પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): અડધો ડઝન કરતાં વધુ વિદ્યાર્થિનીઓને શિકાર બનાવી ભગાડી દેનાર રાજકોટ અને સુરેન્દ્રનગરમાં ટ્યૂશન ક્લાસ ચલાવતા શિક્ષક ધવલ ત્રિવેદીને ગત વર્ષે દિલ્હીના સ્પેશ્ય સેલ દ્વારા હિમાચલ પ્રદેશમાંથી ઝડપી પાડવામાં આવ્યો હતો. આ મામલે તપાસ કરી રહેલી સીબીઆઈએ ધવલ ત્રિવેદી સામે કોર્ટમાં ચાર્જશિટ રજૂ કરતાં હવે આગામી સપ્તાહથી અમદાવાદ સીબીઆઈ કોર્ટમાં ધવલ ત્રિવેદી સામેની કાર્યવાહી શરૂ કરવામાં આવશે.

રાજકોટ અને સુરેન્દ્રનગરમાં ટ્યૂશન ક્લાસ ચલાવતા શિક્ષક ધવલ ત્રિવેદીએ અડધો ડઝનથી વધુ વિદ્યાર્થિનીઓને ફસાવી તેને ભગાડી ગયો હતો. આ મામલે પ્રારંભીક તબક્કે વિદ્યાર્થિની ગુમ થયાની ફરિયાદ નોંધાયા બાદ સ્થાનિક પોલીસે ધવલ અને તેની સાથે રહેલી વિદ્યાર્થિનીઓને શોધી કાઢી હતી, પરંતુ આબરુ જવાની બીકે આ મામલે ધવલ ત્રિવેદી સામે કોઈએ ફરિયાદ નોંધાવી ન્હોતી.

Advertisement


 

 

 

 

 

જેના કારણે ધવલ ત્રિવેદીની હિંમત ખુલી હતી અને તેણે ચોટીલાની એક વિદ્યાર્થિનીને નિશાન બનાવી અને તેને પણ ભગાડી ગયો હતો. આ મામલે પોલીસ ફરિયાદ નોંધાયા છત્તાં ગુજરાત પોલીસ ધવલ અને તેની સાથે ગયેલી વિદ્યાર્થિનીને શોધવામાં નિષ્ફળ જતાં મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો. ગુજરાત હાઈકોર્ટે આ મામલે સીબીઆઈને તપાસ સોંપી ધવલ ત્રિવેદીને શોધી કાઢવા આદેશ કર્યો હતો. 

સીબીઆઈએ ધવલ અને તેની સાથે રહેલી યુવતીને શોધી કાઢવા તમામ રાજ્યોની પોલીસની મદદ માગી હતી. આ ઉપરાંત તમામ રાજ્યના શિક્ષણ વિભાગને પણ ધવલ અંગે જાણકારી આપી હતી. એક વર્ષની લાંબી મહેનત પછી દિલ્હી પોલીસને સફળતા મળી હતી અને હિમાચલની એક ફેક્ટરીમાં શીખ વેશ ધારણ કરી નોંકરી કરતાં ધવલ ત્રિવેદીને શોધી કાઢ્યો હતો. ધવલ ત્રિવેદી પર સીબીઆઈએ રૂપિયા 5 લાખનું ઈનામ પણ રાખ્યું હતું. દિલ્હી પોલીસ પાસેથી ધવલની કસ્ટડી લીધા પછી સીબીઆઈએ પોતાની તપાસ આગળ વધારી હતી જેમાં જાણકારી મળી હતી કે ધવલે હિમાચલની છોકરીઓને પણ ફસાવવાનો પ્રયત્ન કર્યો હતો. 

આ મામલે તમામ પુરાવાઓ એકત્ર કરી સીબીઆઈ દ્વારા સીબીઆઈ કોર્ટમાં ધવલ ત્રિવેદી વિરુદ્ધ ચાર્જશિટ દાખલ કરવામાં આવી હતી. જેના આધારે કોર્ટે આવતા સપ્તાહથી સુનાવણી શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.