દેવલ જાદવ / જયંત દાફડા(મેરાન્યૂઝ.અમદાવાદ): અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કામ કરતા સફાઈ કર્મચારીઓ અવારનવાર કોર્પોરેશનથી નારાજ થતા રહે છે. મહામારીના સમયમાં ડોક્ટર અને પોલીની જેમ જ સફાઈ કર્મચારીઓએ પણ પોતાનો જીવ જોખમમાં મુકીને પોતાનું કામ નિષ્ઠાથી કર્યું હતું તેમ છતાં સરકાર દ્વારા સફાઈ કર્મચારીઓની એવી તકેદારી રાખવામાં આવતી નથી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા કોન્ટ્રાકટ આધારિત સફાઈ કર્મચારીઓને છેલ્લા ચાર મહિનાથી વેતન ચુકવવામાં આવ્યું નથી.

પોતાના વેતનની માગોને લઈને આ સફાઈ કર્મચારીઓ છેલ્લા છ દિવસથી અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં આવેલી કોર્પોરેશનની ઓફિસમાં ઘરણા ઉપર બેઠા છે. શહેરની સ્વચ્છતા જે લોકોને આભારી છે તે જ લોકોને પોતાનું વેતન લેવા માટે છ-છ દિવસ સુધી ધરણા ઉપર બેસવું પડે છે તેમ છતાં તેમની સમસ્યાનું કોઈ નિરાકરણ આવ્યું નથી. આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી કમિશનરે સફાઈ કર્મચારીઓના આગેવાનો સાથે મુલાકાત કરી હતી પરંતુ માત્ર વાટાઘાટો પછી મુલાકાતનો અંત આવ્યો હતો.

છેલ્લા છ દિવસથી આ કર્મચારીઓ પોતાની રજુઆત લઈને બોડકદેવમાં આવેલી કોર્પોરેશની ઓફિસમાં વિરોધ કરી રહ્યા છે અને તંત્ર મૂંગુ બનીને જો રહ્યું છે. આ સફાઈ કર્મચારીઓ છેલ્લા છ દિવસથી કોર્પોરેશનની ઓફિસમાં જ રહે છે અને સુવાનું અને જમવાનું પણ ઓફિસમાં જ કરે છે. દિવાળી હવે નજીક આવી રહી છે ત્યારે આ સમગ્ર શહેરને સ્વચ્છ રાખતા આ સફાઈ કર્મચારીઓ માત્ર પોતાનું વેતન જ કોર્પોરેશન પાસે માંગી રહ્યા છે.

Advertisement


 

 

 

 

 

સફાઈ કર્મચારીઓના આગેવાન હિતેન મકવાણાએ મેરાન્યૂઝ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, " છેલ્લા ચાર મહિનાથી આ સફાઈ કર્મચારીઓને તેમનો પગાર મળ્યો નથી તેમ છતાં તેમણે પોતાનું કામ ચાલુ રાખ્યું હતું. પરંતુ હવે જ્યાં સુધી અમારી સમસ્યાનો અંત નહીં આવે ત્યાં સુધી અમે અહીંયાંથી હટવાના નથી. આ વર્ષે દિવાળી અને નવું વર્ષ કોર્પોરેશનની ઓફિસમાં જ ઉજવીશું."

સફાઈ કર્મચારીઓની મુખ્ય માગ એ છે કે છેલ્લા છ મહિનાથી તેમનો જે પગાર થયો નથી તે સમાન કામ સમાન વેતનના ધોરણે કરવામાં આવે. એએમસીના નિયમ મુજબ જે કર્મચારીઓ પાંચ વર્ષથી વધુ સમય સુધી કોન્ટ્રાકટ આધારિત કામ કરે છે તેમને કાયમી કરવામાં આવે અને સમાન કામ સમાન વેતન ચુકવવામાં આવે. જે સફાઈ કર્મચારીઓ મેનહોલમાં કામ કરે છે તેમને જોર જબરજસ્તીથી મેનહોલમાં ઉતારવામાં આવે છે તે ન થવું જોઈએ અને તેમને સુરક્ષના સાધનો આપવામાં આવે.