અમિતસિંહ ચૌહાણ (મેરાન્યૂઝ.અમદાવાદ): અમદાવાદ સિવિલ હોસ્પિટલની કોરોના ડેડિકેટેડ 1200 બેડ હોસ્પિટલના આઇ.સી.યુ.વોર્ડમાં પૂર્વ પોલીસ જવાન ચંદ્રબહાદુર થાપા સારવાર હેઠળ છે. ૩ એપ્રિલે ચંદ્રબહાદુર કોરોનાગ્રસ્ત બન્યા હતા. ત્યારબાદ તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 

અમદાવાદના નરોડા વિસ્તારમાં રહેતા ચંદ્રબહાદુર કોરોનાગ્રસ્ત થતા તેમનું ઓક્સિજનનું સ્તર એકાએક ઘટવા લાગ્યું હતું. વાયરસ ફેફસા સુધી પહોંચી ચૂક્યો હતો. એટલે તાત્કાલિક ધોરણે તેમને ૧૨૦૦ બેડની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા. જ્યાં તેમને આઈ.સી.યુમાં. NRBM ઓક્સિજન માસ્ક પર રાખવાની ફરજ પડી. સ્થિતિ ગંભીર થતા તેમને બાયપેપ વેન્ટીલેટર પર રાખી સઘન સારવાર કરવામાં આવતા તેમની સ્થિતિમાં મહદઅંશે સુધારો થયો છે. 


 

 

 

 

 

ચંદ્રબહાદુર થાપાના કિસ્સામાં મુશ્કેલી એ પણ હતી કે તેમનો વર્ષ ૨૦૦૬માં અકસ્માત થતા તેમને બંને પગ ગુમાવ્યા હતા. ત્યારબાદ તે પ્રોસ્થેટિક પગ (કૃત્રિમ પગ)ને સહારે જીવન વ્યતિત કરે છે. એટલે તેમને ભોજન, પાણી, કપડા બદલવા અને શૌચ ક્રિયાઓમાં પેશન્ટ એટેન્ડન્ટ (દર્દી સહાયક) મદદ કરી રહ્યા છે. હાલ, આ દર્દી સહાયક ભારે વાત્સલ્યભાવથી પૂર્વ પોલીસ જવાનની સેવા કરી રહ્યા છે.

ચંદ્રબહાદુર થાપાએ પણ સિવિલ હોસ્પિટલના સફાઇકર્મીઓ અને પેશન્ટ એટેન્ડનો હ્રદયપૂર્વક આભાર માને છે. તેઓ કહે છે કે, સિવિલ હોસ્પિટલમાં મારી શ્રેષ્ઠ સારવાર થઇ રહી છે. મેં લગીરેય વિચાર્યું ન હતું કે કોરોનાગ્રસ્ત થયા બાદ મને સરકારી હોસ્પિટલમાં આટલી શ્રેષ્ઠ સારવાર મળશે. અહીંના તબીબો દ્વારા કરવામાં આવી રહેલી સારવારથી હું ખૂબ જ પ્રભાવિત થયો છું અને મને ખાતરી છે કે હું મારા પ્રોસ્થેટિક લેગ પર ચાલીને ઘરે પરત ફરીશ.

અત્રે ઉલ્લેખનીય છે કે, સિવિલ હોસ્પિટલ સ્ટાફ રાઉન્ડ ધ ક્લોક દર્દીઓની કાળજી લઈ રહ્યા છે. સિવિલ સુપ્રિટેન્ડેન્ટ જે.વી.મોદીએ જ્યારે વોર્ડની મુલાકાત લીધી ત્યારે આ પૂર્વ પોલીસ જવાનને મળીને તેમનું મનોબળ વધાર્યું હતું.