મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ અમદાવાદની નવરંગપુરા સ્થિત શ્રેય હોસ્પિટલમાં એક દિવસ અગાઉ મોડી રાત્રે લાગેલી આગમાં 8 લોકો મૃત્યુ પામ્યા હતા. આ ઘટના એટલી કરુણ હતી કે દર્દીઓના પરિવારોના આંશુ જ થંભવાનું નામ લેતા ન હતા. એક તરફ તેમનું સ્વજન ગુમાવ્યાનું દુઃખ અને બીજી તરફ તંત્રની લાલીયાવાડીને કારણે સ્વજન ગુમાવ્યાનો રોષ સ્પષ્ટ તેમના ચહેરાઓ પર વાંચી શકાતો હતો. પોલીસે આ ઘટનામાં કાર્યવાહી શરૂ કરી છે. સાથે જ મુખ્યમંત્રીએ પણ તુરંત તપાસ કરીને રિપોર્ટ સોંપવા જણાવ્યું છે. પરંતુ અહીં એક ચોંકાવનારી અને હૃદયદ્રાવક બાબત સામે આવી છે.

આ ઘટનામાં મૃત્યુ પામનાર 83 વર્ષીય મનુભાઈ રામીના પૂત્રવધુ રાજશ્રીબેન રામીએ કેટલાક ચોંકાવનારા ખુલાસાઓ કર્યા છે. તેમના કહ્યા મુજબ 24મી જુલાઈએ તેમને કોરોના હોવાની ખબર પડી હતી. 83 વર્ષમાં તેમને પહેલી વખત હોસ્પિટલમાં દાખલ કરવાનો વારો આવ્યો હતો. તેમના કહ્યા મુજબ સસરા મનુભાઈ વારંવાર માસ્ક કાઢી નાખતા હોવાને કારણે તેમના બંને હાથ બાંધી દેવામાં આવ્યા હતા. જો તેમના હાથ બાંધેલા ન હોત તો તેમનો જીવ ચોક્કસ બચી ગયો હોત.

તેમના કહ્યા મુજબની જો સ્થિતિ હતી તો મતલબ કે મનુભાઈને ભાગવાનો કે ખુદ પોતાનો જીવ બચાવવાની તક પણ મળી નહી. તેમના પુત્રવધુનું એવું પણ કહેવું છે કે, હોસ્પિટલના સ્ટાફે જો હાથ ન બાંધ્યા હોત તો તેઓ આજે જીવતા હોત. ઉલ્લેખનીય છે કે અહીં જીવ ગુમાવનારા તમામ 8 પરિવારોમાં હાલ શોકની લાગણી છે. તેઓ હાલ પોતાના સ્વજનને ગુમાવ્યાને પગલે દુઃખમાં છે. હાલ પોલીસ ઘટનાની તપાસ ચલાવી રહી છે. જોકે આ કેસમાં ઘણા પોલીટિકલ કનેક્શન્સના પણ આક્ષેપો થઈ રહ્યા છે, પણ હવે સત્ય ખરેખર બહાર આવશે કે પછી આ આગના ધૂમાડાની જેમ ધીમે ધીમે ગાયબ થઈ જશે તે જોવું રહ્યું.