મેરાન્યૂઝ નેટવર્ક, અમદાવાદ: બે મહિના અગાઉ એક ખાનગી ગુજરાતી ન્યૂઝ ચેનલના પત્રકાર ચિરાગ પટેલનો મૃતદેહ સળગેલી હાલતમાં કઠવાડા ગામની સીમમાંથી મળી આવ્યો હતો. જેની તપાસ દરમિયાન હવે ચિરાગનો મોબાઇલ કઠવાડાના એક યુવક પાસેથી મળી આવ્યો છે.

ક્રાઇમ બ્રાંચના સૂત્રોના જણાવ્યા અનુસાર પત્રકાર ચિરાગ પટેલનો મોબાઇલ એક યુવક તેના બાઇક પરથી લઇ ગયો હતો. તેની બાઇકની નજીકમાં ચિરાગનો મૃતદેહ પડ્યો હતો. જો કે આ યુવકે મૃતદેહ જોયો ન હતો અને માત્ર બાઇક પર મોબાઇલ દેખાતા તેણે તેને લઇ લીધો હતો અને ત્યાંથી રવાના થઇ ગયો હતો. યુવકે આ મોબાઇલમાંથી બધો ડેટા ડિલિટ કરી નાખ્યો છે. જેથી મોબાઇલને એફએસએલમાં મોકલવામાં આવશે. પીએમ રિપોર્ટ અનુસાર ચિરાગના શરીર પર પર પેટ્રોલ-ડિઝલ કે કેરોસિન છાંટમાં આવ્યું હતું.