જયંત ડફાળા , અમદાવાદ: છેલ્લા 15થી 20 દિવસથી રાજ્યમાં કોરોનાના કેસોમાં સતત ઉછાળો આવી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં શહેરમાં 800થી વધારે કેસ નોંધાયા છે. ત્યારે ગઈ કાલ રાત્રે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં એમ્બુલન્સની લાઈનો લાગી હતી. અમદાવાદમાં કોરોના વિસ્ફોટ જેવી પરિસ્થિતી સર્જાઈ છે ત્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલનો એક વિડીયો સામે આવ્યો છે જેમાં એક સાથે 15-20 એમ્બુલન્સની લાઈનો લાગી છે. કોરોનાના દર્દીને એમ્બુલન્સમાંથી  સ્ટ્રેચર પર ઉતારી હોસ્પિટલમાં દાખલ કરવા માટે એમ્બુલન્સની કતારો લાગી હતી. સિવિલની 1200 બેડ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓનો ઘસારો આ વિડીયોમાં સ્પષ્ટ રીતે દેખાય છે. હોસ્પિટલમાં સવારથી રાત સુધી આખો દિવસ એમ્બુલન્સની સાઇરન વાગતી રહે છે. મધ રાત્રિના દ્રશ્ય જોઈને સમજી શકાય છે કે શહેરમાં કોરોનાની શું પરિસ્થિતી છે.

હાઇકોર્ટના નિર્દેશ પછી હજુ પણ સરકાર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. માત્ર રાત્રી કર્ફ્યું જ જાહેર કરવામાં આવ્યો છે. અમદાવાદમાં રોજ મોટી સંખ્યામાં કોરોનાના કેસ નોંધાઈ રહ્યા છે. હાઇકોર્ટ એ બે દિવસ પેહલા પરિસ્થિતિનું અવલોકન કરીને રાજ્ય સરકારને ૩ થી ૪ દિવસ માટે લોકડાઉન આપવા અંગે નિર્દેશ કર્યા હતા. આવા સમયે એમ્બ્યુલન્સના એવા વિડિયો વાઇરલ થવા એ ખૂબ ચિંતાનો વિષય છે. રાજ્ય સરકારે જલ્દી યોગ્ય નિર્ણય લેવો જોઈએ અને અમદાવાદમાં કોરોનાની વણસતી સ્થિતિને પોહચી વળવા માટે હોસ્પિટલોમાં કોરોનાની સારવાર માટે વધારે સુવિધા કરવી જોઈએ. ખુદ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા સહિત ગણા નેતાઓ કોરોનાની ઝપેટમાં આવવા લાગ્યા છે. 


 

 

 

 

 

કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધન એ એવું જણાવ્યું હતું કે કોરોનાની બીજી લહેર પેહલી લહેર કરતા વધુ ચિંતાજનક છે. બીજી લહેરમાં કોરોના દર્દીઓનો આંકડો ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે. કોરોના સંક્રમણ વધવા માટે લોકોની બેદરકારી પણ એટલી જ જવાબદાર છે. આ પરિસ્થિતિમાં સામાન્ય નાગરિકોએ સરકારને સહકાર આપવો જોઈએ અને કોરોનાની ગાઈડ લાઈનનું ચુસ્ત પણે પાલન કરવું જોઈએ.