જયંત દાફડા (મેરાન્યૂઝ.અમદાવાદ): તંત્રની અવ્યવસ્થાના કારણે આખરે કેટલા લોકોના જીવનો ભોગ લીધો હશે! એશિયાની સૌથી મોટી હોસ્પિટલ સિવિલ હોસ્પિટલ અને 1200 બેડ સામે વધુ એક જીવંત શરીર લાશ બની ગયું.

મળતી માહિતી અનુસાર, ગુરુવાર બપોર સુધી સ્વસ્થ દેખાતી મહિલાને જમ્યા પછી અચાનક શ્વાસ લેવામાં તકલીફ શરૂ થતાં પતિએ 108માં ફોન કર્યો પણ વટવામાં એક પણ એમ્બ્યૂલન્સ ઉપલબ્ધ ન હોવાનો જવાબ મળતાં પતિ પત્નીને રિક્ષામાં વટવાની શ્રીજી હોસ્પિટલ લઈ ગયો હતો. વટવામાં રહેતી 30 વર્ષીય મહિલાને તેનો પતિ શહેરની ત્રણ હોસ્પિટલમાં લઈને ફર્યો છતાં પત્નીને બચાવી શક્યો નહીં. 

શ્રીજી હોસ્પિટલના ડૉક્ટર્સએ પત્નીને અન્ય કોઈ મોટી હોસ્પિટલમાં લઈ જવાની સલાહ આપતાં પતિ તાત્કાલિક એલ.જી. હોસ્પિટલ લઈને પહોંચ્યો પણ ત્યાં હાજર ડૉક્ટર્સને દર્દીના જીવન કરતા નિયમોનું પાલન કરાવતા કહ્યું કે, દર્દીને108માં લાવશો તો જ દાખલ કરવાનું કરાશે. મતલબ કે સીધા હોસ્પિટલ નહીં પહોંચી જવું, 108ની કલાકો માટે રાહ જોવી? પતિ એ જ રિક્ષામાં ફરી પત્નીને બેસાડી મણિનગરની સરદાર પટેલ હોસ્પિટલમાં લઇ ગયો, ત્યાં પણ સારવાર ન મળી. આખરે સાડા ચાર કલાકના રઝડપાટ પછી પત્નીને લઈને સારવાર માટે સિવિલ પહોંચ્યો. સિવિલના દરવાજે ત્રણ-ત્રણ એમ્બ્યૂલન્સ અને 20 હજાર લિટરની ઓક્સિજન ટેન્કની સામે જ મહિલા દર્દીએ વ્હીલચેર પર અંતિમશ્વાસ લીધા હતા. પત્નીના શ્વાસ માટે સતત લડતા રહેલા પતિની નજર સામે જીવનસાથીનો શ્વાસ છૂટ્યો, તેના માટે આ કેટલી પીડાદાયી ઘટના હશે તેનો અંદાજ લગાવી શકાય છે પરંતુ વાહિયાત નિયમોના શ્વાસ છૂટ્યા નહીં કે તેને એક તરફ મુકી માનવતા માટે કોઈ આગળ આવ્યું નહીં. ખુદ ધરતીનો ભગવાન પણ નિયમોના બંધને બંધાઈ ગયો.

સામન્ય માણસોને કોરોનાની સારવાર માટે અને બેડ શોધવાના ચક્રવ્યૂહમાંથી પસાર થતાં કલાકો થઈ જાય છે. અને માત્ર ગણતરીની મિનિટમાં તો દર્દીના શ્વાસ નીકળી જાય છે. આ તો એક ઘટના પ્રકાશિત થઈ છે આવી લાચારી અનેક લોકો કોરોનાના કપરાકાળમાં ભોગવી રહ્યા હશે!
 
"તમારા ઘરે રાંધશો નહીં અને મારા ઘરે ખાશો નહીં" સરકારી હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત દર્દીને સારવાર માટે 108માં લઈને જાય તો જ દાખલ કરાય છે અત્યારની પરિસ્થિતીમાં થોડા દિવસ પહેલા જ ખુદ નિતિન પટેલે સ્વીકાર્યું હતું કે 108ને દર્દી સુધી પોંહચવા માટે ચારથી પાંચ કલાકો લાગે છે. આ ચાર પાંચ કલાક દર્દી તંત્રના ભરોશે રહે કે ભગવાનના ભરોશે? આવા સમયે પરિવાર પણ લાચાર થઈને પોતના વ્યક્તિને બચાવી નથી શકતો. આપણી સંવેદનશીલ સરકારના આવા અસંવેદનશીલ નિર્ણયો કેટલા યોગ્ય..!!