મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ અષાઢી બીજના દિવસે અમદાવાદ શહેરમાં ફરતી સૌથી મોટી રથયાત્રાને અંગે હાલમાં જ ચાલી રહેલી મીટિંગમાં મહત્વના નિર્ણય લેવાયા છે. રથયાત્રા આગામી 23મી જુને નિકળવાની હતી જેને અંગે ઘણા સમયથી લોકોમાં વિવિધ પ્રશ્નો હતા. હાલમાં એક તરફ કોરોના વાયરસને કારણે વિવિધ મેળાવડા બંધ છે તેવા સંજોગોમાં જગન્નાથ યાત્રાનું શું થશે તે સવાલ હતો. હાલમાં મળેલી બેઠકમાં ટ્રક, રથ, અખાડા એસોશિયેશનના અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા. જોકે આ અંગે ફેર વિચારણા કરી આખરી નિર્ણય 31 મે બાદ એટલે કે લોકડાઉન 4 પૂર્ણ થયા પછી લેવાશે, પરંતુ હાલ કેટલાક અન્ય નિર્ણયો કરાયા છે.

આગામી 5મી જુને જળયાત્રા છે તેવામાં નિર્ણય કરાયો છે કે આ યાત્રામાં ભક્તો જોડાઈ શકશે નહીં ઉપરાંત વિધિમાં પણ મંદિરના 5થી7 જણ ભેગા મળી જ્યેષ્ઠા અભિષેક કરશે અને એક જ હાથી રખાશે.

ગજવેશ દર્શનની વિધીમાં કોઈ યજમાનને મંદિરમાં બોલાવાશે નહીં અને આ વિધિમાં મંદિરના મહંત દિલીપ દાસ અને ટ્રસ્ટી મહેન્દ્ર ઝા હાજર રહેશે. ભગવાનના રથ પણ સેનેટાઈઝ કરાઈ રહ્યા છે અને મંદિર પણ. હવે મુખ્ય બાબત એ છે કે આગામી 23મી જુને નિકળનારી ભગવાન જગન્નાથની રથયાત્રા અંગે આગામી બેઠકમાં નિર્ણય કરાશે. આ રથયાત્રામાં કેટલા જોડાશે તે પણ બાદમાં નક્કી થશે.