાં આવે છે. આવી એમ્બ્યૂલન્સ પર તંત્ર દ્વારા કેમ નજર નથી રખાતી ? કે પછી તંત્ર બધું જાણી ને પણ અજાણ બની રહી છે તે એક મોટો પ્રશ્ન છે?

સમગ્ર ઘટના બાબતે પોણાબાર વાગ્યે મેરાન્યૂઝના પ્રતિનિધિએ ૧૦૮ માં ફોન કરતા, ફરજ પર હાજર ઓપરેટર સૂરજ દ્વારા એવું જણાવવા આવ્યું કે અત્યારે હોસ્પિટલ્સમાં બેડ ખાલી હોતા નથી અને દર્દીને હોસ્પિટલમાં લેતા નથી અને એમ્બ્યૂલન્સમાં ઓક્સિજન ન હોય એટલા માટે એમ્બ્યૂલન્સ આવી રીતે પડી છે.


 

 

 

 

 

આરામ ફરમાવતા ૧૦૮ ના  કર્મચારી સાથે વાત કરતા જણાવ્યું કે, આ એમ્બ્યૂલન્સમાં માત્ર ડ્રાઈવર જ હોય છે પેરામેડિકલ સ્ટાફ નથી હોતો અને સિવિલમાં દાખલ દર્દીને અન્ય હોસ્પિટલમાં ખસેડવાના હોય તો જ આ એમ્બ્યૂલન્સ ઉપયોગમાં લેવાય છે. બાકી એમ્બ્યૂલન્સ પડી રહી છે. એકબાજુ સરકાર સબ સલામતના દાવા કરી રહી છે અને બીજી બાજુ IAS કક્ષાના અધિકારીઓ દ્વારા સંચાલિત 108 ઇમર્જન્સી સેવાનું આ અમાનવીય વલણ કોઈકના જીવ જોખમમાં મુકાવવાનું કારણ બની રહ્યું છે.

આજે જ ગુજરાત હાઈકોર્ટે સુઓમોટો અરજીની સુનાવણી દરમિયાન અમદાવાદ કોર્પોરેશનની પણ ઝાટકણી કાઢી હતી. ગ્રામ્ય વિસ્તારોમાં કેવી સ્થિતિ છે તેની પણ એફિટેવીટ ડિટેઈલ સાથે કરવાનું કહ્યું હતું. હાઈકોર્ટે કહ્યું હતું કે 108 ટોટલ નિષ્ફળ છે, અમે જ્યારે કોઈ ઓર્ડર જાહેર કરીએ છીએ ત્યાર બાદ જ સરકાર હરકતમાં આવે છે આવું સતત જોવા મળી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ MeraNews.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.