મેરાન્યૂઝ નેવર્ક.અમદાવાદઃ ગુજરાતભરમાં હાલમાં લોકોને જ્યારે ઊંચો દંડ કાને પડ્યો ત્યારથી પોતાને મળતી સુવિધાઓ અંગે તેઓ સવાલો કરતાં થયા બાકી ખરાબ રોડ રસ્તાની સમસ્યા તો વર્ષોથી જેવી હતી તેવી જ છે. રોડ પરના ખાડા પણ હવે સીઝનેબલ થઈ ગયા છે. પરંતુ હાલ લોકોની પીડાને ધ્યાનમાં રાખતા અમદાવાદ કોર્પોરેશને તાત્કાલીક ધોરણે રસ્તાના સમારકામ કરવાની સૂચનાઓ તો આપી જ હતી પરંતુ વધુમાં કોર્પોરેશન દ્વારા 39 એન્જિનિયર્સને કુલ રૂ. 10.82 લાખનો દંડ કરવામાં આવ્યો છે. રૂ. 15,000થી માંડી 50 હજાર સુધીના દંડ ફટકારાયો છે.

વર્ષ 2017માં ખરાબ થયેલા રોડને કારણે થયેલી તપાસમાં આખરે કમિશનર દ્વારા દંડનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જેમાં સૌથી ખરાબ 36 રોડના જવાબદાર એન્જિનિયર્સ સામે સસ્પેન્શન સુધીના પગલા લેવાય તેવા સંજોગો ઘડાયા છે.

ઉલ્લેખનીય છે કે જ્યારે હાઈકોર્ટે આદેશ કર્યો હતો ત્યારે કોર્પોરેશન દ્વારા 10 એન્જિનિયર્સને નોટિસ અપાઈ હતી.

ગુજરાત હાઈકોર્ટ દ્વારા બે વર્ષ સુધી ચાલેલી કામગીરીનું મોનિટરિંગ કરવામાં આવ્યું હતું. થોડા અમથા વરસાદમાં પણ અમુક રસ્તાઓમાંથી જાણે ડામર ગાયબ થઈ જતો હોય અને માત્ર કપચી રહી જતી હોય તેવી ઘા ઘડાયો હતો. હાઈકોર્ટ જ્યારે મોનિટરિંગમાં હોય ત્યારે એફએસએલ સહિતની એજન્સિઓના રિપોર્ટ્સ પણ ધ્યાને લેવાયા હતા.