મેરાન્યૂઝ નેટવર્ક, અમદાવાદ: અમદાવાદનાં રીવરફ્રન્ટ ઉપર થયેલી હત્યાનો ભેદ ઉકેલવા માટે ત્યાં કામ કરતા છ મજુરોને ચાર દિવસ ફટકારી કરંટ આપવાના મામલે હવે અમદાવાદ પોલીસે બે પોલીસવાળા સામે ગુનો નોંધ્યો છે. જો કે પોલીસ ફરિયાદમાં કીમિયો અજમાવ્યો છે કે પોલીસે મજુર પાસે નોંધાવેલી ફરિયાદમાં અજાણ્યા પોલીસવાળા તેવા શબ્દનો ઉપયોગ કર્યો છે.

અમદાવાદના રીવરફ્રન્ટ ઉપર ચાલી રહેલા આનંદ મેળાના સ્થળે મોડી રાતે  સિક્યુરીટી ગાર્ડને એક લાશ મળી હતી. આ મામલે હત્યા કોણે કરી તે શોધવા માટે સાઈટ ઉપર કામ કરતા છ મજુરોને પોલીસ ઉપાડી લાવી રીવરફ્ન્ટ પોલીસ સ્ટેશનમાં લાવી ચાર દિવસ ફટકર્યા હતા અને કરંટ આપ્યો હતો. પોલીસ તેમની પાસે હત્યાની કબુલાત કરાવી લેવા દબાણ લાવી રહી હતી. પરંતુ આ ઘટનામાં છ મજુરો ગંભીર રીતે ઘાયલ થતાં તેમને વીએસ હોસ્પિટલમાં સારવાર માટે લાવ્યા હતા જયાં પાંચ મજુરોને સારવાર આપી જવા દેવામાં આવ્યા હતા જ્યારે એકને દાખલ કર્યો હતો.

જો કે આ મામલે હોબાળો થતાં પોલીસે બે પોલીસવાળા સામે ગુનો નોધ્યો છે. જો કે ફરિયાદમાં પોલીસના નામ લખવાને બદલે એક ખાખી કપડાવાળો પોલીસ અને એક ખાનગી કપડાવાળો પોલીસ તેવો ઉલ્લેખ કર્યો છે. આમ ફરિયાદ તો નોંધી પણ પોલીસની ખોરી દાનત ફરિયાદમાં જોવા મળે છે.