મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામુ બહાર પાડતા લોકોને સૂચના અપાઈ છે કે 7 ડિસેમ્બર સુધી અમદાવાદના લોકોને નાઈટ કરફ્યુનું પાલન કરવાનું રહેશે. રાત્રીના 9થી 6 વાગ્યા સુધીની તમામ બિનજરુરી અવર જવર આ સમય સુધી ટાળવાની કડક સૂચના છે. આ દરમિયાન કરફ્યુ ભંગ કરનારા લોકો સામે પોલીસ કાયદેસરની કાર્યવાહી હાથ ધરશે.

હાલમાં કોરોના સંક્રમણ વધવાને કારણે બે દિવસ માટેનું કરફ્યુ પુર્ણ થયું છે. સોમવારે સવારે સમાપ્ત થયેલા કરફ્યુ પછી નાઈટ કરફ્યુની આજે અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડીને સૂચનાઓ અપાઈ છે. તેમણે કહ્યું છે કે, અમદાવાદમાં આગામી 7 ડિસેમ્બર સુધી રાત્રીના 9થી સવારના 6 વાગ્યા સુધી રાત્રી કરફ્યુ રહેશે. સોમવારે સવારે છ વાગ્યાથી દિવસનો કરફ્યુ હટાવી દેવામાં આવ્યો છે. 

દિવસનો કરફ્યુ હટતા જ અમદાવાદ લોકોથી ફરી ધમધમતું થઈ ગયું હતું. બે દિવસ કડક પાલન કરનારી અમદાવાદની જનતા ફરી ટોળે વળી ઉઠી હતી. જોકે તંત્રએ કડક હાથે પગલા લેતા એવી મોટી ભીડ ઉમટી પડે, માસ્ક વગર ફરે કે ગાઈડલાઈન્સ તોડે તેવા દ્રષ્યો ભાગ્યે જ જોવા મળ્યા હતા. બીજી બાજુ તંત્રએ પણ હજુ કોરોનાની સ્થિતિ સંપૂર્ણ કાબુ કરવાની હોય તેની સામે બાથ ભીડી છે. તંત્ર દ્વારા નાઈટ કરફ્યુ યથાવત રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો જે સંદર્ભનું જાહેરનામું આજે અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા જાહેર કરાયું છે.