દેવલ જાદવ (મેરાન્યૂઝ.અમદાવાદ): ગુજરાતની પ્રજાએ કોરોના કાળમાં જે કપરી પરિસ્થિતિનો સામનો કર્યો તેમાં સરકાર અને સત્તા પક્ષ દ્વારા લોકોને કોઈ મદદ કરવામાં આવી નહીં અને જે લોકોએ તેમને મત આપીને જીતડયા હતા એ લોકોને જ સરકરે કોરોનામાં મારવા માટે મૂકી દીધા હતા તેવા આક્ષેપો સાથે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી અનેક કાર્યક્રમો કરી રહ્યા છે. આમ આદમી પાર્ટી દ્વારા જન સંવેદના મુલાકાતનો કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે જ્યારે કોંગ્રેસ દ્વારા કોવિડ ન્યાય યાત્રા ચલાવવામાં આવી રહી છે.

13 સપ્ટેમ્બરથી 20 સપ્ટેમ્બર સુધી કોંગ્રેસ દ્વારા કોવિડ ન્યાય યાત્રા અંતર્ગત આંઠ દિવસના વિવિધ કાર્યક્રમ આપવામાં આવ્યા હતા. જેમાં આજે 20 તારીખે દરેક જિલ્લામાં અલગ અલગ નેતાઓ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને લોકો સમક્ષ પોતાની વાત મુકવાનો પ્રયત્ન તેમણે કર્યો છે. અમદાવાદમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રદેશ કાર્યાલય ખાતે આજે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ ભરત સોલંકીએ પ્રેસ કોન્ફરન્સ સંબોધિત કરી હતી અને ભારતીય જનતા પાર્ટી અને તેના નેતાઓ પર આકરા પ્રહારો કર્યા હતા.

પ્રેસ કોન્ફરન્સમાં ભારત સોલંકીએ જણાવ્યું હતું કે, " ગુજરાતની અને કેન્દ્રની આ ભારતીય જનતા પાર્ટીની સરકાર સંવેદનાવિહીન સરકાર છે. તેમણે કોરોના કાળમાં લોકોને મદદ કરવાની જગ્યાએ લોકોના પૈસાથી માત્ર પોતાની વાહવાહી કરવામાં ખર્ચ કર્યો છે. એટલા માટે કોંગ્રેસના દરેક નેતા અને કાર્યકર્તાએ કોરોનામાં મૃત્યુ પામેલા કોકોના ઘરે ઘર જઈને તેમની મુલાકાત કરીને તેમને સાંત્વના આપવાનું કામ કર્યું છે. ભારતીય જનતા પાર્ટીએ દોષનો ટોપલો પૂર્વ મુખ્યમંત્રી પાર ઢોળીને મુખ્યમંત્રી અને મંત્રી મંડળ બદલ્યું છે પણ લોકો આ સરકાર દ્વારા થયેલો અન્યાય ભૂલશે નહીં અને આગામી ચૂંટણીમાં તેના પરિણામો જોવા મળશે."


તેમણે વધુમાં જણાવ્યું હતું કે , " અમે આ કાર્ય એક રાજકીય પક્ષની રીતે નથી કરી રહ્યા માત્ર માનવતાની દૃષ્ટિએ આ કાર્ય કરી રહયા છે. સરકાર સમક્ષ મારી મુખ્ય ચાર માંગો છે. સરકાર તાત્કાલિક ધોરણે કોરોનામાં મૃત્યુ પામેલા વ્યક્તિના પરિવારને 4 લાખ રૂપિયાની સહાય કરે. કોરોનામાં મૃત્યુ પામેલા વ્યક્તિની સારવારમાં જે ખર્ચ થયો હોય તે સરકાર તેના પરિવારને ચૂકવે. મૃત્યુ પામેલી વ્યક્તિ જો સરકારી નકરીમાં હોય તો તેના પરિવાર માંથી કોઈ એક વ્યક્તિને સરકારી નોકરી આપે અને કોરોના કાળમાં જે અધિકારીઓ અથવા તો નેતાઓએ ગેરરીતિ કરી હોય તેમના પર ટાપ્સ થાય અને તેમને યોગ્ય સજા મળે."

ખેડૂતોના મુદ્દે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે કોરોના સિવાય મોંઘવારી, ગરીબી, બેરોજગારી, અને ભ્રષ્ટાચાર જેએ તો અનેક પ્રશ્નો દેશમાં અને ગુજરાતમાં ઉભા છે. દિલ્લીમાં જખેડૂતોની હાલત તો આપણે જોઈ જ છે. જલિયાંવાલા હત્યાકાંડ જેવી પરિસ્થિતિ આ સરકારે ત્યાં ઉભી કરી છે. આ સરકાર સામે આંદોલન કરવાથી કંઈ નહીં થાય ક્રાંતિ જ કરવી પડશે. હવે આ દેશના નાગરિકો પાસે સરકાર બદલ્યા સિવાય કોઈ રસ્તો નથી. 2022માં જો અમારી સરકાર બનશે તો અમારો પહેલો નિર્ણય કોરોનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારને સહાય આપવાનો હશે.