મિલન ઠક્કર (મેરાન્યૂઝ અમદાવાદ): સમગ્ર દેશ કોરોના વાયરસને હરાવવા આજે રવિવારે જનતા કરફ્યુનું સ્વેચ્છાએ પાલન કરી રહ્યો છે. ઈમરજન્સી સિવાયની બધી જ સેવાઓ ઠપ થઈ ગઈ છે. વિશ્વ આખું આ મહામારી સામે લડી રહ્યું છે. ત્યારે અમદાવાદ સોલામાં આવેલી સરકારી સિવિલ હોસ્પિટલમાં એક સામાન્ય માણસ પહોંચે છે અને પોતાની શારીરિક સમસ્યા જણાવે છે ત્યારે ફરજ પર હાજર રહેલા ડૉક્ટર કહે છે, “આજે રજા છે, હોસ્પિટલ બંધ છે, ઈમરજન્સી જ ચાલું છે, કાલે ઓપીડીમાં બતાવવા આવજો.

આજે સવારે ૧૦:૪૫ના સુમારે એક વ્યક્તિ અમદાવાદ સોલા સિવિલ પહોંચે છે અને ઈમરજન્સી વિભાગમાં કેસ કઢાવીને ફરજ પરના તબીબ પાસે જાય છે અને જણાવે છે કે, મને છેલ્લા ૧૦ દિવસથી શરદી અને ઊધરસ છે. જે દવા લીધા છતાં મટતાં નથી. ત્યારે ડૉક્ટર પ્રથમ તો એમ જ કહે છે કે, આજે કેમ આવ્યા? આજે રજા છે, કાલે ઓપીડીમાં બતાવી જજો અને દર્દી કહે છે કે મારી પરિસ્થિતી ગંભીર છે. તમે એક વાર ચકાસી લો. ડૉક્ટર તેને થોડીવાર બેસવાનું કહે છે. પણ બેસવાની જગ્યાના અભાવે દર્દી લગભગ ૧૫ મિનિટ ઊભો રહે છે. ત્યારબાદ એક ડૉક્ટર આવીને કહે દર્દીને પૂછપરછ કરે છે અને જાણવા મળે છે કે, દર્દીને તાવ નથી અને છેલ્લા ૧૫ દિવસમાં દર્દીએ બહાર ટ્રાવેલ કર્યું નથી. ત્યારબાદ જવાબ મળે છે કે, શરદી-ઉધરસની દવા લખી આપું છું. મટી જશે. ડૉક્ટરનાં આ જવાબથી અસંતુષ્ટ દર્દી જણાવે છે કે હું ટોળાની વચ્ચે રહું છું અને ધંધો કરું છું, એમાં કોઈ ક્યાંથી આવ્યું છે તે જાણવું મુશ્કેલ છે માટે હાલ જે કોરોના વાયરસ પ્રસરી રહ્યો છે એ તો મને નહીં હોય ને? ડૉક્ટર કહે છે એવું લાગે તો પોતાની જાતને હોમ કોરન્ટાઈન કરી રાખો. આજે કોઈ જ રિપોર્ટ કે સારવાર થશે નહીં. આજે રજા છે અને ડોક્ટરે લખેલી દવા મેળવવા માટે દવાની બારી પર જતાં માલુમ પડ્યું હતું કે દવાબારી બંધ છે. આ અંગે પણ ડોક્ટરે એ જ સરકારી જવાબ આપ્યો હતો કે, આજે રજા છે. બહારથી ખરીદી લો. (આ સમગ્ર ઘટનાનો વીડીયો અમારી પાસે છે પરંતુ દર્દીની ગોપનીયતા જાળવવા સારું અહીં માત્ર ઑડિયો સ્વરૂપે પ્રકાશિત કર્યો છે.)

ગુજરાત સરકાર પોતાની તબીબી સેવા સજ્જ હોવાનો દાવો કરી રહી છે. ત્યારે સરકારી હોસ્પિટલની બેદરકારીના કિસ્સાઓ બહાર આવી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, શનિવારે પણ એક મહિલા પોલિસ અધિકારીને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આવો જ અનુભવ થયો હતો. જેનું આજે પુનરાવર્તન થયું છે.