મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદ: અમદાવાદમાં રખડતા  ઢોરોનો આતંક છવાયેલો છે. અહીં રોડ પર ઢોર અડિંગો જમાવીને બેઠેલા હોય છે. આ ઢોરને ગમે ત્યારે પકડી લેવામાં આવે છે અને છોડી દેવાય છે. તો કેટલાક માલિકોના પ્રાણીઓને પકડવામાં આવતા નથી. તાજેતરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ઢોર પાર્ટીમાં ફરજ બજાવતા પી આઈ એફ એમ કુરેશી લાંચ લેતા પકડાયા ગયા હતા. ત્યારે આજે મળેલી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સામાન્ય સભામાં વિપક્ષે આ મુદ્દો ઉઠાવતા ભારે હંગામો થયો હતો. પૂર્વ વિપક્ષ નેતા કમલાબેન ચાવડાએ આક્ષેપ કર્યો હતો કે હપ્તા કમલમ સુધી જાય છે. કોંગ્રેસના કોર્પોરેટરના નિવેદન બાદ સભામાં હોબાળો જોવા મળ્યો હતો અને ભાજપ કાર્યાલય શબ્દ પરત ખેંચવા ભાજપના કોર્પોરેટર્સે  માગ કરી હતી.

આજની સામાન્ય સભામાં કોંગ્રેસના કોર્પોરેટર કમલાબેન ચાવડા મેયર સમક્ષ રજૂઆત કરતાં જણાવ્યું હતું કે ગૌમાતાના નામે મત લેવાય છે. અને ગૌમાતાના નામે મત લીધા પછી મને દેખાઈ રહ્યું છે કે થોડાક સમય પહેલા એક પોલીસ સબ ઇન્સ્પેક્ટર 10 હજારનો હપ્તો લેતા પકડાઈ ગયો હતો. ત્યારે આ કોન્સ્ટેબલ કોની રહેમ નજર હેઠળ હપ્તો ઉઘરાવતો હતો.? જો એક પશુપાલકો પાસેથી 10 હજારનો હપ્તો લેવામાં આવતો હોય તો અમદાવાદ શહેરમાં અંદાજે  2.75 લાખ જેટલા પશુ ગૌવંશ છે. જો આ પ્રમાણે મહિનાની રકમ ગણવા જઈએ તો 10 કરોડ જેટલી રકમ થાય છે. આ 10 કરોડની રકમ માત્ર પોલીસ અધિકારી જ લેતો હતો કે પછી તેના હપ્તા ભારતીય પાર્ટીના કમલમ સુધી જાય છે. આ આક્ષેપ બાદ બંને પાર્ટીના કોર્પોરેટર આમને સામને આવી ગયા હતા. મામલો બિચકતા  સામાન્ય સભાને બરખાસ્ત કરવી પડી હતી.

Advertisement