મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ જે દેશ આંદોલનના માર્ગે આઝાદ થયો તે દેશમાં છેલ્લા કેટલાક વર્ષોથી જાણે આંદોલનને અપરાધ ગણવામાં આવી રહ્યો છે. કેટલાક દેશવ્યાપી આંદોલનો હોય કે શહેરો, ગામડાઓના નાના નાના આંદોલનો હોય સરકાર દ્વારા પોલીસનો ઉપયગ કરીને આંદોલનોએ તોડી પાડવામાં આવે છે અથવા તો તોડવાનો પ્રયત્ન કરવામાં આવે છે. અમદાવાદમાં પોતાના છેલ્લા ચાર મહિનાથી નહીં મળેલા પગારની માગને લઈને આંદોલન કરી રહેલા સફાઈ કર્મચારીઓનું આંદોલન પણ પોલીસ બળનો ઉપયોગ કરીને ગઈ કાલે મોડી રાતે તોડી પાડવામાં આવ્યું હતું.

છેલ્લા ચાર મહિનાથી અમદાવાદ મ્યુનિસિપલ કોપોરેશનમાં અલગ અલગ વોર્ડમાં ફરજ બજાવવતા કરાર આધારિત સફાઈ કર્મચારીઓના પગાર કરવામાં આવ્યા નથી. જેને લઈને છેલ્લા છ દિવસથી આ કર્મચારીઓ બોડકદેવ સ્થિત કોર્પોરેશનની ઓફિસમાં ઘરણા ઉપર બેઠા હતા. આ ધરણાને કારણે છ દિવસથી કોર્પોરેશનને ઓફિસ બંધ રાખવાની ફરજ પડી હતી અને ઓફિસમાં દરેક પ્રકારનું કામ છ દિવસથી બંધ હતું.

કોર્પોરેશનની ઓફિસ શરૂ રહે અને ઓફિસનું કામ ન અટકે તે માટે ગઈ કાલે મોડી રાતે પોલીસ બળનો ઉપયોગ કરીને આ સફાઈ કર્મચારીઓને હટાવવામાં આવ્યા હતા. જો કે સફાઈ કર્મચારીઓએ ઓફિસ ખાલી કરવાની ના પડતા પોલીસને લાઠીચાર્જ કરવાની પણ ફરજ પડી હતી. વિરોધ પ્રદર્શન કરી રહેલા સફાઈ કર્મચારીઓને ત્યાંથી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા.

Advertisement


 

 

 

 

 

ઉલ્લેખનીય છે કે જ્યારે પોલીસ લઠીચાર્જ કરે છે તો કેટલાક આંદોલનકારીઓ ઘાયલ થયા છે પરંતુ આ આંદોલનમાં કેટલાક નાના બાળકો અને મહિલાઓ પણ હતા. કેટલીક મહિલા આંદોલનકારીઓનો આરોપ હતો કે મહિલા પોલીસ દ્વારા તેમની ઉપર બળનો પ્રયોગ કરવામાં આવ્યો હતો. એક પ્રેગન્ટ મહિલાને પણ માર મારવામાં આવ્યો હતો. જેને કારણે મોડી રાતે 108 એમ્બ્યૂલન્સની મદદથી આ મહિલાને હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી હતી. જ્યારે એક નાના બાળકને પણ ઇજા પહોંચી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. લાઠીચાર્જ દરમિયાન પોલીસ દ્વારા જાતિવાદી શબ્દોનો પણ ઉપયોગ થયો હોવાનો આંદોલનકારીઓ આરોપ લગાવી રહ્યા છે.

એક તરફ જ્યારે પોલીસ જવાનો પોતાનો ગ્રેડ પે વધારવા માટે આંદોલન કરી રહ્યા છે અને બીજી બાજુ સફાઈ કર્મચારીઓ પોતાની માગો સાથે પણ આંદોલનના માર્ગે છે. ખેડૂતો આંદોલનના માર્ગે છે તો વિદ્યાસહાયકો પણ આંદોલનના માર્ગે છે. છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલા આવા ઘણા આંદોલનો ઉગ્ર બન્યા, લોકોમાં જાહેર થયા પણ સરકાર તરફથી તેનું નક્કર આઉટપુટ જોવા મળી રહ્યું નથી આ તમામ સરકારની એક પ્રેમ ભરી નજર માગી રહ્યા છે, એક એવી મધ્યસ્થી માગી રહ્યા છે જેના થકી સરકાર અને લોકો વચ્ચેનો વિશ્વાસ કાયમ રહે.