મિલન ઠક્કર (મેરાન્યૂઝ અમદાવાદ): હજી ઈરફાનના અવસાનના શોકમાંથી બૉલીવુડ અને તેના ચાહકો બહાર આવે એ પહેલા જ ઋષિ કપૂરને પોતાની પાસે બોલાવીને ઈશ્વરે બીજો મોટો આંચકો આપ્યો છે. તેઓની કમી તેમના પરિવારને તો લાગી જ છે. સાથે ભારતના ફિલ્મ રસિકોને અને બોલિવૂડને પણ કાયમ રહેશે. સોશિયલ મીડિયાના માધ્યમથી નેતા, અભિનેતા, સેલિબ્રિટી સહિત દેશ-વિદેશના અસંખ્ય લોકોએ તેમને શ્રદ્ધાંજલી અર્પી છે. આ બંને કલાકારો ગુજરાતના અમદાવાદ અને કચ્છના મહેમાન બન્યા હતા પોતાની એક ફિલ્મના શૂટીંગ દરમિયાન.

    ઋષિ કપૂર અને ઈરફાને સાથે એકમાત્ર હિન્દી ફિલ્મ “D-Day”માં સાથે કામ કર્યું હતું. જેનું મોટાભાગનું શૂટિંગ ગુજરાતનાં કચ્છ અને અમદાવાદમાં થયું હતું. ફિલ્મના એક્શન સીન મોટાભાગે કચ્છમાં શૂટ કરવામાં આવ્યા હતા.

    અમદાવાદમાં અલગ અલગ જગ્યાએ નાના-મોટા સીન શૂટ કરવા માટે ફિલ્મની ટિમ અમદાવાદની એક ખાનગી હોટેલમાં લગભગ ૧ મહિના જેટલું રોકાઈ હતી. અમદાવાદમાં રિલિફરોડ પર એક કોમ્પ્લેક્સનાં પાર્કિંગમાં ગોળીબારનો એક સીન શૂટ કરાયો હતો. જુહાપુરામાં આવેલા સરખેજના રોઝામાં પણ શૂટિંગ કરવામાં આવ્યું હતું. સરખેજના રોઝાને ફિલમમાં કરાંચીના સીન તરીકે બતાવવામાં આવ્યું હતું. આ સિવાય ઈરાની હોટેલ રિલિફ રોડ, ત્રણ દરવાજા, એલિસબ્રિજ, અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ અને ભાડજના સેન્ટોસા બંગ્લોઝમાં પણ આ ફિલ્મનું શૂટિંગ કરવામાં આવ્યું હતું.

    ફિલ્મના પ્રોડ્યુસર અને નિર્માતા નિખિલ અડવાણીને સરખેજના રોઝામાં શુક્રવારે બકરીઈદનો તહેવાર હોવાથી ગોળીબારના શૂટિંગની પરમીશન મળી ન હતી. જેથી તે સીનનું શૂટિંગ બીજા દિવસે શનિવારે રાખવામાં આવ્યું હતું. આ સીનમાં અભિનેતા ઈરફાન અને ઋષિ કપૂર સાથે અર્જુન રામપાલ અને અભિનેત્રી શ્રુતિ હસન પણ હતાં. અત્રે ઉલ્લેખનીય છે કે, આ ફિલ્મમાં કબાબ વગેરે વેચનારાની તથા બેકસાઈડ એક્ટરની ભૂમિકા અમદાવાદના સ્થાનિકોએ નિભાવી હતી.

    ભારતભરમાં આ ફિલ્મ 19 જુલાઈ 2013ના રોજ રિલીઝ કરવામાં આવી હતી. અભિનેત્રી શ્રુતિ હસનની આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં લોકપ્રિયતાને કારણે આ ફિલ્મનું તેલુગુ ભાષામાં ડબિંગ વર્ઝન "ગેલુપુ ગુર્રમ" નામે પણ રિલીઝ કરવામાં આવ્યું હતું.

    આ ફિલ્મ જોતી વખતે કોઈને અણસાર પણ નહીં હોય કે, ફિલ્મના અંતમાં જે બને છે કદાચ તેનું રીઅલ લાઈફમાં પુનરાવર્તન થશે. ફિલ્મના અંતમાં ઈરફાન પડદા પર મોતને ભેટે છે અને લગભગ 14 મિનિટ બાદ ઋષિ કપૂર પણ.