તુષાર બસિયા (મેરાન્યૂઝ.અમદાવાદ): ભારત હાલ સંપુર્ણ લૉક ડાઉન છે વળી આ લૉકડાઉનનો સમયગાળો લાંબો છે. કોરોના વાયરસે પેદા કરેલા કપરા સમયે સરકારે તાત્કાલિક સજ્જડબંધના કડક પગલા લેવા પડ્યા, કારણ વાજબી છે પણ કોરોનાના કારણે ઘણા પ્રકારની સમસ્યા સર્જાઇ છે. જેમાં સૌથી વધુ હેરાન ઘરથી દુર ફસાયેલા પ્રવાસીઓ છે એમને ક્યાં રહેવું, ક્યાં જમવુંએ જટીલ પ્રશ્ન સતાવવા લાગ્યો. આવો જ પ્રશ્ન અમદાવાદના રહીશ યાત્રાળુઓ સામે આવ્યો પણ ગુજરાતી પત્રકારની કુનેહપુર્વકની કામગીરીથી યાત્રિકોને તમામ જરૂરી સહાય મળીએ પણ છત્તીસગઢના મુખ્યમંત્રીના ધર્મપત્ની મુક્તેશ્વરી બઘેલ તરફથી.  

કોરોના ભારતને પણ ભરડામાં લેશે એ વાતે અજાણ અમદાવાદના 94 વૃદ્ધ પ્રવાસીઓ ધાર્મિક યાત્રાનો આરંભ કરી ચુક્યા હતા. છત્તીસગઢના ચંપારણ્યધામ પહોંચેલી આ યાત્રા વડાપ્રધાને દેશને લૉક ડાઉન કર્યા બાદ અધ્ધવચ્ચે જ મુકામ મેળવવા મજબુર બન્યા. આ સમયે પ્રવાસીઓ પોતાના પરિવારને સંપર્ક કરી મદદ માંગતા રહ્યાં પણ આ સંકટમાં ફસાયેલા સભ્યોને કોઇ રીતે મદદ થઇ શકે તેમ જણાતું નહોતુ. આ મુશ્કેલીની જાણ થતા જ રાજકોટનાં પત્રકાર જીગ્નેશ કાલાવડિયાએ અખીલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતીના છત્તીસગઢના પત્રકાર મિત્રોને મદદ કરવા આહવાન કર્યું હતું, તુરંત હરકતમાં આવી છત્તીસગઢના પત્રકાર શંકર પાંડે અને રાકેશ પ્રતાપે મુખ્યમંત્રીના ધર્મ પત્નીને કાને આ મદદની ગુહાર પહોંચાડી દીધી.

આ વાતથી અવગત થતા જ મુક્તેશ્વરી બઘેલ દ્વારા પોતાના ભાઇ વિકાસ અને અન્નદેવને સૂચના આપી ફસાયેલા ગુજરાતી પ્રવાસીઓ માટે માસ્ક, સાબુ, દુધ જેવી વસ્તુ પહોંચાડવામાં આવી હતી. સાથે જ મુખ્યમંત્રી બઘેલે પણ ફસાયેલા યાત્રિકોને ધર્મશાળાનાં સ્ટાફને ખાવા-પીવાની સામગ્રી પુરી પાડવા આદેશ કર્યો છે. આ સાથે પ્રવાસીઓને 1 એપ્રિલ સુધી રહેવાનું અડધુ ભાડું ચુકવવાનું રહેશે ત્યારબાદથી તેમનો સંપુર્ણ ખર્ચ છત્તીસગઢ સરકાર ઉઠાવશે તેવી બાહેંધરી પણ પ્રવાસીઓને આપી છે.  

આ મદદ મળતા પ્રવાસીઓને હાશકારો થયો હતો. પ્રવાસીઓમાંના ગોવિંદભાઇ પટેલ સાથે વાતચીત કરતા તેઓ છત્તીસગઢ સરકાર અને ખાસ કરીને મુક્તેશ્વરી બઘેલનો આભાર માની તેમના સરહાનિય કાર્યને બીરદાવી રહ્યાં છે. તેઓ વઘુમાં જણાવે છે કે, અમોને વતન પરત મોકલવા માટે પણ પ્રય્તનો ચાલુ કર્યા હતા, પરંતુ ગુજરાત છત્તીસગઢ વચ્ચે આવતા રાજ્યોની બોર્ડર્સ પર મંજુરીની પ્રક્રિયા, સ્વાસ્થય સંબંધીત સુરક્ષા પણ મહત્વની હોઇ હાલ અહીં જ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તક મળ્યે મુક્તેશ્વરીને આ મદદ કરવા બદલ ધન્યવાદ કહેવા જરૂર ફોન કરવા પ્રયત્ન કરીશું.