મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ હાલ સ્માર્ટ ફોનનો ઉપયોગ મોટાભાગના લોકો કરે છે. જેમાં વૃદ્ધોથી માંડી સગીર વયના લોકોનો પણ સમાવેશ થાય છે અહીં સુધી કે ઓનલાઈન શિક્ષણ આવતા હવે બાળકો પણ તેમાં વધુ રસ લેતા થયા છે. હવે વિચાર કરો કે આ ફોનથી માત્ર એક ક્લીક થાય અને તમારા બેન્કમાં પડેલા રૂપિયા પર કોઈ હાથ ફેરો કરી જાય તો? વિચાર આવતા જ ચિંતા ઊભી થાય છે. અમદાવાદના એક ડોક્ટર સાથે આવું જ થયું છે. સ્ક્રેચ એન્ડ વીનમાં 499 જીતવા માટે ક્લિક કરી તો ઉલ્ટાનું ખાતામાંથી 499 ડેબીટ થઈ ગયા. ડોક્ટરે અન્ય લોકો આવી ચિટિંગનો ભોગ ન બને તે માટે પોલીસ ફરિયાદ કરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં રહેતા તબીબ ડો. રાજેશ ખટવાનીના મોબાઈલ પર સ્ક્રેચ એન્ડ વીન 499ની લીંક આવી હતી. તેમણે સ્ક્રેચ કર્યું જેમાં તેઓને 499 જીતી જે એકાઉન્ટમાં રૂપિયા લેવાના હોય તે એકાઉન્ટની ડિટેઈલ્સ માગવામાં આવી. એકાઉન્ટની ડિટેઈલ્સ આપ્યા પછી આવેલો પીન નંબર પણ તેમણે એન્ટર કર્યો અને તે સાથે જ ખાતામાં 499 ક્રેડિટ થવાને બદલે ડેબિટ થઈ ગયા. જોકે તબીબ માટે 499 રૂપિયા બહુ મોટી કિંમત ન્હોતી પરંતુ તેમણે પોલીસ ફરિયાદ એટલે કરી કે તેઓ જે રીતે ચિટિંગનો ભોગ બન્યા તે રીતે અન્ય કોઈ વ્યક્તિ આવા લોકોના ચૂંગાલમાં આવીને પોતાના રૂપિયા ન ગુમાવી બેસે.

ડો. રાજેશ ગુગલ પર સર્ચ કરી હ્યા હતા ત્યારે તેમને ફોન પે રિવર્ડની એક લીંક આવી જેમાં સ્ક્રેચ એન્ડ વીન એવી આકર્ષક જાહેરાત હતી. તેમણે સ્ક્રેચ કર્યું તો તમે 499 જીતી ગયા છો તેવું અંગ્રેજીમાં લખાઈને રિપ્લાય આવ્યો, સાથે જ જીતેલી પ્રાઈઝ મની ક્લેઈમ કરવા માટે એકાઉન્ટની વિગતો માગવામાં આવી. જેથી પોતના રજીસ્ટર્ડ નંબર પરનું યુનિયન બેન્કનું ખાતું તેમણે સિલેક્ટ કર્યું અને પીન નંબર એન્ટર કર્યો. જેવો પીન એન્ટર કર્યો કે ખાતામાંથી 499 ડેબિટ થઈ ગયા. તેમણે આ મામલે સાયબર ક્રાઈમને અરજી કરી છે અને પછી શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે તેમની ફરિયાદ આધારે વધુ તપાસની તજવીજ શરૂ કરી છે. જોકે હવે 499 રૂપિયા આ રીતે આંચકી લેનારો પકડાય છે કે કેમ તે જોવું રહ્યું.