મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ માતા-પિતાની બેકાળજી ગણીવાર સંતાનો માટે દુઃખદ બની જતી હોય છે. ઘણીવાર માતા પિતા બાળકને ચાલુ વાહનમાં મુકી દેતા જોયા હશે ઘણીવાર બાળકો એક્સેલરેટર દબાવી અકસ્માતનો ભોગ પણ બનતા હોય છે. લોડેડ ગન ચલાવી દેવી, ચપ્પુથી જાતે શાકભાજીને બદલે આંગળી પર વાગી જવું વગેરે બાળ બુદ્ધીમાં આ બધું થઈ જતું હોય છે. પરંતુ માતા પિતાએ ખરેખર જોખમી વસ્તુઓથી સંતાનોને દુર જ રાખવા હીતાવહ રહે છે નહીં તો તેના ગંભીર પરિમામો પણ આવતા હોય છે. આવી જ એક ઘટના આણંદના સમરખા ગામે ઘટી છે. જ્યાં ઘરમાં એરગન હતી જે લોડેડ રાખીને પિતા ઓટલા પર જ ભૂલી જાય છે. દરમિયાન 5 વર્ષિય બાળક તેનું ટ્રીગર દબાવે છે અને 2 વર્ષની બાળકીને તેનો છરો પીઠમાંથી વાગી છેક ફેફસામાં હૃદય સુધી પહોંચીને અટકી જાય છે. અમદાવાદમાં આ દીકરીનું સફળ ઓપરેશન કરી તેનો જીવ તો બચાવાઈ લીધો પરંતુ આ એક સામાન્ય ભૂલ દીકરીની જીંદગીને જોખમમાં મુકનારી હતી.

બાબત એવી બની કે, આણંદના સમરખા ગામે રહેતા હિતેશ ઠાકોર ખેતી કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમના પરિવારમાં પત્ની અને 5 વર્ષનો દિકરો અને 2 વર્ષની દીકરી છે. તેઓ ખેતરમાં ભૂંડ, વાંદરા ભગાડવા માટે એરગન લાવ્યા હતા. ગત 5મી નવેમ્બરે તે આ ગનને લોડેડ રાખી ઓટલા પર ભૂલી ગયા હતા અને રમતા રમતા 5 વર્ષના દિકરાના હાથમાં આ ગન આવી ગઈ હતી. પિતા હિતેશ અન્ય કામમાં લાગી ગયા અને આ બાજુ દિકરો આ લોડેડ ગન સાથે રમવા લાગ્યો હતો. તેણે ટ્રીગર જેવું દબાવ્યું કે બે વર્ષની દીકરી કે જે ત્યાં રમી રહી હતી તેને પીઠના ભાગે તેનો છરો ઘૂસી ગયો હતો. તેને લોહી નીકળતું હતું અને બાળકી રડ્યા કરતી હતી જેથી તેને તુરંત સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી.

હોસ્પિટલમાં તબીબોએ એક્સરે, સીટી સ્કેન કર્યું ત્યારે ખ્યાલ આવ્યો કે છરો છાતીમાં જમણા ભાગમાં છે અને પછી બાળકીની સર્જરીનો નિર્ણય કરવામાં આવ્યો હતો. બીજા દિવસે પીડિયાટ્રીક વિભાગના સર્જન ડો. મહેશ વાઘેલા તથા એનેસ્થેશિયાના ડો. નિલેશ સોલંકી અને તેમની ટીમે આ ઓપરેશન હાથ ધર્યું. પહેલા દૂરબીનથી તપાસ કરી તેના બધા ટ્રેક જોયા કે બહારથી છરો કેવી રીતે અંદર ઘૂસ્યો છે. પછી ફેફસામાં કઇ જગ્યાએ ફસાયો છે તે જોયું. પરંતુ અમે છરો લોકેટ કરી શક્યા નહીં. એટલે કાઢી શક્યા નહીં. એટલે તેની છાતી ખોલીને ઓપરેશન કર્યું, તો છરો અમને જમણાં ફેફસાંની નીચેના ભાગમાંથી મળ્યો. લગભગ એવું કહેવાય કે છરો હૃદયની નજીક જ હતો. આ ઓપરેશન અંદાજીત 2 કલાક જેટલું ચાલ્યું હતું.

બાળકીની સર્જરી સફળ રહેતા પરિવારજનોએ તબીબોનો આભાર માન્યો હતો. આ ઘટના ખરેખર એક ચેતીને માતાપિતા તથા વડીલોને માટે ઘંટી સમાન છે. જે ઘરમાં બાળકો હોય ત્યાં જોખમી વસ્તુઓની તકેદારી વડીલોએ જ રાખવી અનિવાર્ય બને છે. દવાઓ, છરી, એરગન કે લાયસન્સ વાળી ગન, ઉંદર મારવાની દવાઓ, દવાના સ્પ્રે, ઝેરી લીક્વીડ વગેરે જેવી વસ્તુઓ બાળકની પહોંચથી દૂર મુકવી જ હિતાવહ છે.