મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ અમદાવાદના અમરાઈવાડીના કોંગ્રેસના ઉમેદવાર ધર્મેન્દ્ર પટેલે ભાજપના જગ્દીશ પટેલ સામે ફોર્મ ભર્યું ત્યારે તેઓ ડુંગળીનો હાર પહેરીને આવતા સહુ ચોંકી ગયા હતા. ઉલ્લેખનીય છે કે તેમણે આવું ડુંગળીના ભાવ વધારાને સંદર્ભે પોતાની નારાજગી વ્યક્ત કરવા માટે કર્યું હતું. આગામી 21મી ઓક્ટોબરે વિધાનસભાની 7 ખાલી બેઠકો પૈકી 6 બેઠકો પર પેટા ચૂંટણી થવાની છે. આ બેઠકો પર ભાજપ કોંગ્રેસ બંનેએ પોતાના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે.

આજે અમદાવાદની અમરાઈવાડી બેઠક કે જ્યાં અગાઉ ભાજપના ધારાસભ્ય એચ એસ પટેલ જીત્યા હતા પરંતુ લોકસભામાં પણ તેઓ ચૂંટાઈ આવ્યાથી આ બેઠક ખાલી પડી હતી. આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હોવાને પગલે આજે કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ ભર્યું હતું આ વખતે તેઓએ ડુંગળીના ભાવોને લઈને પોતાનો વિરોધ વ્યક્ત કરવા ગળામાં ડુંગળીનો હાર નાખીને આવ્યા હતા.

તેમણે કહ્યું કે, અમરાઈવાડી વિસ્તારમાં ખારીકટ કેનાલનો યક્ષ પ્રશ્ન છે. મેટ્રોના કામને લઈને પણ લોકોને ઘણી તકલીફો ભોગવવી પડી રહી છે. અનુપમ બ્રિજને પણ ઘણા વખતથી બંધ રાખ્યો હોવાથી લોકો હેરાન પરેશાન છે તેથી ઉપર લોકો નવા ટ્રાફીકના દંડને લઈને તકલીફ વેઠી રહ્યા છે. મુખ્ય ધ્યાન લોકોને પડી રહેલી અગવડો અને મુશ્કેલીઓ દુર કરવાની છે.