મેરાન્યૂઝ નેટવર્ક. અમદાવાદઃ અમદાવાદ શહેરમાં ચેઇન સ્નેચિંગની ઘટના અવારનવાર અલગ અલગ વિસ્તારોમાં સામે આવે છે. શહેરના રાણીપ વિસ્તારમાં પણ આવી જ એક ઘટના સામે આવી છે. રાણીપમાં અજિતનાથ સોસાયટીમાં રહેતા ૫૦ વર્ષીય ધાર્મિષ્ઠાબેન જ્યારે બલોલનગરમાં અજિતનાથ સોસાયટીના ગેટ આગળથી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન એક અજાણ્યો વ્યક્તિ એક્ટિવા પર આવીને ધાર્મિષ્ઠાબેનના ગળામાં પહેરીલી સોનાની ચેઈન ખેંચીને ભાગી ગયો હતો.

ધાર્મિષ્ઠાબેન ઘરકામ કરે છે અને તેમના પતિ ખાનગી કંપનીમાં સિક્યુરિટી ગાર્ડની નોકરી કરે છે. તેમને બે પુત્રી અને એક પુત્ર એમ ત્રણ સંતાનો છે. ધાર્મિષ્ઠાબેન પોતાની પુત્રી સાથે સોસાયટીની બહાર શાક માર્કેટમાં ખરીદી કરવા ગયા હતા અને ત્યાર બાદ જ્યારે પોતાના ઘરે પરત જઈ રહ્યા હતા તે દરમિયાન સાંજે ૭.૧૫ વાગ્યે સોસાયટીના ગેટની પાસે એક અજાણ્યા ૨૦-૩૦ વર્ષના વ્યક્તિએ એક્ટિવા પર ઝડપથી પસાર થઈને ધાર્મિષ્ઠાબેને ગાળામાં પહેરેલી અંદાજીત એક તોલાની સોનાની ચેઇન ખેંચીને ભાગી ગયો હતો. ત્યાર બાદ ધાર્મિષ્ઠાબેને પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કરીને જાણ કરી હતી અને ત્યાર બાદ રાણીપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ અંગે આગળની તાપસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.એસ.ચૌધરી કરી રહ્યા છે.

Advertisement


 

 

 

 

 

ધાર્મિષ્ઠાબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે, " હું અને મારી પુત્રી હેતલ ખરીદી કરવા માટે સોસાયટીની બહાર શાક માર્કેટમાં ખરીદી કરવા ગયા હતા. પરત ઘરે જઈ રહ્યા હતા ત્યારે મને યાદ આવ્યું કે ફૂલ લેવાના હું ભૂલી ગઈ છું. જેના કારણે મેં પુત્રીને ઘરે મોકલી અને હું ફૂલ લેવા પાછી ગઈ હતી. ફૂલ લઈને જ્યારે ઘર તરફ જઈ રહી હતી ત્યારે સોસાયટીના ગેટ આગળ એક અજાણ્યા વ્યક્તિર મારા ગાળામાં રહેલી સોનાની ચેઇન ઝુંટવીને ભાગી ગયો હતો. હું ખૂબ ગભરાઈ ગઈ હતી જેના કારણે હું એક્ટિવાનો નંબર અને કલર જોઈ શકી ન હતી."